ધક્કાઓ (docks) : વહાણો, જહાજો કે બાર્જિસ જેવાં જલયાનોને લાંગરવા માટેનું આશ્રયસ્થાન. તેને ગોદી પણ કહે છે. એ બંદરનો એક ભાગ છે. બંદર એ જલયાન માટે માલસામાનની હેરાફેરીનું (જલ)ક્ષેત્ર છે. વિશાળ ર્દષ્ટિએ બંદરોને ત્રણ વર્ગમાં વહેંચી શકાય તેમ છે : (1) કુદરતી રીતે સુરક્ષિત, (2) તરંગો(waves)થી કૃત્રિમ રીતે રક્ષિત, (3) એસ્યુરિયન (esturian) અથવા આંતરસ્થલીય (inland). મુંબઈનું બંદર પ્રથમ શ્રેણીમાં આવે છે, મદ્રાસ (ચેન્નાઈ)નું બંદર દ્વિતીય શ્રેણીમાં અને હુગલી નદી પર આવેલું જૂનું કૉલકાતા એ ત્રીજા પ્રકારના બંદરનું ઉદાહરણ છે. બંદરના અભિન્યાસ(design)માં બે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે : (1) તીરસ્થ વહેણ (litoral drift), (2) તોફાની તરંગોથી રક્ષણ. આ ઉપરાંત ચોપાટી(jetty)ની રચનામાં બંદરનો વિસ્તાર, આકાર, ધક્કા અને જેટીનો સમાવેશ થાય છે.

આકૃતિ 1 : B B પર આડછેદ
(1) ઉચ્ચ ક્ષમતા બોલાર્ડ, (2) ઑફસેટ, (3) પ્લાન, (4) સ્લોપ, (5) ભૂ-તલ, (6) રોડા, (7) ચિકલ, (8) મોરમ, (9) કૉન્ગ્લોમરેટ, (10) કઠણ મોરમ, (11) કૉન્ગ્લોમરેટ, (12) પાકી દીવાલ, (13) કીલ બ્લૉક, (14) બાહ્ય આવરણ, (15) ઉપરનું પડ, (16) રોડાનું ભરણ, (17) પાકી દીવાલ, (18) B B પર આડછેદ

(1) ગોદીના પ્રકાર : ગોદી વહાણોને લાંગરવા માટેનું આશ્રયસ્થાન છે. માલસામાન ચઢાવવા અને ઉતારવાની સુવિધાને ધ્યાનમાં રાખી વહાણોને એવી રીતે લાંગરવામાં આવે છે કે જેથી ગોદીમાં પાણીની સપાટી લગભગ સ્થિર રહે. ગોદીને ચાર પ્રકારમાં વહેંચી શકાય : (અ) બંદર ગોદી, (આ) મરામત ગોદી, (ઇ) તરતી ગોદી અને (ઈ) સૂકી ગોદી.

(અ) બંદર ગોદી (wet dock) : આ ગોદીને ભીની ગોદી પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં પાણી ભરેલું રહે છે. આ ગોદીમાં દાખલ થવાના સ્થળે દરવાજા રાખવામાં આવે છે. તેનો આકાર ખીણ જેવો બે બાજુએ દીવાલવાળો હોય છે. દરવાજા પછીના અંદરના ભાગે પાણીની સપાટી સ્થિર રહે છે. ખીણ આકારની ભીની ગોદી પાણીથી ભરેલી હોય છે. દરવાજાની મદદથી પાણીની સપાટી વત્તીઓછી કરી શકાય છે. આ ખીણ વહાણોને અંદર લાવવા અથવા બહાર લઈ જવાનો માર્ગ મોકળો કરે છે. વધારે ઊંડાઈવાળાં વહાણોને લાંગરવા માટે આ પ્રકારની ગોદીનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે. જ્યાં કાંપ જમા થવાની શક્યતાઓ હોય ત્યાં પણ આ ભીની ગોદીનો ઉપયોગ થાય છે. બહારથી પાણીની વ્યવસ્થા કરી ગોદીનું ક્ષેત્ર કાંપમુક્ત રાખી શકાય છે. સામાન્ય રીતે ભીની ગોદીનો આકાર લંબચોરસ અથવા પતંગાકાર અને ઢોળાવવાળો હોય છે. ગોદીની દીવાલો પથ્થર કે ઈંટના ચણતરવાળી અથવા તો કૉંક્રીટની બનાવેલી હોય છે. નદીના અંદરના બંદર પાસે અથવા સમુદ્રના ભરતીમુખ પાસે આ ગોદી સ્થાપિત થયેલી જોવા મળે છે. જુદા જુદા માલસામાનની હેરાફેરીના આધારે ભીની ગોદીને જુદી જુદી શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે.

