દાહરોગ : બળતરાનો અનુભવ કરાવતો શરીરનો રોગ. શરીરના અંદરના અવયવોમાં તેમજ બહાર ત્વચા ઉપર તે થઈ શકે છે. તે વ્યાધિ પિત્તપ્રકોપથી ઉત્પન્ન થાય છે અને ઉષ્ણતા તેનું મુખ્ય લક્ષણ છે.

દેશી વૈદ્યકમાં દાહના સાત પ્રકારો વર્ણવ્યા છે : (1) પિત્તજ એટલે કે પિત્તવિકારથી થતો, (2) રક્તજ એટલે રક્તવિકારથી થતો, (3) રક્તપૂર્ણકોષ્ઠજન્ય એટલે કોથળી જેવા અંગમાં લોહીના ભરાવાથી થતો, (4) મદ્યજ એટલે મદિરાપાનથી થતો, (5) તૃષ્ણાનિરોધજન્ય એટલે તરસ લાગવા છતાં પાણી પીવા ન મળે તેથી થતો, (6) મર્માભિઘાતજ એટલે શરીરના તીવ્ર સંવેદના ધરાવતા ભાગમાં ઈજા થવાથી થતો, તથા (7) ધાતુક્ષયજન્ય એટલે શરીરની ઘટક ધાતુઓમાંની કોઈની ઊણપ ઊભી થવાથી થતો.

પિત્તજદાહનાં લક્ષણો પિત્તજ્વરને મળતાં છે. તાવ હોય કે ના હોય, રક્તજ દાહમાં તાપણા પાસે બેસવાથી તાપનો થાય તે પ્રકારનો બળતરાનો અનુભવ થાય છે. શરીરમાં શુષ્કતા લાગે છે. આંખો સહિત શરીરનો વાન તામ્રવર્ણો કે રાતો થાય છે. તરસ વારંવાર લાગે છે. શરીરમાંથી લોહીની દુર્ગન્ધ આવે છે. રક્તપિત્તને મળતા આ રોગમાં શરીર શેકાતું હોય તેવી પીડા થાય છે.

અવયવોમાં કોષ્ઠ અથવા કોથળી જેવા ભાગોમાં રક્તનું અભિસરણ યોગ્ય રીતે ન થાય અને તેનો સ્રાવ થઈ ભરાવો થાય ત્યારે તીવ્ર પીડાવાળો દાહ થાય છે. સુશ્રુતે વર્ણવેલા અન્તર્લોહિતને મળતો આ રોગ છે. પાંડુતા, ઠંડા હાથપગ, ઠંડો શ્વાસ તથા ભારે પેટ તેનાં બીજાં લક્ષણો છે. મદિરાપાનથી શરીરને તત્કાળ કામ આવે તેવું ઇંધન મળતાં શરીરમાં તરત ઉષ્મા ઉત્પન્ન થાય છે. મદિરાની માત્રા વધી જાય તેવા સંજોગોમાં રક્ત અને પિત્તનો પ્રકોપ થઈ સંમૂર્ચ્છના ઉત્પન્ન થાય છે અને દાહની પીડાનો અનુભવ થાય છે. મદ્ય તીક્ષ્ણ, ઉષ્ણ અને રુક્ષ ગુણો ધરાવે છે. આ પ્રકારના દાહમાં શામક ચિકિત્સા મુખ્ય છે. શરીરમાં દિવસભરમાં પાંચસાત પવાલાં પાણીની આવશ્યકતા રહે છે. તાપના દિવસોમાં તથા શ્રમ વધવાના પ્રસંગોમાં પાણી વધારે પીવું પડે છે. શરીરની આવશ્યકતા અનુસાર પાણી પીવામાં ના આવે એટલે કે તરસ લાગવા છતાં તેને રોકવી પડે તેવા સંજોગોમાં તૃષ્ણાનિરોધજ દાહ ઊભો થાય છે. તેમાં જલતત્ત્વનો ક્ષય  થઈ તાપ અને પિત્તની વૃદ્ધિ થાય છે. ગળાથી હોઠ સુધી બધે શોષ પડે છે. જીભ બહાર નીકળી પડે છે. કંપ થાય છે. મહર્ષિ ચરકે સમજાવ્યું છે કે વાયુ અપ્ ધાતુનું શોષણ કરે છે તથા અગ્નિ તૃષ્ણાની વૃદ્ધિ કરે છે. આમ, આ બે તત્ત્વોના પ્રકોપથી તીવ્ર તૃષ્ણા ઉત્પન્ન થાય છે. ધાતુઓના ક્ષયથી થતા દાહમાં તૃષ્ણા તથા મૂર્ચ્છા ભળે છે. સ્વર ક્ષીણ બને છે. રોગી નિશ્ચેતનામાં સરે છે. સમયસર ઉપચાર ના થાય તો મરણ પણ નીપજે છે. મર્માભિઘાતજ દાહને સુશ્રુતે ક્ષતજ દાહ કહ્યો છે. શરીરમાં આંતરિક કે બાહ્ય કારણોથી આઘાતની સ્થિતિમાં તથા માનસિક આઘાતની સ્થિતિમાં આ દાહ ઉત્પન્ન થાય છે. તૃષ્ણા, મૂર્ચ્છા અને પ્રલાપ તેનાં લક્ષણો છે. વિવિધ દાહરોગોમાં શરીરમાં દાહ હોય અને બહારથી તે ઠંડું પડવા લાગે તે સ્થિતિ ગંભીર છે. આ રોગ અસાધ્ય મનાયો છે.

