નાદારી : દેવાદાર તેનું દેવું ચૂકવવા માટે અસમર્થ છે તેવી અદાલત દ્વારા વિધિપૂર્વકની જાહેરાત. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં તેની મિલકતો લેણદારોમાં કરકસરપૂર્વક અને ન્યાયોચિત ધોરણે વહેંચી શકાય તથા તે પોતાની બધી મિલકતો સોંપી દે તો અદાલત તેને દેવામાંથી મુક્ત કરે ત્યાર પછી તરત જ તે પોતાના આર્થિક વ્યવહારોની નવેસરથી શરૂઆત કરી શકે તે હેતુથી દરેક સભ્ય સમાજમાં નાદારીના કાયદા ઘડવામાં આવ્યા છે. ભારતમાં મુખ્ય શહેરો – કૉલકાતા, મુંબઈ અને ચેન્નાઈ માટે પ્રેસિડન્સી ટાઉન્સ ઇન્સૉલ્વન્સી ઍક્ટ, 1909 અને તે સિવાયનાં બાકીનાં બધાં સ્થળો માટે પ્રોવિન્શિયલ ઇન્સૉલ્વન્સી ઍક્ટ, 1920 ઘડવામાં આવ્યા છે. આ બંને કાયદાઓ લગભગ સરખા છે, પરંતુ અદાલતની કાર્યવહી કરવા અંગેની વિધિની બાબતમાં તેમનામાં થોડો તફાવત છે. આ કાયદાઓ બ્રિટનના ‘બૅન્કરપ્સી લૉ’ ઉપર આધારિત છે. બ્રિટિશ કાયદામાં વાપરેલા ‘બૅન્કરપ્સી’ અને ‘બૅન્કરપ્ટ’ શબ્દોના બદલે ભારતીય કાયદામાં ‘ઇન્સૉલ્વન્સી’ અને ‘ઇન્સૉલ્વન્ટ’ શબ્દોનો ઉપયોગ કર્યો છે.

સામાન્ય પરિસ્થિતિમાં ‘નાદાર’નો અર્થ ‘દેવું ચૂકવવા માટે અસમર્થ વ્યક્તિ’ તેવો થાય છે, પરંતુ કાયદાકીય પરિભાષામાં અદાલત તેને 1909 અથવા 1920 ના કાયદા હેઠળ નાદાર જાહેર કરે નહિ ત્યાં સુધી તેને નાદાર કહી શકાય નહિ. અદાલત પણ દેવાદારે નાદારીનું કૃત્ય કર્યું હોય નહિ ત્યાં સુધી તેને નાદાર જાહેર કરી શકતી નથી. જો વ્યક્તિ અહીં દર્શાવેલાં કૃત્યો પૈકી કોઈ પણ કૃત્ય કરે તો તેણે નાદારીનું કૃત્ય કર્યું છે તેમ કહેવાય છે : (1) ભારતમાં કે ભારત બહાર પોતાની મિલકત પૂરેપૂરી કે તેનો મોટો ભાગ પોતાના બધા જ લેણદારોના લાભાર્થે ત્રાહિત વ્યક્તિના નામે ફેરબદલ કરે. (2) આવી ફેરબદલ લેણદારોના લાભાર્થે નહિ; પરંતુ પોતાનું દેવું ચૂકવવામાંથી છટકી જવા માટે અથવા દેવું ચૂકવવામાં ઢીલ કરવા માટે કરે. (3) નાદાર જાહેર થાય તે પહેલાંના 21 દિવસની અંદર પોતાની મિલકત છળકપટથી વેચી હોય. (4) તે પોતાના નિવાસેથી અથવા ધંધાના સ્થળેથી અથવા ભારત બહાર નાસી જાય અથવા લેણદારોથી સંતાતો ફરે. અને (5) અદાલતના હુકમનામા મુજબની રકમ ચૂકવવામાં નિષ્ફળ જવાથી તેને અગાઉ દીવાની કેદ થઈ હોય.

સામાન્ય રીતે અહીં નિર્દિષ્ટ વ્યક્તિને નાદાર જાહેર કરી શકાય નહિ : (1) સગીર, કાયદાની દૃષ્ટિએ, કરાર કરવા માટે અસમર્થ હોય છે, તેથી તેને નાદાર જાહેર કરી શકાય નહિ. (2) ગાંડો માણસ ઉપરાંત, દારૂ પીધેલી હાલતમાં કોઈ વ્યક્તિ દેવું કરે તો તેને તે દેવા માટે નાદાર જાહેર કરી શકાય નહિ. (3) કંપનીને નાદાર જાહેર કરી શકાય નહિ, પરંતુ કંપની ધારા 1956 પ્રમાણે વિસર્જન (liquidation) માટે અરજી કરીને કંપનીનું વિસર્જન કરી શકાય. (4) મૃત્યુ પામેલ વ્યક્તિને નાદાર જાહેર કરી શકાય નહિ. પરંતુ જો મૃત્યુ વખતે નાદારી અંગેની કોઈ કાર્યવહી બાકી હોય તો તેનો વારસદાર અથવા અદાલતે નીમેલો અધિકારી તેની મિલકતોનો વહીવટ કરી શકે. (5) ભાગીદારી પેઢીને નાદાર જાહેર કરી શકાય કે કેમ તે અંગે અદાલતી ચુકાદાઓમાં મતભેદ છે, પરંતુ ભાગીદારી પેઢીના બધા ભાગીદારોની જવાબદારી સંયુક્ત હોય છે, તેથી તેના જે જે ભાગીદારને નાદાર જાહેર કરાવવા હોય તે દરેક ભાગીદારે નાદારીનું કૃત્ય કરેલું હોવું જરૂરી છે. (6) સંયુક્ત હિંદુ અવિભક્ત કુટુંબના બધા જ સભ્યોએ સાથે મળીને નાદારી અંગેનું કૃત્ય કરેલ હોય અને તેઓ બધા જ વ્યક્તિગત રીતે દેવા માટે જવાબદાર હોય તો સંયુક્ત કુટુંબના સભ્યોને નાદાર જાહેર કરી શકાય.

નાદારી જાહેર કરવા માટે નાદાર વ્યક્તિએ અરજી કરવી પડે છે. આવી અરજી વ્યક્તિ પોતે અથવા રૂ. 500 થી વધુ દેવા માટેનો લેણદાર કરે તો જ કૉર્ટ વ્યક્તિને નાદાર જાહેર કરી શકે છે.

જશવંત મથુરદાસ શાહ