બાવટાના રોગો

January, 2000

બાવટાના રોગો : ફૂગના ચેપથી બાવટાને અથવા નાગલી કે રાગીને થતા રોગો. એ રોગોના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે :

1. બાવટાનો દાહ અથવા કરમોડી (blast) : આ રોગ પારિક્યુલરિયા નામની ફૂગથી થાય છે, જે બાવટો ઉગાડતા દરેક પ્રદેશમાં દર વર્ષે જોવા મળે છે. ગુજરાતનો આહવા-ડાંગ પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં આ રોગથી ખૂબ જ નુકસાન થાય છે. ક્યારેક આ રોગથી 90 % જેટલું નુકસાન થયેલું નોંધાયું છે.

કોઈ પણ અવસ્થામાં છોડને આ રોગ થાય છે. ધરુવાડિયામાં તુરત રોપેલા ધરુને રોગ લાગતાં તે સુકાઈ જાય છે. આ રોગમાં શરૂઆતમાં પાન ઉપર ત્રાક આકારનાં ટપકાં થાય છે, જેનો મધ્ય ભાગ લીલા ભૂખરા રંગવાળો જ્યારે ધારવાળો ભાગ પીળા રંગનો હોય છે. આ ટપકાંની મધ્યમાં ભેજવાળા વાતાવરણમાં ભૂખરા જાંબુડી રંગના ફૂગના બીજાણુઓ પેદા કરે છે. તેનાથી ટપકાંની મધ્યમાં ભૂખરો કે સફેદ-ભૂખરો ડાઘ દેખાય છે.

ફૂગનું આક્રમણ થડ કે દાંડીમાં થતાં ગાંઠવાળો ભાગ 5થી 10 મિમી. બંને બાજુ કાળો થઈ જાય છે; જ્યારે કંટી/ડૂંડાની દાંડી ઉપર આક્રમણ થતાં તે પણ કાળી થઈ જાય છે અને પેશીઓ નબળી પડતાં કંટી/ડૂંડું કાળા ભાગ આગળથી વળીને બટકી પડે છે. આ જ પ્રમાણે ડૂંડાની આગળની દાંડી પર ફૂગનું આક્રમણ થતાં તે ભાગ કાળો થઈ તે ત્યાંથી વળી, ભાંગી, ખરી પડે છે. તેના કારણે દાણાનું ખૂબ જ ઓછું ઉત્પાદન મળે છે. દાણા ઉપર આક્રમણ થતાં દાણા ભરાતા નથી અથવા તે ચીમળાઈને નાના થઈ જાય છે. છોડનો દરેક આક્રમિત ભાગ કાળો થઈ જાય છે, પેશીઓ સડતાં રેસા છૂટા થવા માંડે છે. ક્યારેક દાણાના ઉત્પાદનમાં 90 %થીયે વધારે ઘટાડો થાય છે. ભલામણ કરતાં વધારે નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી આ રોગની તીવ્રતા વધી જાય છે.

નીંદામણ અથવા ઘઉં, જવ, ઓટ અને મકાઈ જેવા ધાન્ય પાકોને થતા દાહ-રોગના બીજાણુઓ પવન મારફતે ફેલાઈ બાવટાને પ્રાથમિક ચેપ લગાડે છે. વળી રોગિષ્ઠ બીજ અને પાકના રોગિષ્ઠ અવશેષોથી પણ ધરુવાડિયાને પ્રાથમિક ચેપ લાગે છે અને તેથી ફેર-રોપણી કરતાં ખેતરમાં રોગનો ફેલાવો થાય છે.

નિયંત્રણ-પગલાં તરીકે : (1) બીજને પારાયુક્ત ફૂગનાશકનો પટ આપી વાવણી કરવાનું અને (2) રોગ જણાય કે તુરત જ કીટાઝિન કે હિનોસાન કે કાર્બનડાઝિમનો છંટકાવ કરવાનું સૂચવવામાં આવે છે.

2. ધરુનો સુકારો અને થડનો કોહવારો : બાવટાનો ધરુનો સુકારો હેલ્માન્થોસ્પારિયમ નામની ફૂગથી થતો રોગ છે. તે ભારત અને ફિલિપાઇન્સ તેમજ આફ્રિકાના દેશોમાં દશ વર્ષે જોવા મળે છે. ભારતના તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં દર વર્ષે આ રોગ તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે.

