દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ

March, 2016

દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ (જ. 26 જાન્યુઆરી 19૦1, મહેમદાવાદ; અ. 12 એપ્રિલ 1992, અમદાવાદ) : ગુજરાતના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ અને વિખ્યાત ધારાશાસ્ત્રી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન સ્કૂલ અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં શિક્ષણ લીધું. તેમના દાદા રાવબહાદુર રણછોડલાલ દેસાઈ અને પિતા ત્રિકમલાલ દેસાઈ વિખ્યાત ધારાશાસ્ત્રીઓ હતા. સુંદરલાલ પણ એલએલ.બી.નાં બંને વર્ષોમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા અને ઍલેક્ઝાંડર કિન્લોક ફૉર્બ્સ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. લંડન જઈ લિન્કન્સ ઇનમાંથી 1927માં બૅરિસ્ટર થયા અને મુંબઈની વડી અદાલતમાં ભૂલાભાઈ દેસાઈ અને મહમદઅલી ઝીણા જેવા કાયદાના નિષ્ણાતોના કાર્યકાળ દરમિયાન વકીલાત કરી. 1952માં મુંબઈ વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની નિમણૂક થઈ. એક રેલવે અકસ્માતનાં કારણોની તપાસ અંગે એમણે કમિશનર તરીકે જે હેવાલ આપ્યો તેના પરિણામે તત્કાલીન રેલવે મંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપેલું.

196૦માં દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થતાં ગુજરાતની નવી વડી અદાલતના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તેઓ નિમાયા. 1961માં આ પદ પરથી નિવૃત્ત થયા. તે પછી સર્વોચ્ચ અદાલતમાં સિનિયર કાઉન્સેલ તરીકે વકીલાત શરૂ કરી અને સતત 27 વર્ષના દીર્ઘ કાલ સુધી સફળ પંકાયેલા વકીલ તરીકે ઝળકી રહ્યા. 87મા વર્ષે દિલ્હીથી અમદાવાદ પાછા ફર્યા.

સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ

તેમણે કાયદાનાં અનેક પુસ્તકો લખ્યાં. ખાસ કરીને ભાગીદારીના કાયદા પરનું તેમનું પુસ્તક અને ન્યાયવિદ મુલ્લાના વિખ્યાત પુસ્તક ‘હિંદુ લૉ’નું સંપાદન ખૂબ જાણીતું છે.

તે ગૉલ્ફ અને ક્રિકેટની રમતોના સફળ ખેલાડી હતા અને ધાર્મિક ગ્રંથોના વાચનમાં ઊંડો રસ લેતા.

ચિનુપ્રસાદ વૈ. જાની