ચિકિત્સા : સામાન્ય દાહમાં નીચે પ્રમાણે ચિકિત્સા કરવામાં આવે છે. સો વાર ધોયેલા ઘી, ચંદનનું તેલ અને ચંદનબલાલાક્ષાદિ તેલ જેવાં તેલોથી અભ્યંગ અથવા માલિશ કરવાથી શીતળતાનો અનુભવ થાય છે. કાંજીમાં પલાળેલું વસ્ત્ર લપેટવાથી શાંતિ થાય છે. કેટલાક વિશેષ લેપ પણ પીડાનું શમન કરે છે; જેમ કે, ચંદન, આમળાં, બોર, જવ, ધાન્યામ્લ આદિના લેપ. કમળ તથા કેળનાં પાંદડાની પથારી પર સૂવાથી દાહ મટે છે. આ પાંદડાં શરીર ઉપર લપેટવાથી પણ લાભ કરે છે. પાણીથી ભીંજવેલા પંખાથી પવન નાખવાથી પીડા નરમ પડે છે. જલવાયુ દ્વારા સ્થાનને શીતળ બનાવી તેમાં રહેવાનું પણ જણાવ્યું છે.

શીતળ જલનું વારંવાર પાન કરવું તે ઉત્તમ અને સરળ ઉપચાર ગણાયો છે. જળમાં વાળો, પદ્મક, ખસ, ચંદન અને કમળ જેવા પદાર્થો ઉમેરવાથી તે વધારે લાભ કરે છે. ઉપચારમાં કમળ, સાકરનું પાણી, દૂધ અને શેરડીના રસ જેવા પદાર્થો પથ્ય ગણાય છે; એટલું જ નહિ, તે ખાવાપીવામાં તથા સ્નાનમાં વાપરવાથી દાહનું શમન કરે છે.

ઔષધોપચાર : બે પ્રકારના છે. એક, પીવાના અને બે, લેપ અથવા માલિશ માટેના. ચંદન, પિત્તપાપડો, ઉશિર, સુગંધી વાળો, નાગરમોથ, કમળ, કમળનાલ, વરિયાળી, ધાણા, પદ્મક, આમળાં – આટલાં દ્રવ્યોને પાણીમાં ઉકાળી અડધા જેટલું પાણી રહે તેવો ક્વાથ ગાળીને, ઠંડો પાડીને મધ અને સાકર ભેળવીને પિવડાવવાથી શીતળતાનો અનુભવ થાય છે. કાંજીમાં તલનું તેલ સોળમા ભાગનું લઈ ઉકાળીને બનાવેલું કાંજીક તેલ પીવાથી તથા માલિશ કરવાથી શાતા આપે છે. ગળોસત્ત્વ, રાજાવર્તભસ્મ, ચંદનાદિ તેલ, સૂતશેખરરસ, ચંદ્રકલારસ, શતાવરી, જેઠીમધ, ગંધક રસાયણ આદિ ઔષધો પણ ઉપયોગી છે.

વિશેષ ચિકિત્સા : ગંભીર સ્થિતિના રોગી માટે વિશેષ ચિકિત્સા જરૂરી છે. જેમ કે, મદ્યજ દાહમાં મદ્યનો અતિરેક દૂર કરવા જોઈતી ચિકિત્સા કરવામાં આવે છે. તેમાં સૂતશેખર રસ, રાજાવર્તપિષ્ટિ, મુક્તાપિષ્ટિ, દૂર્વાદિ ઘૃત આદિ લાભદાયી છે. રક્તજ દાહમાં લંઘન, તથા સંસર્જનક્રમ કરાય છે. શાંતિ ના થાય તો જાંગલમાં સરસથી તર્પણ કરાવવાનું કહ્યું છે. શલ્યચિકિત્સામાં રોહિણી શિરાના વેધની ભલામણ કરેલ છે. તૃષ્ણાનિરોધજ દાહમાં અપ્ ધાતુની વૃદ્ધિ થાય તે સારુ મધુર, સ્નિગ્ધ અને શીતચિકિત્સા કરવામાં આવે છે. સાકરનું પાણી, દૂધ તથા શેરડીનો રસ પુષ્કળ પ્રમાણમાં પિવડાવવામાં આવે છે. રક્તપૂર્ણકોષ્ઠજ દાહમાં ક્ષતિગ્રસ્ત ભાગમાં જરૂર જણાય તો શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. ધાતુક્ષયજન્ય દાહમાં રક્તપિત્તહર ઉપચાર, વાતહર ઉપચાર તથા સ્નિગ્ધ શોષચિકિત્સાનું કહ્યું છે. મર્માભિઘાતજન્ય દાહમાં રક્તપૂર્ણકોષ્ઠજ દાહ માટે સૂચવ્યા પ્રમાણે ઉપચાર કરવામાં આવે છે. માનસિક આઘાતના પ્રસંગે કારણ જાણી તેના નિવારણ માટે મનને સામાન્ય પ્રવૃત્તિમાં વાળે તે પ્રકારે ચિકિત્સા સૂચવી છે; જેમ કે, ઇષ્ટવસ્તુની પ્રાપ્તિ, સન્મિત્રોનો સંગ, ધ્યાન આદિ. સાથે ક્ષીર, માંસરસ આદિ ભૌતિક ઉપચારો પણ લાભ આપે છે. અતિસંવેદી મર્મમાં ઘાતથી દાહ થાય તે અસાધ્ય કહ્યો છે. તે મોડોવહેલો પ્રાણઘાતક નીવડી શકે.

દાહ મટ્યા પછી શોધન (વિરેચન) ચિકિત્સાથી રોગનું નિવારણ પૂર્ણ થાય છે. કફપ્રકોપવાળા દાહમાં વમન કરાવવામાં આવે છે.

ચં. પ્ર. શુક્લ