પરિપાડલ (. . પૂ. ત્રીજી સદીથી બીજી સદી) : સમૂહગત રીતે રચાયેલી 8 પૈકીની એક તમિળ કૃતિ. જુદા જુદા કવિઓએ રચેલાં 70 પરિપાડલ પદોના સંકલનમાંથી ફક્ત 24 પદો અત્યારે ઉપલબ્ધ છે. એ પદો 25થી માંડીને 400  પંક્તિઓ સુધીનાં છે. આ પદોમાં વિષ્ણુ અને કાર્તિકેયની સ્તુતિ છે. કેટલાંક પદોમાં દેનૈ નદીનું વર્ણન છે. વિષ્ણુસ્તુતિનાં પદોમાં કૃષ્ણ અને બલરામનાં મંદિરોનો પણ ઉલ્લેખ છે. દેનૈ નદીવિષયક પદો પરથી એમ લાગે છે કે એ સમયમાં એ નદી અતિપવિત્ર મનાતી હતી અને એ નદીને કિનારે લોકો ગીત અને નૃત્યનું શિક્ષણ લેતા હતા.  કેટલાંક પદોમાં તિરૂપ્પારન કુંદરમમાં આવેલા મુરગનના મંદિરની ભીંતો પરનાં ચિત્રોનો પણ ઉલ્લેખ છે. એ ચિત્રોમાં ગ્રહો, નક્ષત્રો, રતિ-કામદેવ, ગૈાતમ, અહલ્યા, ઇન્દ્ર અને પ્રહ્લાદ ઉપરાંત સમુદ્રમંથન, કાર્તિકેયનો જન્મ જેવી પૌરાણિક ઘટનાઓ આલેખાઈ છે.  પરિપાડલનાં પદોમાં સંગીતમયતા છે. એ સમગ્ર કૃતિ પરિપાડલ છંદમાં રચાયેલી હોવાથી એનું નામ પરિપાડલ રાખવામાં આવ્યું છે. એ કૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે ઈ. સ. પૂર્વે તમિળનાડુમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો.

ચન્દ્રકાન્ત મહેતા