નિકાસપત્ર (shipping bill)

January, 1998

નિકાસપત્ર (shipping bill) : જહાજ દ્વારા મોકલવા માટે જહાજમાલિકને હવાલે કરેલા માલ અંગે જહાજમાલિકે નિકાસકારને આપેલી પાકી પહોંચ. નિકાસપત્ર એ તેમાં દર્શાવેલા માલનો માલિકીહક દર્શાવતો દસ્તાવેજ છે. નિકાસકાર પોતાનો માલ વહાણ ઉપર ચઢાવે ત્યારપછી તે વહાણવટા કંપની પાસે જઈને વહાણ પર માલ ચઢાવ્યાની કાચી રસીદ રજૂ કરવાથી કંપની દ્વારા તેને પાકી રસીદ રૂપે નિકાસપત્ર આપવામાં આવે છે.

આ નિકાસપત્રમાં માલવહનની શરતો, માલની વિગત, માલ મોકલનારનું નામ, માલ લેનારનું નામ, માલનો પ્રકાર, કિંમત, વજન, નૂર અંગેની વિગત વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. નિકાસકાર આ નિકાસપત્ર આયાતકારને મોકલી આપે છે, જે રજૂ કરવાથી જ આયાતકાર તેના દેશના બંદરેથી માલ છોડાવી શકે છે. નિકાસ-વેપારમાં આ એક મહત્વનો દસ્તાવેજ ગણાય છે.

જશવંત મથુરદાસ શાહ