દહિયો : કપાસને Ramularia arila નામની ફૂગથી થતો રોગ. તેને છારિયો પણ કહે છે. ભારતમાં તે દર વર્ષે દેશી જાતોમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંકર-4 અને જી.કોટ-10 જેવી અમેરિકન જાતોમાં પણ તે જોવા મળેલ છે. લાંબા ચોમાસાવાળાં ભેજવાળાં વર્ષોમાં તેમજ નીચાણવાળા પાણી ભરાઈ રહે તેવા વિસ્તારમાં આ રોગથી થતા નુકસાનની શક્યતા વધી જાય છે.

દહિયો સામાન્ય રીતે જૂના પાન ઉપર ટપકાં સ્વરૂપે શરૂ થાય છે. પાનની ઉપલી સપાટી ઉપર પ્રથમ પીળાશ પડતાં ધાબાં કરે છે. પાછળથી નીચેની સપાટી ઉપર પણ બદામી અથવા રાખોડી રંગનાં ખૂણિયા આકારનાં ટપકાં કરે છે. ક્યારેક આ ટપકાં ઉપરની સપાટી પર પણ જોવા મળે છે. વિશેષ આક્રમણ હોય ત્યારે રોગિષ્ઠ પાન પર અસંખ્ય સૂક્ષ્મ ટપકાં જોવા મળે છે. વિશેષ રોગિષ્ઠ પાન પીળાં-ભૂખરાં થઈને ખરી પડે છે.

નિયંત્રણ : રોગની શરૂઆત થતાં 300 મેશવાળી ગંધકની ભૂકીનો હેક્ટરે 15થી 20 કિલોગ્રામના દરે છંટકાવ કરવામાં આવે છે. અથવા 0.2 % કુમાન અથવા 0.2 %વાળી તાંબાયુક્ત દવાનો છંટકાવ 15–15 દિવસના આંતરે બે વાર કરાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