નાગૌર : રાજસ્થાનની મધ્યમાં આવેલો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને જિલ્લાનું મહત્ત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 27° 12´ ઉ.અ. અને 73° 49´ પૂ.રે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,718 ચોકિમી. તથા વસ્તી 33,09,234 (2011) છે. આ જિલ્લાની ઉત્તરમાં બિકાનેર અને ચુરુ જિલ્લાઓ, ઈશાનમાં સીકર જિલ્લો, પૂર્વમાં જયપુર જિલ્લો, અગ્નિમાં અજમેર જિલ્લો, દક્ષિણમાં પાલી જિલ્લો અને પશ્ચિમમાં જોધપુર જિલ્લો આવેલા છે. નાગૌર ઉપરાંત મેડતા, દેગાના, ડીડવાણા અને મકરાના અન્ય નગરો છે. રાજપૂતાનાના નાગ રાજપૂત યોદ્ધાઓ પરથી તેનું નામ નાગૌર (નાગોર) પડેલું હોવાનું જણાય છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાની પૂર્વ સરહદ તરફ અરવલ્લીની ટેકરીઓનો પહાડી વિભાગ છે. મકરાના ક્ષેત્ર આ ભાગમાં આવેલું છે. બાકીનો પશ્ચિમતરફી વિભાગ રાજસ્થાન(થર)ના રણનો સીમાવર્તી પ્રદેશ છે, જે સમતળ છે. વાયવ્ય ભાગ પણ મરુસ્થલીય છે, જેને અહીંની સ્થાનિક ભાષા મુજબ ટીંબા કે ધોરા કહે છે.  અહીંના ભૂપૃષ્ઠની સામાન્ય ઊંચાઈ સમુદ્રસપાટીથી 300થી 600 મીટર વચ્ચેની છે. જયપુર જિલ્લા સાથેની સરહદ પર સાંભર સરોવર આવેલું છે, તે ઉપરાંત પીરજી કાનાકા, હરસોર, ભેરુન્ડા, મંગલાના, પીપળા, દોદિયાના, ભાગીતોલ જેવાં તળાવો પણ છે. દક્ષિણ તરફ લૂણીની શાખાનદીનું વહેણ છે, તે સિવાય કોઈ મોટી નદી નથી. જે વરસાદી વહેણો છે તે બધાં અંત:સ્રાવી હોઈ રેતીમાં સમાઈ જાય છે. ભૂગર્ભજળસ્રોત 30થી 45 મીટર ઊંડાઈએ રહેલો છે, એટલે જરૂરી જળસંગ્રહ માટે અહીં કુંડ બનાવવાની પ્રથા છે.

આબોહવા : નજીકમાં આવેલા રણની અસરને કારણે અહીં આબોહવા મરુસ્થલીય રહે છે. ઉનાળા અને શિયાળા વિષમ રહે છે. ઉનાળાનું તાપમાન 50° સે. સુધી અને શિયાળાનું તાપમાન 15° સે.થી નીચે સુધી પહોંચી જાય છે. વરસાદની સરેરાશ 100 મિમી.ની આસપાસ રહે છે.

વનસ્પતિજીવન : રણભાગ રેતાળ હોવાથી વનસ્પતિનું પ્રમાણ મર્યાદિત છે. બાવળ અને કાંટાળાં ઝાંખરાં જોવા મળે છે. કુલ વનભૂમિ 15,265 હેક્ટર જેટલી છે, જેને અર્ધમરુસ્થલીય સ્ટેપપ્રદેશ અથવા સ્થાનિક ભાષામાં બાંગડપ્રદેશ કહે છે.

ખેતી : જ્યાં તળાવો છે ત્યાં સિંચાઈ થાય છે. કૃષિયોગ્ય ભૂમિમાં મુખ્યત્વે બાજરો, કઠોળ અને સરસવના પાક લેવાય છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં ઘઉં, જવ, મકાઈ અને જુવાર પણ થાય છે. કેટલીક જમીનો કૃષિયોગ્ય હોવા છતાં પાણીને અભાવે પડતર રહે છે. બાકીની જમીન બંજર છે.

ખનિજપેદાશો : ચિરોડી, આરસપહાણ, ચૂનાખડકો મુખ્ય ખનિજપેદાશો છે, જ્યારે અમુક પ્રમાણમાં મીઠું, સોડિયમ સલ્ફેટ, વુલ્ફ્રેમાઇટ પણ અહીંથી મળે છે.

ઉદ્યોગો : અહીં મધ્યમ કક્ષાના તેમજ લઘુઉદ્યોગોનો વિકાસ થયો છે. સોડિયમ સલ્ફેટ, ઊની કપડું, ચૂનો, સિમેન્ટ અને ઇજનેરી કામકાજના એકમો આવેલા છે. આરસને કાપીને પૉલિશ કરવામાં આવે છે. હાથકારીગરીનું  હાથીદાંત પરનું કામ, ધાતુનાં વાસણો, ઊંટ સજાવટનો સામાન, રંગાઈ-છપાઈ જેવા ગૃહઉદ્યોગો ચાલે છે. નાગૌર શહેર રેલમાર્ગે તેમજ રસ્તાઓ (રાજ્યમાર્ગો) દ્વારા પડોશી જિલ્લામથકો સાથે જોડાયેલું હોવાથી તે વેપારી મથક તરીકે વિકસ્યું છે. અહીં સારી ઓલાદના બળદ, ઊન, ચામડાં અને કપાસનો વેપાર થાય છે. આ નગરમાં હૉસ્પિટલ અને રાજસ્થાન યુનિવર્સિટી સાથે સંલગ્ન સરકારી કૉલેજ છે. આ નગર જૂના વખતની કિલ્લેબંધી ધરાવે છે. કિલ્લામાં મહેલો આવેલા છે. મુઘલ શહેનશાહ શાહજહાં(1628–58)એ બંધાવેલી સત્તરમી સદીની મસ્જિદ પણ છે.

ઇતિહાસ : બારમી સદીમાં આ જિલ્લાનો વિસ્તાર પૃથ્વીરાજના સામ્રાજ્યનો એક ભાગ હતો. મુહમ્મદ ઘોરીએ તેને હરાવ્યા પછી તે મુસ્લિમ શાસન હેઠળ રહેલો. લાંબા વખત સુધી નાગૌરનો પ્રદેશ અજમેર સૂબાનો ભાગ બની રહ્યો. 1406માં રાવ ચુંડાએ તેના પર અધિકાર જમાવેલો. એના મૃત્યુ પછી ફરીથી તે મુસ્લિમ કબજામાં આવ્યો. 1532માં રાવ માલદેવે નાગૌર પર અધિકાર કરી લીધો, જેથી તે પ્રદેશ ગુજરાત હેઠળ આવેલો. 1542માં શેરશાહે નાગૌરનો કબજો મેળવ્યો. અકબરના શાસનકાળમાં તે અજમેર સૂબા હેઠળ રહેલો. મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યા પછી તે દેશી રાજ્ય તરીકે બ્રિટિશ હકૂમત હેઠળ રહેલું.

શંકરલાલ ત્રિવેદી