આ ફૂગ ધરુ તેમજ ફેર-રોપણી બાદ પાકની કોઈ પણ અવસ્થાએ રોગ ઉત્પન્ન કરી શકે છે. રોગની શરૂઆતમાં ધરુના પાન ઉપર આ ફૂગ જખમ કરે છે અને ત્યાં ખૂબ જ નાનાં ભૂરાં ટપકાં પેદા કરે છે. ધરુની વૃદ્ધિ સાથે તે વિકાસ પામી લંબગોળ તલ આકારનાં ઘાટાં બદામી ટપકાં પાન ઉપર પેદા કરે છે. આવાં અનેક ટપકાં ક્રમશ: એકબીજા સાથે મળી જતાં પાનમાં સુકારો કરે છે. આમ ધરુનાં પાન સુકાઈ જતાં તે મૃત્યુ પામે છે. એ ધરુનો ચેપ અન્ય ધરુને પણ લાગે છે. ધરુના નીચલા ભાગના થડમાં આક્રમણ થતાં થડ પણ કોહવાઈ જાય છે.

મોટા છોડનાં પાન અને થડ ઉપર ફૂગનું આક્રમણ થતાં પાન પર ઘાટા બદામી રંગનાં લંબગોળ તલ આકારનાં ટપકાં જોવા મળે છે. જ્યારે થડની બાહ્ય સપાટીએ અચોક્કસ વાંકીચૂકી ધારવાળાં ઘાટાં બદામી ટપકાં દેખાય છે; જ્યારે ડૂંડાની દાંડી ઉપર રોગનું આક્રમણ થતાં પેશીઓ સડે છે, અને તેમનો રંગ બદામી કે ઘાટો બદામી થાય છે. આને પરિણામે ડૂંડું ત્યાંથી વળી જઈ લટકવા માંડે છે. કરમોડી રોગની માફક ડૂંડાની રોગિષ્ઠ આંગળીઓ લટકતી અને નીચે નમેલી જોવા મળે છે.

ફૂગના બીજાણુઓનો ફેલાવો થતાં ધરુમાં અને ધરુવાડિયામાં સુકારો-કોહવારો થાય છે. રોગનો ચેપ બીજી વાર પવન અને પાણી મારફતે ફેલાતાં તે કુદરતી છિદ્રો મારફતે વનસ્પતિમાં પ્રવેશી પાન, પાન-આવરણ, થડ અને ડૂંડાની દાંડી પર રોગની તીવ્રતામાં ખૂબ જ વધારો કરે છે.

આ રોગનાં નિયંત્રણ માટેનાં પગલાં તરીકે : ફૂગ જો બીજજન્ય હોય તો બીજને પારાયુક્ત ફૂગનાશકનો પટ આપીને વાવવાનું; ધરુવાડિયામાં કે પાકમાં રોગ જણાતાં હિનોસાન અથવા કીટાઝિન 10 લીટર પાણીમાં 10 મિમી. નાંખી, દ્રાવણ બનાવી, તેનો 15–20 દિવસને આંતરે બે વાર છંટકાવ કરવાનું તથા નાઇટ્રોજનયુક્ત ખાતરનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ કરવાનું સૂચવવામાં આવે છે.

3. સુકારો (wilt) : સ્ક્લેરોસિયમ રોલ્ફસી નામની ફૂગથી થતો સુકારો બાવટો ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે. તે ક્યારેક ચોમાસાના પાકમાં ખૂબ જ નુકસાન કરે છે. કર્ણાટક રાજ્યની જમીનમાં જ્યાં પરોપજીવી બાહ્ય કૃમિઓનો ઉપદ્રવ છે તે વિસ્તારમાં આ રોગની માત્રા વધારે જોવા મળે છે.

છોડ પર આ ફૂગનું આક્રમણ થતાં તે ફિક્કો અને પીળો થાય છે. જમીન પાસેનો થડનો ભાગ, પાંદડાં અને આવરણ પાણીપોચાં, ભૂખરાં કે ઘાટાં ભૂખરાં થતાં છોડ સુકાઈ જાય છે. આ ભાગમાં પીળી ભૂખરી કે સફેદ ફૂગનો ઉગાવો જોવા મળે છે. તેમાં પાછળથી અસંખ્ય રાઈના દાણા જેવા ફૂગના જલાશ્મો જોવા મળે છે. આ ફૂગ જમીનજન્ય છે, જે વરસાદ થતાં સક્રિય થાય છે. તે કૃમિ કે જીવાત અથવા અન્ય જખમો દ્વારા થડમાં પ્રવેશ કરી, પેશીઓમાં કૃમિ-વૃદ્ધિ કરી – છોડની પેશીઓને નબળી કરી રોગ પેદા કરે છે.

આ ફૂગ જમીનજન્ય હોવાથી ફૂગનાશક દવાની માવજત તેમાં ફાયદાકારક થતી નથી. તેથી જમીનમાં નિતાર વધારવો અને સેન્દ્રિય ખાતરનો વધુ ઉપયોગ કરવો પડે છે. જમીન તંદુરસ્ત રાખવાથી આ રોગની માત્રા ઘટાડી શકાય છે.

