બૉહર, આગે નીલ્સ (જ. 19 જૂન 1922, કૉપનહેગન) : 1975ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. પારમાણ્વિક નાભિમાં થતી સામૂહિક ગતિ અને કણગતિ વચ્ચે સંબંધ મેળવી, તેની ઉપરથી પારમાણ્વિક નાભિના બંધારણ માટેના સિદ્ધાંત અંગેના તેમના સંશોધનકાર્ય માટે આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. નોબેલ પારિતોષિકવિજેતા જિન્સ બૉહરના તેઓ પુત્ર છે. લંડનના ‘સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ’ વિભાગમાં 1942થી 1945 સુધી જુનિયર સાયન્ટિફિક ઑફિસર તરીકે સેવાઓ આપી. ત્યારબાદ 1946માં કોપનહેગનની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયરૅટિકલ ફિઝિક્સ’માં રિસર્ચ એસોસિયેટ તરીકે જોડાયા.

આગે નીલ્સ બૉહર

તેમણે યુવાનીમાં પોતાના પ્રતિષ્ઠિત પિતા સાથે કામ કર્યું. પ્રથમ પરમાણુ બૉંબના વિકાસકાર્યમાં સહાય કરવા માટે 1943માં ડૅન્માર્કથી નાસી છૂટીને લૉસ આલમોસ (U.S.A.) ગયા, ત્યારે તેઓ આગેને પોતાની સાથે લઈ ગયા હતા. તે વખતે આગેની વય માત્ર 21 વર્ષની હતી. જ્યારે તેઓ પરમાણુના વિભંજન (splitting) ઉપર સંશોધનકાર્ય આગળ ધપાવી રહ્યા હતા ત્યારે તેમને સાંકેતિક નામો આપવામાં આવ્યાં હતાં. આગેનું સાંકેતિક નામ ‘Jim Baker’ અને પિતાનું ‘Nicholas Baker’ હતું. વિશ્વની જુદી જુદી વૈજ્ઞાનિક સંસ્થાઓમાંથી આગેએ ઘણી બધી Ph.D. ઉપાધિઓ અને ઇનામો મેળવ્યાં છે. Mottleson અને Rainwaterની સાથે નાભિના બંધારણ અંગેના સામૂહિક મૉડલ(collective model)નું સૂચન કરીને ઇનામ મેળવનારાઓમાં પેલા બે વિજ્ઞાનીઓની સાથે તેઓ પણ હતા. તેઓ 1956થી કોપનહેગન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે.

એરચ મા. બલસારા