આકૃતિ 2 : સ્લાઇડિંગ કેસન ગેટ

ગોદીની દીવાલોની રચના મહત્તમ અનુરક્ષણને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. આ દીવાલો નીચે જણાવેલ જરૂરિયાતો સંતોષતી હોવી જોઈએ : (i) ગોદીમાં પાણી ન હોય તો આ દીવાલો તેની પાછળ રહેલ પચ્છભરાવ(back filling)નું દબાણ સહન કરવાની શક્તિ ધરાવતી હોવી જોઈએ. (ii) પચ્છભરાવના દબાણની ગેરહાજરીમાં ગોદીમાં રહેલ પાણીથી ઉદભવતા દબાણને સહન કરવાની શક્તિ ધરાવતી હોવી જોઈએ. (iii) વહાણ લાંગરવાથી ઉદભવતા ધક્કાને લીધે થતી ધ્રુજારીને સહન કરવાની શક્તિ ધરાવતી હોવી જોઈએ. (iv) જલયાનમાં જડિત વસ્તુઓ અને ક્રેઇનનો ભાર સહન કરવાની શક્તિ આ દીવાલોમાં હોવી જોઈએ. (v) દીવાલોની બાજુઓ અને તળિયું ગળે નહીં તેવાં હોવાં જોઈએ.

(આ) મરામતગોદી (repair dock) : દરેક બંદરમાં વહાણોની મરામત કરવા જુદી ગોદી રાખવામાં આવે છે. ભરતી વખતે વહાણોને  ગોદીમાં લઈ જવામાં આવે છે અને ભરતી ઓસરતાં વહાણો ગોદીના તળિયા પર ગોઠવાઈ જાય છે. વહાણોનું મરામતકાર્ય પૂરું થતાં બીજી ભરતી આવતાં વહાણોને પાછાં દરિયામાં લઈ જવામાં આવે છે.

(ઇ) તરતી ગોદી (floating dock) : તરતી ગોદી એ લોખંડની અથવા પ્રબલિત સિમેન્ટ કૉંક્રીટની પોલી રચના છે. જલયાનને સમારકામ માટે અંદર લેવા માટે તેના ઉત્પ્લાવક (buoyant) કોષોને પાણીથી ભરીને ઊંડાણ સુધી જલયાનને ડુબાડવામાં આવે છે. જ્યારે જલયાન બરાબર તળિયે બેસી જાય ત્યારે ઉત્પ્લાવક કોષોમાંથી પાણીને પંપ વડે બહાર કાઢવામાં આવે છે. આથી જલયાન જળરેખાની ઉપર ઊંચકાઈ આવે છે. ગતિશીલતા એ તેનો મોટો ફાયદો છે. તેનું માવજતખર્ચ સૂકી ગોદીની સરખામણીમાં વધારે આવે છે.

(ઈ) સૂકી ગોદી (dry dock) : સૂકી ગોદીની રચનામાં વહાણને અંદર લઈ દરવાજા બંધ કરી પાણીને પંપ વડે ગોદીમાંથી બહાર કાઢવામાં આવે છે. ભરતીના ફેરફારોનો લાભ ઉઠાવી પમ્પિંગની જરૂરિયાત ઓછી કરી શકાય છે. ગુજરાતના પોરબંદરની સૂકી ગોદી આકૃતિ 1માં દર્શાવી છે.

આકૃતિ 3 : લંબચોરસ પેટી પ્રકારનો કેસન

સૂકી ગોદીની રચના કરતાં પહેલાં નક્કી કરેલા સ્થળમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે છે. લાકડાની સૂકી ગોદી બનાવતાં પહેલાં આખા સ્થળની બહારની હદમાં લાકડાનાં જાડાં પાટિયાં (piles) ઉતારવામાં આવે છે. લેજ પથ્થર અને કાળી માટીના બ્લેકેટમાં સૂકી ગોદીની રચના કરતી વખતે ખાસ ધ્યાન આપવામાં આવે છે.

સૂકી ગોદીને બંધ કરવા કેસોન વપરાય છે. સામાન્ય રીતે સ્લાઇંડિંગ કેસોન (આકૃતિ 2) અથવા બૉક્સ કેસોન (આકૃતિ 3) વપરાય છે. નૌતલની જગ્યાએ કેસોનને રોલર અથવા પાટા દ્વારા ખસેડી શકાય છે. ગોદીમાંથી પાણી ઉલેચવા માટે ઇલેક્ટ્રિક મોટર અથવા ડીઝલ-એન્જિનથી ચાલતા પમ્પસેટ વપરાય છે. સાધારણ રીતે ઊભા અથવા આડા સેન્ટ્રિફ્યુગલ પમ્પ વપરાય છે.

સમારકામની સુવિધા તરીકે સંસર્પિકા (slipway) વપરાય છે. આ જૂની પદ્ધતિ છે. એકથી વધુ જલયાનોને તળિયે બેસાડવાં હોય ત્યારે સંસર્પિકામાર્ગ પર એક વહાણને ચઢાવવામાં આવે છે. જ્યારે બીજા વહાણને ઉપર લેવા માટે સંસર્પિકામાર્ગ ખુલ્લો રાખવામાં આવે છે. જલયાનોને સૂકી ગોદીમાં લાવવા માટેની નવી પદ્ધતિમાં સિન્ક્રોલિફ્ટનો ઉપયોગ થાય છે. આ રીત ઉદગ્ર સમુદ્રીય ઉચ્ચાલક(syncrolift marine elevator)ના નામે ઓળખાય છે.

નગીન મોદી