4. દાણાનો અંગારિયો : દાણાનો ફૂગથી થતો આ રોગ છે તે જવલ્લે જ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં નુકસાન કરે છે. આ રોગની અસર દાણા બેસવાના સમયે જોવા મળે છે. આ રોગ ડૂંડાના દાણા પર ફેલાય છે. પરિણામે કાળી ભૂકી સ્વરૂપના અંગારિયાના બીજાણુઓ જોવા મળે છે. આ રોગિષ્ઠ દાણા લીલા કે ઝાંખા કાળા રંગના ગોળાકાર ફૂગના બીજાણુની થેલી સ્વરૂપે ડૂંડામાં જોવા મળે છે. શરૂઆતમાં તેઓ ચળકતા આવરણથી ઢંકાયેલાં હોય છે; જે સુકાતાં, તૂટી જતાં તેમાંથી બીજાણુઓ પવન મારફતે બહાર ફેલાય છે અને તે દ્વિતીય ચેપ લગાડે છે. સામાન્યપણે જમીનમાં પડેલ બીજાણુઓ ચોમાસામાં સક્રિય થઈ પ્રાથમિક ચેપ લગાડે છે.

આ રોગને કાબૂમાં રાખવા : બીજ સાથેના બીજાણુનો નાશ કરવો જરૂરી છે. પારાયુક્ત ફૂગનાશકનો બીજને પટ આપવો જોઈએ. આ રોગ પવન મારફતે ફેલાતો હોવાથી ફૂગનાશકનો છંટકાવ આર્થિક રીતે ફાયદાકારક થતો નથી.

5. બાવટાનો મિશ્ર પંચરંગિયો રોગ : આ રોગ હલ્મિન્થોસ્પોરિયામ તેમજ સ્ક્લેરોસિયમ પ્રજાતિની ફૂગ ઉપરાંત વિષાણુ વડે પણ થતો હોય છે. તે બાવટાના મિશ્ર પંચરંગિયા રોગ તરીકે ઓળખાય છે. આ રોગ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પાકને નુકસાન કરતો જોવા મળે છે. ગુજરાતમાં તે ભાગ્યે જ જોવા મળે છે.

આ રોગનું આક્રમણ પાકની કોઈ પણ અવસ્થાએ થાય છે; પરંતુ આ રોગનું આક્રમણ થતાં તેનાં લક્ષણો 4 થી 6 અઠવાડિયાં બાદ સ્પષ્ટ  જોવા મળે છે. રોગની શરૂઆતમાં પાન ઉપર પીળાં અને ઘાટાં લીલાં-પીળાં ધાબાં થાય છે. ત્યારબાદ આવાં પાન ચીમળાઈને ધારેથી વળી જાય છે. આવો છોડ ઝાંખો ફિક્કો નબળો થઈ બટકો રહે છે અને એને ડૂંડું આવતું નથી, એટલે કે છોડ વંધ્ય થઈ જાય છે. ક્યારેક રોગિષ્ઠ છોડ ઉપર ડૂંડું ઊગે તો પણ તેના રેસા છૂટા પડે છે અને થડનો ભાગ ઘાટો જાંબુડી બને છે અને તેના પર કાળા ભૂખરા રંગના ડાઘા જોવા મળે છે. આવા છોડની ઉપરની ગાંઠમાંથી અસંખ્ય મૂળ નીકળે છે. રોગિષ્ઠ છોડ ખેતરમાં દૂરથી જ ઓળખી શકાય છે. પાકમાં રોગ કઈ અવસ્થાએ આવે છે તેના ઉપર દાણાના નુકસાનનો આધાર રહે છે. કેટલીક વાર 100% જેટલું નુકસાન પણ આ રોગની અસર હેઠળ થતું જોવા મળે છે.

પાકને વધારે પ્રમાણમાં ફૉસ્ફરસ ખાતર આપવાથી આ રોગની તીવ્રતા ઘટાડી શકાય છે. વળી ફૂગનાશક અને જંતુનાશક દવાના છંટકાવથી પણ એને કાબૂમાં રાખી શકાય છે.

આ ઉપરાંત બાવટામાં પીંછછારાનો રોગ સ્ક્લેરોપથોરા મેકિસ્પોરા નામની ફૂગથી; જ્યારે ટપકાંનો રોગ કરવુલેરા લુનાટા, સરકોસ્પોરા પ્રજાતિ અને કૉલેટોટ્રાયકમ ગ્રામિનિકોલા પ્રજાતિની ફૂગોથી થાય છે. ઝેન્થોમૉનાસ નામના જીવાણુઓ પણ ટપકાંનો રોગ કરે છે. આવા રોગથી વધારે નુકસાન થતું નથી.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