તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ

January, 2014

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ : ગણિતશાસ્ત્ર, સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન અને અંતરિક્ષ-કિરણોના ક્ષેત્રે મૌલિક સંશોધન માટે 1945માં મુંબઈ ખાતે સ્થાપવામાં આવેલું રાષ્ટ્રીય સંશોધનકેન્દ્ર.

ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અદ્યતન સંશોધનની સુવિધાઓ સુલભ થાય તથા રાષ્ટ્રના યુવાન અને પ્રખર બૌદ્ધિકોને સંશોધનની તકો પૂરી પાડી શકાય એ હેતુથી આ સંસ્થા સ્થાપવામાં આવી છે. વિષયોનાં સંશોધનક્ષેત્રની વિગતો નીચે પ્રમાણે છે :

ગણિતશાસ્ત્ર : બીજગણિત, બીજગણિતીય ભૂમિતિ, બીજગણિતીય જૂથ (group), સ્વસમાકૃતિક વિધેય (automorphia function); વિકલન સમીકરણ (differential equations), વિકલન ભૂમિતિ, ભૂમંડળ વિશ્ર્લેષણ (global analysis), સિદ્ધાંત અને સંસ્થિતિવિજ્ઞાન (topology) જેવાં આધુનિક ક્ષેત્રે સંશોધનની સગવડો ઉપલબ્ધ છે.

ભૌતિકવિજ્ઞાન : રાસાયણિક પૃથક્કરણ, કમ્પ્યૂટર-વિજ્ઞાન, અંતરિક્ષ કિરણો (high energy), ઉચ્ચ ઊર્જા ભૌતિકવિજ્ઞાન, જળવિજ્ઞાન (hydrology),  અધોરક્ત ખગોળવિજ્ઞાન (infrared astronomy), સૂક્ષ્મ તરંગ (microwave) ઇજનેરી, આણ્વિક જીવવિજ્ઞાન (molecular biology), ન્યૂક્લિયર પ્રક્રિયા, ન્યૂક્લિયર વર્ણપટશાસ્ત્ર (nuclear spectroscopy), સૌર ભૌતિકવિજ્ઞાન, ઘન અવસ્થા (solid state) ઇલેક્ટ્રૉનિક્સ, ઘન અવસ્થા ભૌતિકવિજ્ઞાન, વાણી અને અંકિક પદ્ધતિ, સૈદ્ધાંતિક ખગોળભૌતિકવિજ્ઞાન (astrophysics), સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન, સંઘનિત દ્રવ્ય (condensed matter), સાંખ્યિકી ભૌતિકવિજ્ઞાન (statistical physics), સૌર ભૌતિકવિજ્ઞાન અને ક્ષકિરણ તથા ગૅમા-વિકિરણ ખગોળવિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન માટેની સવલતો સુલભ છે.

ટી.આઈ.એફ.આર.નું વડું મથક મુંબઈ છે, પણ સંશોધનને અનુરૂપ એવાં બીજાં કેન્દ્રો પણ સ્થાપવામાં આવેલાં છે; જેમનો વહીવટ વડા મથકેથી જ થાય છે.

 (1) બલૂન સુવિધા, હૈદરાબાદ (આંધ્રપ્રદેશ).

(2) અંતરિક્ષ-કિરણ પ્રયોગશાળા, ઉડાગમંડલ (તમિળનાડુ).

(3) ઉચ્ચ ઊર્જા અંતરિક્ષ-કિરણ પ્રયોગશાળા, કોલાર સુવર્ણક્ષેત્ર, કર્ણાટક.

(4) રેડિયો ખગોળવિજ્ઞાન, ઉડાગમંડલ, તમિળનાડુ.

(5) ટી.આઈ.એફ.આર. કેન્દ્ર, બૅંગાલુરુ, કર્ણાટક.

(6) રેડિયો ખગોળભૌતિકવિજ્ઞાન રાષ્ટ્રીય કેન્દ્ર, પુણે, મહારાષ્ટ્ર અને વિશ્વનો સૌથી મોટો જાયન્ટ મીટરવેવ રેડિયોટેલિસ્કોપ (GMRT), નારાયણગાંવ, મહારાષ્ટ્ર.

