ભરતિયું : વેચેલા માલ અંગે વેચાણકારે ખરીદનારને મોકલેલો દસ્તાવેજ. માલવેચાણના સોદાના અંતિમ સ્વરૂપમાં વેચનાર તરફથી ખરીદનારને ભરતિયું તૈયાર કરીને મોકલવામાં આવે છે, જેને જનભાષામાં ‘બિલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દસ્તાવેજમાં મોકલેલ માલની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવે છે. ખરીદનારે કુલ કેટલી રકમ ચૂકવવાની થશે તે પણ તેમાં દર્શાવવામાં આવે છે.

ભરતિયામાં દર્શાવવામાં આવતી વિગતો આ પ્રમાણે હોય છે : (1) ખરીદનારનું નામ અને સરનામું, ટેલિફોન નંબર, ફૅક્સ નંબર હોય તો તે; (2) ચલનના નંબર અને તારીખ, જો ચલનથી માલ મોકલ્યો હોય તો; (3) સંસ્થાનો નોંધણીનંબર; (4) વેચાણની વસ્તુનું  સંપૂર્ણ વર્ણન (જાત, પ્રકાર, બ્રાન્ડ, ગુણવત્તા, પૅકિંગ વગેરે); (5) વસ્તુનો જથ્થો (સંખ્યામાં અથવા વજનમાં અથવા અન્ય માન્ય પદ્ધતિમાં); (6) માલ વેચાણની તારીખ; (7) એકમદીઠ વેચાણકિંમત; (8) કુલ કિંમત; (9) કરવેરા, જકાત ઇત્યાદિ અન્ય રકમો હોય તો કુલ કિંમતમાં ઉમેરેલી તે રકમો; (10) જો અગાઉથી રકમ ખરીદનાર તરફથી મળી હોય તો કુલ કિંમતમાંથી તેટલી બાદ કરેલી રકમ; (11) વેપારી વટાવ બાદ કરીને ખરીદનારે ચૂકવવાપાત્ર થતી છેવટની રકમ; (12) માલનું વેચાણ રોકડેથી છે કે શાખ પર તેની વિગત; (13) ખરીદનાર તરફથી મળેલ વરદીનો નંબર તથા તારીખ; (14) વસ્તુની ડિલિવરી અંગે કોઈ વિશિષ્ટ શરત હોય તો તેનો ઉલ્લેખ. વસ્તુ કયા વાહન દ્વારા મોકલી તેની વિગત (રેલવે-રસીદ – R/R, લૉરી-રસીદ  L/R), વાહન નંબર, વાહનખર્ચ ચૂકવાઈ ગયું કે ચૂકવવાનું બાકી છે તેની વિગત; (15) નાણાંની ચુકવણીનો સમયગાળો, જો નિયત સમયમર્યાદામાં નાણાં ન ચૂકવાય તો વસૂલાત માટે વ્યાજનો દર; ઝઘડો કે વિવાદ ઊભો થાય તો કઈ અદાલતની હકૂમત રહેશે તે અંગેની સ્પષ્ટતા; (16) વેચનારની કે ભરતિયું બનાવનારની  સહી; (17) ભરતિયા નીચે ભૂલચૂક લેવી દેવી (E. and O.E. : Errors and Omissions Excepted) – એવી મતલબનું સામાન્ય રીતે છાપેલું લખાણ.

આ ભરતિયું પોસ્ટ દ્વારા અથવા ખરીદનારના વસવાટ પાસે આવેલ બૅંક મારફતે મોકલી આપવામાં આવે છે. જ્યારે માલ મોકલવામાં આવ્યો હોય ત્યારે ચલન મોકલ્યું ન હોય તો ખરીદનાર માલ છોડાવે ત્યારબાદ ભરતિયામાં દર્શાવેલ વિગત સાથે માલ જોઈને ચકાસણી કરે છે. માલ ઓછો જણાય, ભરતિયામાં દર્શાવેલ રકમમાં ભૂલ હોય, પૅકિંગ બરાબર ન હોય, માલને નુકસાન પહોંચ્યું હોય તો ખરીદનાર ડિલિવરી લેતી વખતે વાંધો નોંધાવે છે. જો માલ ચલનથી મોકલવામાં આવ્યો હોય તો ખરીદનાર પોતાની પાસેની ચલનની નકલ સાથે ભરતિયાની સરખામણી કરે છે અને જેટલી રકમનો તફાવત ઊભો થાય તેટલી રકમની ઉધારચિઠ્ઠી મોકલે છે તથા પોતાના હિસાબી ચોપડામાં તે રકમ વેચનારને ખાતે ઉધારે છે. વેચનાર આ અંગેની રજૂઆતનો સ્વીકાર કરે તો ખરીદનારને જમાચિઠ્ઠી મોકલે છે અને પોતાના હિસાબી ચોપડામાં તે રકમ ખરીદનારના ખાતે જમા કરે છે. જો રકમમાં ભૂલ હોય અને તે કારણે ખરીદનારને વધુ રકમ ચૂકવવાની થતી હોય તો તે વેચનારને જમાચિઠ્ઠી પણ મોકલે છે. જો ભરતિયામાં દર્શાવેલ શરતનું બરાબર પાલન થતું હોય તો ખરીદનાર માલની કિંમત ચૂકવી દે છે.

ભરતિયાનું વાણિજ્ય-વ્યવહારમાં ઘણું મહત્વ છે; કારણ કે તેના દ્વારા ખરીદનારને માલ રવાના થયાની માહિતી પ્રાપ્ત થાય છે; વેચનારને પોતે કુલ કેટલી રકમ ચૂકવવાની છે તેનો ખ્યાલ આવે છે. જો માલ ચલનથી મોકલવામાં આવ્યો હોય તો સામાન્યત: વેચનાર ખરીદનારને અસલ ભરતિયું મોકલે છે અને નકલ પોતાની પાસે રાખે છે. જો માલ ચલનથી નહિ મોકલવામાં આવ્યો હોય તો સામાન્યત: વેચનાર ખરીદનારને અસલ ભરતિયા ઉપરાંત વધારાની એક નકલ મોકલે છે; જે ઉપર દર્શાવ્યા પ્રમાણે ખરીદનાર ચકાસણી કરીને નકલ પર માલ મળ્યાની પહોંચ વેચનારને આપે છે. આમ થતાં ભરતિયું ખરીદ-વેચાણનો કાયદેસરનો દસ્તાવેજ બને છે; હિસાબો લખવા માટે બંને પક્ષને આ દસ્તાવેજો ઉપયોગી છે અને ખરીદનાર તેણે કરેલ ખરીદીના દસ્તાવેજી પુરાવા રૂપ પાકું ભરતિયું મળતાં તેને આધારે વેચાણ કરી શકે છે. તે પુરાવાના આધારે વેચાણ સામે નાણાં ધીરવાની રકમ નક્કી કરવાનું પણ બૅંક માટે સરળ બને છે.

હવે ભરતિયાં કમ્પ્યૂટર પર પણ તૈયાર થાય છે. સામાન્યત: તે છાપેલાં હોય છે. ભરતિયાની વિગતો દરેક પેઢી પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરતી હોય છે, આમ છતાં ઉપર્યુક્ત વિગતો સામાન્ય રીતે કોઈ પણ ભરતિયામાં જોવા મળે છે. વળી વેપારી પેઢીઓ જુદા જુદા રંગોમાં પણ ભરતિયાં તૈયાર કરાવતી હોય છે.

અશ્વિની કાપડિયા