બેકેટ, સૅમ્યુઅલ બાર્કલે

January, 2000

બેકેટ, સૅમ્યુઅલ બાર્કલે (જ. 13 એપ્રિલ 1906, ફૉક્સરૉક, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 1989) : સાહિત્ય માટેના 1969ના નોબેલ પુરસ્કારના વિજેતા. અંગ્રેજી અને ફ્રેન્ચ ઉભય ભાષાઓના નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. ઍબ્સર્ડ થિયેટરના મુખ્ય નાટ્યકાર. જન્મ પ્રૉટેસ્ટન્ટ ઍંગ્લો-આઇરિશ પરિવારમાં. પિતા તોલ-માપ પર દેખરેખ રાખનાર અધિકારી. માતા ઊંડી ધાર્મિક વૃત્તિવાળાં. શિક્ષણ ઉત્તર આયર્લૅન્ડની પૉર્ટોરા રૉયલ સ્કૂલ, એનિસ્કિલનમાં. ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાંથી 1927માં સ્નાતક. 1931માં એમ.એ. થયા. અંગ્રેજી, ફ્રેન્ચ અને ઇટાલિયન ભાષાઓનો સુપેરે અભ્યાસ કર્યો. બે વર્ષ ઇકોલ નૉર્મલ સુપીરિયર. પૅરિસમાં અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા હતા. પાછળથી ટ્રિનિટી કૉલેજ, ડબ્લિનમાં ફ્રેન્ચ ભાષા અને સાહિત્યનું અધ્યાપન કર્યું. ફ્રેન્ચ ફિલસૂફ રેને દેકાર્તનો સાંગોપાંગ અભ્યાસ. ‘પ્રાઉસ્ત’ (1931) તેમનો અભ્યાસપૂર્ણ ગ્રંથ. અહીંથી જ તેમના જીવન અને સાહિત્યસર્જન માટેનો દાર્શનિક પાયો નંખાયો. 1928માં જેમ્સ જૉઇસને મળ્યા. બંને જીવનભર એકમેકના મિત્રો અને પ્રશંસક રહ્યા. ‘જૉઇસ’ (1929) નામે તેમણે નિબંધ લખ્યો. પાછળથી જૉઇસની ‘ફિનિગન્સ વેક’ નવલકથાના થોડાક અંશનો ‘એના લિવિયા પ્લુરાબેલ’ નામથી ફ્રેન્ચમાં અનુવાદ કર્યો. જોકે શરૂઆતમાં તેમણે કેટલાંક કાવ્યો અને બે નવલકથાઓ ‘મર્ફી’ (1938) અને ‘વૉટ’ (1943; પ્રસિદ્ધ 1953) અંગ્રેજીમાં લખ્યાં. પાંચ વર્ષ સુધી કોઈ પણ એક જગ્યાએ ઠરીને ઠામ ન થયા. રઝળપાટના આ ગાળા દરમિયાન તેમણે પુસ્તકપરિચય, અનુવાદ અને કાવ્યસર્જનની પ્રવૃત્તિ ચાલુ રાખી. પિતા તરફથી તેમને થોડીઘણી આર્થિક મદદ મળતી હતી. 1933માં પિતાનું અવસાન થયું. છેવટે 1937માં તેમણે કાયમ માટે પૅરિસમાં નિવાસ કર્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે નાઝીઓની વિરુદ્ધ ‘ગેસ્તાપૉ’(નાઝી છૂપી પુલિસ)ને થાપ આપી તેઓ ભાગી છૂટ્યા. વિશ્વયુદ્ધ પૂરું થતાં પૅરિસમાં પુન:પ્રવેશ કરીને તેમણે નવલકથાત્રયી ‘મૉલૉય’ (1951), ‘મૅલોન ડાઇઝ’ (1951) અને ‘ધી અનનેમેબલ’(1953)નું સર્જન કર્યું. બેકેટ આ કૃતિઓને તેમની સર્વોચ્ચ ઉપલબ્ધિ ગણાવે છે. 1945 પછી તેમણે બહુધા ફ્રેન્ચ ભાષામાં સર્જન કર્યું. 1952માં ‘ઍનએતેન્દન્ત ગોદો’ (વેઇટિંગ ફૉર ગોદો – 1954) અને 1958માં ફિન દ પાર્તિ (એન્ડ ગેમ)

