બાયઝૅન્ટાઇન સામ્રાજ્ય (ઈ. સ. 330–1453) : પ્રાચીન પૂર્વીય રોમન સામ્રાજ્ય. તેનો પ્રદેશ વખતોવખત બદલાતો હતો. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં તેનો વિસ્તાર સૌથી મોટો હતો ત્યારે, તેમાં દક્ષિણ અને પૂર્વ યુરોપ, ઉત્તર આફ્રિકા તથા મધ્યપૂર્વનો સમાવેશ થતો હતો. બાયઝૅન્ટાઇન સામ્રાજ્યના લોકો પોતાને રોમન કહેતા હતા. બાયઝૅન્ટિયમ શહેરના નામ પરથી ‘બાયઝૅન્ટાઇન’ શબ્દ બન્યો છે. ઈ. સ. 330માં રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને  રોમન સામ્રાજ્યનું પાટનગર રોમથી બદલીને બાયઝૅન્ટિયમ (હાલનું ઇસ્તાંબૂલ, તુર્કી) લઈ ગયો, પોતાના નામ ઉપરથી તેને ‘કૉન્સ્ટન્ટિનોપલ’ નામ આપવામાં આવ્યું. કેટલાક ઇતિહાસકારો બાયઝૅન્ટાઇન સામ્રાજ્યની શરૂઆત તે વર્ષથી ગણે છે. બીજા ઇતિહાસકારોના મતાનુસાર ઈ. સ. 395માં થિયોદોસિયસના મૃત્યુ બાદ રોમન સામ્રાજ્યનું પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય રોમન સામ્રાજ્યમાં વિભાજન થયું ત્યારથી બાયઝૅન્ટાઇન સામ્રાજ્યની શરૂઆત થઈ. ઈ. સ. 1453માં ઑટોમન તુર્કોએ કૉન્સ્ટન્ટાઇન અગિયારમાને હરાવીને કૉન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ત્યારે તેનો અંત આવ્યો. સમ્રાટ જસ્ટિનિયને ઈ. સ. 527થી 565 સુધી રાજ્ય કર્યું. તેના સમયમાં સામ્રાજ્ય સૌથી મોટું હતું. પશ્ચિમના પ્રદેશો પુન: પ્રાપ્ત કરીને રોમન સામ્રાજ્યની ભવ્યતા પાછી લાવવાનો જસ્ટિનિયને નિર્ણય કર્યો હતો. તેના સમર્થ સેનાપતિ બેલિસેરિયસના નેતૃત્વ હેઠળ રોમ સહિત ઇટાલી જીતી લેવામાં આવ્યું. તેના સમયમાં એશિયા માઇનર (હાલનું તુર્કી), બાલ્કન દ્વીપકલ્પ, ઇજિપ્ત, ઉત્તર આફ્રિકા, પૅલેસ્ટાઇન, સ્પેનનો દક્ષિણ કિનારો અને સિરિયા સામ્રાજ્યમાં ઉમેરવામાં આવ્યાં. સમ્રાટ જસ્ટિનિયન પોતાના સેનાપતિ બેલિસેરિયસને સત્તા માટે પોતાનો પ્રતિસ્પર્ધી માનતો હતો. યુદ્ધના મેદાનમાં બેલિસેરિયસનાં પરાક્રમોને કારણે જસ્ટિનિયનની કીર્તિમાં વધારો થયો હતો. તેના અમલ દરમિયાન પ્રાચીન રોમના અનેક કાયદાને વ્યવસ્થિત સ્વરૂપ આપી ‘જસ્ટિનિયન કોડ’ ઘડવામાં આવ્યો. અનેક દેશોના ન્યાયતંત્રના પાયામાં તેના કાયદા રહેલા છે. જસ્ટિનિયને પાટનગરમાં સામ્રાજ્યનું સૌથી મોટું અને ભવ્ય ચર્ચ બંધાવ્યું. ઘણી મોટી સંખ્યામાં લોકો તે ચર્ચની મુલાકાત લે છે. તેના સમયમાં વેપારનો તથા કલા અને સ્થાપત્યનો નોંધપાત્ર વિકાસ થયો. ઈ. સ. 565માં તેનું અવસાન થયું, ત્યારે યુદ્ધો અને વિકાસનાં કાર્યોને લીધે સામ્રાજ્ય દેવાદાર બની ગયું હતું. જસ્ટિનિયનના સમય દરમિયાન અને ત્યારબાદ જંગલી આક્રમકો ચારેય દિશાએથી હુમલા કરતા હતા. જર્મનીના લૉમ્બાર્ડો તથા સ્લાવ, પર્શિયન વગેરેનાં આક્રમણોથી સામ્રાજ્ય નબળું પડ્યું. સાતમી સદીમાં મુસ્લિમ અરબોએ સિરિયા, પૅલેસ્ટાઇન અને ઇજિપ્ત જીતી લીધાં. આઠમી સદીના પ્રથમાર્ધમાં આ સામ્રાજ્યમાં એશિયા માઇનર, બાલ્કન-કિનારો, ક્રીટ અને ગ્રીસના ટાપુઓ તથા દક્ષિણ ઇટાલી અને સિસિલીનો સમાવેશ થતો હતો. નવમી સદી દરમિયાન બાયઝૅન્ટાઇન સેનાએ અરબોને પાછા હઠાવ્યા. ઈ. સ. 867થી 1025 દરમિયાન સમ્રાટ બેસિલ પહેલો અને તેના અનુગામીઓ હેઠળ સામ્રાજ્યે કેટલીક સિદ્ધિઓ મેળવી. બેસિલે નવો કાયદાસંગ્રહ ઘડવાની શરૂઆત કરી અને સમ્રાટ લિયો છઠ્ઠાના સમયમાં તે કાર્ય પૂર્ણ થયું. તેણે વિદ્વાનો અને કલાકારોને રાજ્યાશ્રય આપ્યો. કૉન્સ્ટન્ટાઇન સાતમા(ઈ. 913–959)એ કલાને ઉત્તેજન આપ્યું. ઈ. સ. 976માં બેસિલ બીજો ગાદીએ બેઠો. તેણે સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો, સામ્રાજ્યનાં વેપાર અને સમૃદ્ધિમાં વધારો થયો. અગિયારમી સદીથી સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ. નૉર્મનોએ ઈ. સ. 1071માં દક્ષિણ ઇટાલી જીતી લીધું અને સેલ્જુક તુર્કોએ એશિયા માઇનર પર આક્રમણ કર્યું. ઑટોમન તુર્કોએ 1453માં કૉન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને બાયઝૅન્ટાઇન સામ્રાજ્યનો અંત આવ્યો.

જયકુમાર ર. શુક્લ