પિરાતપ મુદલિયારચરિતમ્ (1879)

January, 1999

પિરાતપ મુદલિયારચરિતમ્ (1879) : પ્રથમ તમિળ નવલકથા. તેના લેખક એસ. વેદનાયકમ્ પિલ્લાઈ (1826-1889) નામાંકિત ગદ્યલેખક ઉપરાંત નવલકથાકાર, કવિ તથા સક્રિય સમાજસુધારક હતા. આ કૃતિમાં કથાનાયક પિરાતપ મુદલિયારનાં પરાક્રમોનું આલેખન થયેલું છે. તેમની આ કૃતિ તમિળ સાહિત્યમાં એક સીમાચિહન લેખાય છે.

વેદનાયકમ્ પિલ્લાઈએ પહેલી વાર નવલકથા જેવા પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપને તમિળમાં ઉતાર્યું. તેમાં તેમણે તમિળ સંસ્કૃતિ તથા સંસ્કારપરંપરાને રજૂ કરતું તમિળ કુટુંબજીવનનું કથાનક આપ્યું છે. ખેડૂત કુટુંબોની મહત્ત્વાકાંક્ષાઓ, તેમનાં રસરુચિ, તેમના સંઘર્ષો તથા તેમનાં જીવનમૂલ્યોનું આમાં વિશદ દર્શન છે. કથાનાયક કુટુંબક્લેશના કારણે ગૃહત્યાગ કરી જે રીતે જીવનસંઘર્ષોમાંથી પાર ઊતરે છે તેની અહીં વાત છે. કથાનાયકની માતા સુંદરી ચન્ની અને તેની પત્ની ઘનાબલ બંને ઊંચા કુળની સંપન્ન સ્ત્રીઓ છે. બંનેનું વ્યક્તિત્વ ઘણું જાજરમાન અને તેથી આકર્ષક છે. નાયકના પિતા તથા સસરા બંને અભણ કહી શકાય તેવા સીધાસાદા ગ્રામજનો છે. તે ઊંચું નીતિમય જીવન જીવે છે. આ નવલકથામાં ગૌણ પાત્રોના પરસ્પરના સંબંધોમાં સ્નેહતત્વનો જે સંચાર છે તે નોંધપાત્ર છે. પવિત્રતા, પરોપકારીપણું, નિષ્ઠા, કૃતજ્ઞતા જેવા સદ્ગુણો ઉપરાંત રાષ્ટ્રીય ચારિત્ર્યનાં ઉમદા લક્ષણો પણ અહીં નિરૂપાયાં છે. દક્ષિણ ભારતના ગ્રામજીવન સાથે ગૃહજીવનની રહેણીકરણી તથા રીતભાતનું અહીં વાસ્તવિક જીવનદર્શન થાય છે. આ સમગ્ર કૃતિમાં જીવન પ્રત્યેની કર્તવ્યપરાયણતાનો અને ઈશ્વર પ્રત્યેની આસ્તિકતાનો મહિમા થયો છે. આ નવલકથામાં નાયક પિરાતપ મુદલિયારનાં પરાક્રમો તથા સાહસોનું વર્ણન પ્રથમ પુરુષમાં રજૂ થયું છે એ એની વિશિષ્ટતા છે.

આ કૃતિનો રચનાબંધ શિથિલ છે. તેમાં પાત્રોનાં દીર્ઘસૂત્રી સંભાષણો છે. આ નવલકથામાં કેટલાકને પંચતંત્ર-રચનારીતિ સાથેનું સામ્ય દેખાય છે તો કેટલાકને સૅમ્યુઅલ જૉન્સન અને ઑલિવર ગોલ્ડસ્મિથની રચનારીતિનો પડઘો સંભળાય છે. આ નવલકથાની સફળતા વેદનાયકમ્ પિલ્લાઈને એમની બીજી નવલકથા ‘સુગુણસુંદરી’ના સર્જન માટે પ્રેરક બની હતી.

કાન્તિલાલ રામજીભાઈ નાવડિયા