બલાઝુરી (જ. ?, બગદાદ; અ. આશરે 892) : અરબ ઇતિહાસકાર. મૂળ નામ અબુલ હસન એહમદ બિન યહ્યા બિન જાબિર બિન દાઊદ. તેમનાં બે પુસ્તકો : (1) ‘ફતવહલ બુલ્દાન’ અને (2) ‘અન્સાબુલ અશરાફ’ ભૂગોળ તથા ઇતિહાસના સંદર્ભમાં આધારભૂત ગ્રંથો ગણાય છે. મોટાભાગનું જીવન તેમણે બગદાદમાં વિતાવ્યું હતું. તેમના દાદા મિસરમાં અલ-ખસીબની સેવામાં રહી ચૂક્યા હતા.

જ્ઞાનપ્રાપ્તિના શોખને લીધે તેઓ દમિશ્ક, હિમ્સ તથા અન્તાકિયા જેવાં વિદ્યાનાં પ્રાચીન કેન્દ્રોમાં જવા પ્રેરાયા. તેમણે અલ-મદાઈની ઈબ્ન સઅદ તથા મુસ્અબ અલ-ઝુબેરી જેવા ખ્યાતનામ ઇતિહાસકારો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. તેમને યુવાનીમાં બગદાદના અબ્બાસી વંશના ખલીફાઓ અલ-મુતવક્કિલ, અલ-મુ તઇન અને અલ-મુસ્તમિદના દરબારો સાથે સંબંધ હતો.

બલાઝુરીનું પુસ્તક ‘ફતવહલ બુલ્દાન’ મૂળ તો મુસલમાનોના વિજયોનો ઇતિહાસ છે. તેમાં પયગંબર મુહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.)થી લઈને સિરિયા, ઇરાક, મિસર, મગરિબ અર્થાત્ ઉત્તર આફ્રિકા અને ઈરાન ઉપરના ઇસ્લામના વર્ચસ્ની વિસ્તૃત માહિતી જોવા મળે છે. આ પુસ્તકમાં ઇતિહાસની વિગતોની સાથે જે તે સમયની સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ વિશેની મૂલ્યવાન માહિતી મળે છે, જેનો પાછળના ભૂગોળશાસ્ત્રીઓએ મહત્ત્વની સામગ્રી તરીકે ઉપયોગ કર્યો છે. તેમાં આવા કેટલાક મહત્ત્વના વિષયો છે : (1) સરકારી દફતરોમાં ફારસી અને રોમન ભાષાઓના સ્થાને અરબી ભાષાના ઉપયોગનું મહત્ત્વ; (2) મિસરનાં સરકારી ફરમાનોના મથાળે બાઇઝેન્ટાઇન રાજ્યને બદલે ઇસ્લામી રાજ્યની મુદ્રાઓનો ઉપયોગ; (3) મહેસૂલના પ્રશ્નો, મહોર(seal)નો ઉપયોગ; (4) સિક્કાઓ અને ચલણ તથા (5) અરબી લિપિનો ઇતિહાસ.

આ પુસ્તક મૂળ અરબીમાં લાઇડનથી 1863થી 1866 દરમિયાન છાપવામાં આવ્યું હતું. તેનો અંગ્રેજી અનુવાદ ‘પી. કે. હિટી અને એફ. સી. મર્ગોટને ન્યૂયૉર્કથી ‘ધી ઑરિજિન્સ ઑવ્ ધી ઇસ્લામિક સ્ટેટ’ના નામે 1916થી 1924 દરમ્યાન પ્રગટ કર્યો હતો.

બલાઝુરીના બીજા પુસ્તક ‘કિતાબુલ અન્સાબ વલ અશરાફ’માં ઇસ્લામી દુનિયાના ખ્યાતનામ લોકોની વંશાવળીઓ બહુ પદ્ધતિસર આપવામાં આવી છે. લેખકે પયગંબરસાહેબ(સ.અ.વ.)નું જીવનચરિત્ર, તેમના કુટુંબ-કબીલાવાળાઓનાં જીવનચરિત્રો; અને તે પછી હ. અલી (રદિ.) તથા તેમના વંશજો, અબ્બાસી તથા ઉમય્યા ખાનદાન ઉપરાંત અરબોના પ્રખ્યાત કબીલાઓની વંશાવળીઓ એમાં આપી છે.

બાહ્ય સ્વરૂપ અને ખુદ પુસ્તકનું શીર્ષક જોતાં આ પુસ્તક વંશાવળીઓનો સંગ્રહ દેખાય છે; પરંતુ વાસ્તવમાં લેખકે આમાં જુદા જુદા વંશોની ઐતિહાસિક માહિતી પણ પૂરી પાડી છે.

ઇતિહાસના મહત્વના સ્રોત તરીકે બલાઝુરીનાં પુસ્તકો આધારભૂત ગણાય છે, આમ છતાં તેઓ પોતાની પહેલાંનાં મૂળ સાધનોને હંમેશાં વફાદાર રહેતા નથી એવું જોવા મળ્યું છે. બીજી મહત્વની વાત એ છે કે બલાઝુરીએ અગાઉનાં સાધનોને સંક્ષિપ્ત સ્વરૂપ આપીને પોતાની કૃતિઓમાં સ્થાન આપ્યું છે. આમ છતાં બલાઝુરીની ભાષા તથા તેમની શૈલી સાહિત્યિક છે. તેઓ પ્રસંગોને તર્કસંગત રીતે ટૂંકમાં રજૂ કરવા ટેવાયેલા છે. જોકે કોઈક વાર તે લાંબી દાસ્તાનોનો આશરો લેતા માલૂમ પડે છે.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી