ફુતૂહુસ-સલાતીન

February, 1999

ફુતૂહુસ-સલાતીન : ઈ. સ. 1350–51માં ઈસામીએ મહાકાવ્ય રૂપમાં લખેલ ઐતિહાસિક ગ્રંથ. તેમાં તેણે ગઝનીના યમિનીઓના ઉદયથી શરૂ કરીને દિલ્હીના તુગલુક વંશના સુલતાન મુહમ્મદ-બિન-તુગલુકના રાજ્યકાળ સુધીનો ઇતિહાસ લખ્યો છે. લેખક દિલ્હીમાં રહેતો હતો ત્યારે સુલતાન તેનું પાટનગર દિલ્હીથી દોલતાબાદ લઈ ગયો. ઈસામી સુલતાનના જુલમનો ભોગ બન્યો હતો. તેને તેના 90 વર્ષના દાદા સાથે દિલ્હી છોડીને દોલતાબાદ જવાની ફરજ પાડવામાં આવી હતી. તેના દાદા પ્રવાસ દરમિયાન રસ્તામાં મરણ પામ્યા. ઈસામીએ દોલતાબાદમાં સ્થાયી વસવાટ કર્યો અને બહમની વંશના સ્થાપક સુલતાન અલાઉદ્દીન હસન બહમનશાહના આશ્રય હેઠળ રહીને પોતાનો ગ્રંથ લખ્યો. તેથી તુગલુક સમયનો તે એકમાત્ર ઇતિહાસકાર એવો હતો, જેને તે વંશના સુલતાનોનો ડર નહોતો કે તેમની પાસેથી લાભ લેવાનો નહોતો. ફિરિશ્તા તથા બીજા ઇતિહાસકારોએ ઈસામીના ગ્રંથનો પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઉપયોગ કર્યો છે. લેખકે આ ગ્રંથ બહમની વંશના સ્થાપક અલાઉદ્દીન હસન બહમનશાહ (ઈ. સ. 1347–58)ને અર્પણ કર્યો છે.

જયકુમાર ર. શુક્લ