પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ (. 1 જાન્યુઆરી 1937, રાજપીપળા, જિ. નર્મદા; . 2 ઑક્ટોબર 2011, વડોદરા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર.

પ્રિયકાન્ત કાન્તિલાલ પરીખ

માતાનું નામ ગજરાબા. 1957માં બી.એ., 1960માં એમ.એ. તથા 1980માં એમ.ફિલ.. મુંબઈની જી. ટી. હાઈસ્કૂલથી શરૂ કરી, હાલોલ, ડભોઈ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે સેવા બજાવી. 1961થી 1969 દરમિયાન સંખેડા, ગોધરા, રાજપીપળા, સાબરમતી અને ભાદરણની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યા બાદ નવગુજરાત કૉલેજ, અમદાવાદમાં જોડાયા અને ત્યાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. 1980થી 1983 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. 1988–92 સુધી ‘ઇન્ડો-સોવિયેટ કલ્ચરલ સોસાયટી’ના ઉપપ્રમુખ.

તેમના લેખનકાર્યની ફળશ્રુતિ રૂપે તેમણે આપેલાં 100 જેટલાં પુસ્તકોમાં વૈવિધ્ય છે. તેમની નવલકથાઓ અને વાર્તાઓ લોકરુચિને લક્ષમાં રાખીને લખાયેલી છે. તેમની પાસેથી ‘નવી ધરતી’, ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’, ‘કોશા’, ‘કર્મ’, ‘અર્થ’, ‘પ્રવાહ’, ‘ખોજ’, ‘પ્રેમચક્ર’, ‘આંધી’, ‘નવો વળાંક’ (2006), ‘હસ્તક્ષેપ’ (2011) વગેરે નવલકથાઓ મળી છે. તેમની પાસેથી ‘અગનપિછોડી’, ‘હિમશિલા’, ‘તૂટતી ક્ષિતિજો’, ‘બારમાસી’, ‘નવો ક્રમ’, ‘બોગનવેલ’ વગેરે વાર્તાસંગ્રહો મળ્યા છે. તેમણે બાળસાહિત્યમાં પણ થોડું પ્રદાન કર્યું છે. તેમણે ‘ગુજરાત સમાચાર’માં ‘રજનીગંધા’ નામે કટાર ઘણાં વર્ષો સુધી ચલાવી હતી. ‘ઓગણીસમી સદીનું સંપાદિત ગ્રંથસ્થ ગુજરાતી લોકકથાસાહિત્ય’ (1981) એમનું સંશોધન છે. તેમના 100મા પુસ્તક ‘હસ્તક્ષેપ’નું લોકાર્પણ કરવા તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમને ઘેર ગયેલા  એ રીતે નાદુરસ્ત તબિયત ધરાવતા પ્રિયકાન્તભાઈની ઇચ્છા નરેન્દ્રભાઈએ પૂરી કરેલી.

તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના કેટલાક પુરસ્કારો મળેલા. ઉપરાંત ‘પ્રેમાનંદ સુવર્ણચંદ્રક’ (1996), ચુનિલાલ મડિયા ઍવૉર્ડ તથા ધનજી કાનજી ગાંધી ચંદ્રક પણ મળેલા.

જયકુમાર ર. શુક્લ

શ્રદ્ધા ત્રિવેદી