સંસ્થાની સ્થાપના સર દોરાબજી તાતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મુંબઈ સરકારના સહયોગથી જૂન, 1945માં કરી હતી. તે સમયે સંસ્થાની સમગ્ર કામગીરી ડૉ. હોમી ભાભાને સોંપવામાં આવી હતી અને તેનો પ્રારંભ 53, પેડર રોડ (કેનિલવર્થ) ઉપર, ભાડાના મકાનમાં કરવામાં આવ્યો હતો. અત્યારે તો આ સંસ્થાનો આર્થિક બોજો મહદંશે ભારત સરકાર ઉઠાવે છે. ભારત સરકારનો પરમાણુ-ઊર્જા વિભાગ જે સંસ્થાઓને આર્થિક મદદ કરે છે તેમાંથી ટી.આઈ.એફ.આર.ને સિંહફાળો મળે છે. ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને સર દોરાબજી તાતા ટ્રસ્ટ એમ ત્રણ વચ્ચે ત્રિપક્ષી કરારો થતાં, આ સંસ્થાને ઉચ્ચ અભ્યાસ અને ભૌતિકવિજ્ઞાન તથા ગણિતશાસ્ત્રના ક્ષેત્રે મૌલિક સંશોધનના રાષ્ટ્રીય કેન્દ્ર તરીકે માન્યતા મળી છે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આ સંસ્થાની સિદ્ધિઓ પણ અનુપમ છે. આ સંસ્થાએ ભારતમાં પરમાણુ-ઊર્જાના ઉત્પાદનના પ્રારંભિક તબક્કામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. વૈજ્ઞાનિક સંશોધનના વિશાળ વિસ્તાર ઉપર સ્વાવલંબી અને સ્વત:સર્જન કરી શકે, એકબીજાને મદદરૂપ થઈ શકે તથા આંતરવિદ્યાશાખાકીય (interdisciplinary) કાર્યોને પોષણ આપે તેવા જૂથ દ્વારા સંસ્થાએ તેનો વિકાસ સાધ્યો છે.

સંસ્થા તરફથી 4000 સંશોધનલેખો પ્રસિદ્ધ થયા છે. મૌલિક અને પ્રયોજિત (applied) સંશોધનના સતત પુનર્નિવેશ (feedback)ના પરિણામે ઉચ્ચ સ્તરીય પ્રૌદ્યોગિક તેમજ અવલંબિત ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા છે.

સંસ્થા 74,000થી વધુ પુસ્તકો ધરાવે છે. અને 650થી વધુ વર્તમાન સામયિકો મંગાવે છે. પુનરાલેખન (reprographic) સેવાઓ પણ તે આપે છે. આ સંસ્થા અધિવેશન (conference), સંગોષ્ઠિ (colloquia) અને વ્યાખ્યાનોનું આયોજન કરે છે અને પરિસંવાદો(symposia)માં પણ ભાગ લે છે. સંસ્થાએ ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે 16થી વધુ આંતરરાષ્ટ્રીય અધિવેશનો અને સંગોષ્ઠિનું આયોજન કરેલું છે. વળી તે વાર્ષિક અહેવાલ પણ પ્રસિદ્ધ કરે છે.

આ ઉપરાંત ટી.આઇ.એફ.આર. અન્ય પ્રવૃત્તિઓ પણ કરે છે; જેવી કે, ભારતીય અંતરિક્ષ-કિરણ પ્રયોગ ‘અનુરાધા’ના ઉપક્રમે નિમ્ન ઊર્જા અંતરિક્ષ-કિરણોની તીવ્રતા અને ઊર્જાના વર્ણપટનો અભ્યાસ; બે કિમી.ની ઊંડાઈએ પ્રોટૉનક્ષય(decay)નો અભ્યાસ, ઉચ્ચ ઊર્જા પ્રોટૉન કિરણાવલી વડે ક્વાર્ક[heavy flavour (charm)]ની ઉત્પત્તિને લગતો અભ્યાસ; ડી.એન.એ.ની સંરચના(structure)નો અભ્યાસ; ભારતીય હવાઈદળ માટે માહિતીનું સંચાલન કરવા સંપૂર્ણ રીતે સ્વયંસંચાલિત પ્રણાલીનું આયોજન; વિશ્વ આરોગ્ય સંસ્થા(World Health Organisaion)ના કેન્દ્ર તરીકે કાર્ય કરતા ટી.આઇ.એફ.આર.ના બેઝિક ડેન્ટલ રિસર્ચ યુનિટ દ્વારા મુખ-કૅન્સર- નિવારણ અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય ગ્રામીણ જનતામાં કૅન્સર થતા પૂર્વેના વિક્ષત(lesion)ને લગતો અભ્યાસ.

પ્રહલાદ છ. પટેલ