તંગતમ્મૈ

January, 2014

તંગતમ્મૈ : ભારતીદાસન નામના તમિળ કવિએ લખેલા દીર્ઘકાવ્ય ‘કુડુંબ વિળકઠુ’નું મુખ્ય પાત્ર. તંગતમ્મૈનું કવિએ આદર્શ ગૃહિણી તરીકે ચિત્ર રજૂ કર્યું છે. આદર્શ કુટુંબ કેવું હોય, એવા કુટુંબમાં તેના સભ્યોનો પરસ્પર વ્યવહાર કેવો હોય અને એ કુટુંબમાં ગૃહિણીનો કેવો મહત્વનો ફાળો હોય તે એ પાત્ર દ્વારા દર્શાવ્યું છે. કાવ્ય પાંચ ભાગમાં વિભક્ત છે. તેમાં ગૃહસ્થના ઘરમાં પ્રતિદિન ચાલતી ઘટનાઓ અતિથિસત્કાર, પ્રેમલગ્ન, બાળકોના અંદરઅંદરના ઝઘડા અને સમજુ ગૃહિણી કેવી ચતુરાઈથી એ ઝઘડા પતાવે છે તેનું નિરૂપણ, બાળકનો જન્મ, વૃદ્ધો તરફ યુવાનોનું વર્તન, સંયુક્ત કુટુંબમાં ઊભા થતા પ્રશ્નો અને દીર્ઘર્દષ્ટિવાળા વયસ્કો દ્વારા એમનો ઉકેલ – એ સર્વેનું નિરૂપણ છે. તંગતમ્મૈ બાલિકા પછી કિશોરી, યૌવના અને તે પછી સાસરામાં નવવધૂ, પછી પત્ની, માતા, સાસુ – એમ અનેક રૂપે કેવી ઝળકે છે તે આલેખ્યું છે. પુત્રવધૂ રૂપે એ સાસુ-સસરાની સેવા કરે છે, જેઠજેઠાણીનો આદર કરે છે, દિયર-દેરાણી તરફ પ્રેમથી વર્તે છે. બાળક જન્મતાં વહાલસોઈ માતા તરીકે ફરજ બજાવે છે. એ સુશિક્ષિત હોવાથી, માત્ર પોતાનાં જ સંતાનોને નહિ પણ દિયર તથા જેઠનાં સંતાનોને પણ ભણાવે છે. ઘરનું  બધું કામ સંભાળે છે; એટલું જ નહિ, પણ પતિના બહારના કાર્યમાં પણ એને મદદ કરે છે.  અતિથિસત્કારમાં તો એનો જોટો નથી. એનો પુત્ર મોટો થતાં પ્રેમલગ્ન કરવા ઇચ્છે છે તો ઉત્સાહથી એનાં લગ્ન કરાવી આપે છે. અંતમાં કવિએ એને વૃદ્ધા રૂપે ચીતરી છે, જે કોઈની પાસે કશી અપેક્ષા રાખતી નથી અને કુટુંબના પ્રત્યેકની સ્નેહભાજન બની રહે છે. એણે આપેલો પ્રેમ એને વ્યાજ સહિત પાછો મળે છે. અંતમાં કવિ કહે છે કે જો તંગતમ્મૈ જેવી સ્ત્રીઓ ભારતમાં હોય તો આપણો દેશ જગતભરમાં આદર્શ દેશ બની જાય. તંગતમ્મૈ ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’માંના ગુણસુંદરીના પાત્રનું સ્મરણ કરાવે તેમ છે.

ચન્દ્રકાન્ત મહેતા