ધાવડી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગની લિથ્રેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Woodfordia fruiticosa Kurz syn. W. floribunda salib (સં. ધાતકી, અગ્નિજ્વાલા; હિં ધવાઈ, ધાય, મ ધાયરી; ગુ. ધાવડી; તે ધાતુકી; બં. ધાઈ; અં. ફાયર-ફ્લેમ બુશ) છે.

તે બહુશાખિત (1.5-3.6 મી. ઊંચો, ભાગ્યે જ 7 મી. ની ઊંચાઈ સુધી પહોંચતો) સુંદર ક્ષુપ છે. તેનું પ્રકાંડ ખાંચોવાળું અને શાખાઓ લાંબી અને ફેલાતી હોય છે. તે સમગ્ર ઉત્તર ભારતમાં અને હિમાલયમાં આશરે 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે દક્ષિણ ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાતના પહાડી પ્રદેશોમાં તથા નદીઓના કિનારાની ઊંચી ધારો પર તે થાય છે. કેટલીક વાર તે ઉદ્યાનોમાં તેનાં સુંદર પુષ્પો માટે ઉગાડવામાં આવે છે. તેની છાલ રતાશ પડતી બદામી રંગની હોય છે અને પાતળી રેસામય પટ્ટીઓ સ્વરૂપે ઊખડે છે. પર્ણો સાદાં, સંમુખ, 5-10 સેમી. લાંબાં અને 1.3-2.5 સેમી. પહોળાં. ભાલાકાર કે અંડભાલાકાર (ovate-lanceolate), ઉપરની સપાટીનો રંગ આછો લીલો અને નીચેનો સફેદ, બંને સપાટીએ ભૂરા રંગના રોમ વડે આવરિત, પર્ણાગ્ર અણીદાર અને સ્વાદ સહેજ ખાટો તથા તૂરો હોય છે. પુષ્પો અસંખ્ય, ચળકતાં લાલ અને કક્ષીય, ઘટ્ટ, લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં થાય છે. વનસ્પતિ ચળકતા લાલ રંગનાં પુષ્પોથી લચી પડે છે અને સુંદર લાગે છે. તેથી સંસ્કૃતમાં તેનું ‘અગ્નિજ્વાલા’ નામ છે. ફળ પ્રાવર પ્રકારનાં અને ઉપવલયી (ellipsoid) હોય છે. બીજ  બદામી રંગનાં અત્યંત નાનાં, લીસાં અને પ્રતિ-અંડાકાર (obovate) હોય છે.

ભૂસ્ખલન (landslip) થયું હોય ત્યાં વનસ્પતિ-આવરણ રચવા ધાવડીને ઉછેરવામાં આવે છે. તે જમીનની સુધારણામાં ઉપયોગી છે. તેને ઢોર ખાતાં નથી. તેનું ઝાડીઓનું વન સારી રીતે બને છે. તે હિમ-સહિષ્ણુ વનસ્પતિ છે.

પુષ્પો દ્વારા લાલ રંગ ઉત્પન્ન થાય છે અને સમગ્ર ભારતમાં વસ્ત્રતંતુઓ રંગવા માટે તથા ચર્મશોધન માટે તેનો ઉપયોગ કરી શકાય છે, કેમ કે તેમાં લગભગ 24 % જેટલું પાયરોગેલોલ પ્રકારનું ટૅનિન હોય છે.

ધાવડી – પર્ણ, પુષ્પ અને બીજ

પર્ણોમાં લગભગ 12–20 % જેટલું ટૅનિન હોય છે તેઓ લોસોન (2-હાઇડ્રૉક્સિ – 1:4 નેપ્થોક્વિનોન) નામનું મેંદીમાં મળી આવતું રંગ-ઘટક ધરાવે છે.

છાલમાં 20-27 % ટૅનિન હોય છે અને તેનો ચર્મશોધનમાં વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેનો ચર્મશોધનનો ગુણધર્મ આવળ (Cassia auriculate) જેવો હોય છે. તેનો સીધેસીધો કે નિષ્કર્ષ સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે.

સૂકાં પુષ્પો ઉત્તેજક અને સ્તંભક (astringent) ગુણધર્મો ધરાવે છે. વ્યાપારિક ઔષધ સૂકાં ફળો, પુષ્પો, કલિકાઓ અને પુષ્પવિન્યાસના ટુકડાઓનું બનેલું હોય છે. તે આંતરડાની તકલીફો, રક્તસ્રાવ, અત્યાર્તવ (menorrhagia) અને શુક્ર સંબંધી નબળાઈમાં ઉપયોગી છે. ધાવડીનો નિષ્કર્ષ આંતરડાના પાશના સંકોચનને ઉત્તેજે છે. આ ઔષધ જ્વરરોધી સક્રિયતા દર્શાવે છે. સૂકાં પુષ્પોનું ચૂર્ણ બનાવી ચાંદાં અને ઘા ઉપર છાંટવામાં આવે છે.

પર્ણો Micrococcus pygogenes ver. aureas સામે પ્રતિજૈવિક પ્રક્રિયા દર્શાવે છે. પુષ્પોનો નિષ્કર્ષ Helminthosporium sativum નામની ફૂગ સામે પ્રક્રિયા દાખવે છે. ધાવડીનો નિષ્કર્ષ ‘રાનીખેત’ રોગ સામે અસરકારક હોય છે.

આયુર્વેદની ર્દષ્ટિએ ધાવડી તીખી, કડવી, તૂરી, શીતળ, પચવામાં હલકી, શીતવીર્ય, આથો લાવનાર, લઘુ, ગર્ભસ્થાપક, મળને બાંધનાર અને મૂત્રલ હોય છે. તે મરડો, અતિસાર, રક્તપ્રવાહિકા, પિત્ત, તૃષા, વિસર્પ, કૃમિ અને વ્રણનો નાશ કરનાર છે.

ચિકિત્સાપ્રયોગ : લોધર અને ધાવડીની છાલનું ચૂર્ણ કોઢના રોગોમાં લેપ કરવામાં વપરાય છે. તેનાં પર્ણોનું ચૂર્ણ મરડામાં દહીં સાથે અપાય છે. તેનાં પુષ્પ, સૂંઠ અને દાડમનાં બીજની રાબ બનાવીને જ્વરાતિસાર અને શૂળમાં આપવામાં આવે છે. તેનાં પુષ્પ ચોખાના ધોવણ સાથે પીવાથી શ્વેતપ્રદર અને લોહીવા મટે છે.

કાષ્ઠ રતાશ પડતું સફેદ, સંકુલિત કણયુક્ત (close-grained) સખત અને તેનું વજન 736 કિગ્રા./ઘનમી. હોય છે. તેનો ઉપયોગ બળતણ તરીકે અને કોદાળીના હાથા બનાવવામાં થાય છે.

તેના પ્રકાંડનો ગુંદર ટ્રેગકૅન્થ ગુંદર સાથે સામ્ય ધરાવે છે. તે પાણીમાં ફૂલે છે. રંગવાનું ન હોય તેવા કાપડની ઉપર તેનું પડ ચઢાવાય છે. પ્રકાંડમાં β – સિટોસ્ટેરૉલ હોય છે. પુષ્પો એકત્રિત કરી બાળકો તેનું મીઠું મધ ચૂસે છે. પુષ્પો ખાઈ શકાય છે. તેમનો ઉપયોગ ઠંડું પીણું બનાવવામાં થાય છે.

આદિત્યભાઈ છ. પટેલ

બળદેવભાઈ પટેલ