સૅમ્યુઅલ બાર્કલે બેકેટ

નાટકો લખ્યાં. ‘ગોદો’ નાટક તો ‘થિયેટર ઑવ્ ધી ઍબ્સર્ડ’નો લગભગ પર્યાય બની ગયો. આ નાટકે બેકેટને આંતરરાષ્ટ્રીય કીર્તિ અપાવી. તેઓ સાહિત્ય અને રંગભૂમિને લગતા ‘ઍવાં ગાર્દ’ના પ્રમુખ લેખક તરીકે પ્રતિષ્ઠિત થયા. તેમની પેઢીના તેઓ સૌથી વિશેષ પ્રભાવશાળી નાટ્યકાર હતા. તેમનાં લખાણોની અસર હૅરલ્ડ પિંટર, ટૉમ સ્ટોપાડ, એડવર્ડ આલ્બી અને સામ શેફર્ડનાં નાટકોમાં જોવા મળે છે. ‘વેઇટિંગ ફૉર ગોદો’માં બે રખડુઓ કોઈ અગમ્ય સત્તાધારીની રાહ જુએ છે અને એ કોણ છે એની ઓળખ છેક સુધી પ્રગટ થતી નથી. આ નાટક 5 જાન્યુઆરી, 1953ના રોજ સૌપ્રથમ પૅરિસમાં ભજવાયું હતું. ‘એન્ડ ગેમ’ ઘોર નિરાશા તથા ઘડપણની નબળાઈઓને નિરૂપતું નાટક છે. તેમાં પ્રજ્ઞાચક્ષુ હૅમ અને તેના અનુચર ક્લૉવનાં પાત્રો છે. ‘ક્રૅપ્સ લાસ્ટ ટેપ’ (1959); ‘હૅપી ડેયઝ’ (1961); ‘પ્લે’ (1964); ‘નૉટ આઈ’ (1973); ‘ધૅટ ટાઇમ’ (1976) અને ‘ફૂટબૉલ’ (1976) તેમનાં નોંધપાત્ર લઘુનાટકો છે. ‘ક્રૅપ્સ લાસ્ટ ટેપ’ આઇરિશ નટસમ્રાટ પૅટ્રિક મેગી માટે લખાયેલું. ક્રૅપ હવે લઘરવઘર આયખાનાં છેલ્લાં વરસોમાં પ્રવેશ્યો છે. પોતાના ભૂતકાળની ઘટનાઓને ભાવાવેશમાં યાદ કરે છે. પોતે યુવાન હતો ત્યારે જે બોલેલો તે ઉક્તિઓનું સ્મરણ કરે છે. ‘મર્ફી’ (1938) અને ‘હાઉ ઇટ ઇઝ’ (1964) તેમની ગદ્યકૃતિઓ છે. ‘વ્હોરોસ્કોપ’ (1930) અને ‘ઇકોઝ બોન્સ’ (1935) તેમના કાવ્યસંગ્રહો છે. તેમની તમામ કૃતિઓ ‘ધ કલેક્ટેડ વર્કસ ઑવ્ સૅમ્યુઅલ બેકેટ’(1977)ના કુલ બાવીસ ગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.

શું નવલકથા કે શું નાટક – ઉભયમાં માનવપરિસ્થિતિના નિષ્કર્ષને નિચોવતાં બેકેટે માણસના દુ:ખી, અસંતોષકારક અને કંગાળ જીવનને હૂબહૂ ઉપસાવી આપ્યું છે. બેકેટની ફિલસૂફી મુજબ, માણસ આખરે એકલો આવ્યો છે અને એકલો જવાનો છે અને એના જીવનનો કોઈ અર્થ નથી. તેમણે તેમના સર્જનમાં ભાષાને કાપી, છાંટી, સંકોરીને ઠીકઠાક કરવાનો વિશિષ્ટ પ્રયોગ કર્યો છે. બીજા શબ્દોમાં, ભાષાશરીરનાં ત્વચા-માંસ-મજ્જાને મૂળમાંથી અલાયદાં કરી ભાષાનાં અસ્થિને દર્શાવીને ગદ્યને પાકું, રીઢું અને મજબૂત બનાવ્યું છે. વક્રર્દષ્ટિથી કરાયેલો ઉપહાસ તેમાં ઠેર ઠેર ર્દષ્ટિગોચર થાય છે. તેમનાં નાટકો રંગભૂમિને એક જાતનું દાર્શનિક પરિમાણ આપે છે.

જયા જયમલ ઠાકોર

વિ. પ્ર. ત્રિવેદી