ઠાકરશી, સર વિઠ્ઠલદાસ દામોદર

January, 2014

ઠાકરશી, સર વિઠ્ઠલદાસ દામોદર (જ. 30 નવેમ્બર 1873, મુંબઈ; અ. 1921) : મુંબઈના લબ્ધપ્રતિષ્ઠ ઉદ્યોગપતિ, જાહેર કાર્યકર્તા અને દાનવીર. (સર) વિઠ્ઠલદાસનો જન્મ ભાટિયા જ્ઞાતિના શ્રીમંત વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ નાથીબાઈ હતું.

વિઠ્ઠલદાસ દામોદર ઠાકરશી

1879થી 1891માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરીને ડિસેમ્બર, 1891માં તેમણે મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. થોડો સમય ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ પૈતૃક ધંધાઉદ્યોગમાં જોડાવા માટે અધૂરો મૂક્યો. તેમની જ્ઞાનપિપાસા તીવ્ર હતી; તેથી કૉલેજકાળ પછી પણ તેમણે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, શ્રમસમસ્યા, અંગ્રેજી, સંસ્કૃત  અને હિંદુ ધર્મનો ઘેર-બેઠાં ખંતપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમણે 1894માં મુંબઈના કાપડ-ઉદ્યોગની સુધારણાની જરૂરિયાતો વિશે ગુજરાતીમાં એક મૌલિક વ્યાપ્તિલેખ (monograph) લખેલો. ટૂંકા ગાળાના ધિરાણની મદદથી પ્રજાકલ્યાણનાં જાહેર બાંધકામ કરવાનો આગ્રહ કરતી એક નોંધ 1899માં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને સુપરત કરેલી. તેમના વિશાળ વાચનની મદદથી તેઓ કુશળ વેપારી અને સાહસિક ઉદ્યોગપતિ બન્યા તેમજ કાપડની આયાતનિકાસ તથા અન્ય ક્ષેત્રોમાંથી તેમણે વિપુલ ધન મેળવ્યું. 1900 સુધીમાં તો તેમની ગણના મુંબઈના આગેવાન શ્રીમંતોમાં થવા માંડી.

તેમનું ત્રીજું લગ્ન પ્રેમલીલાબાઈ સાથે રાજકોટ મુકામે ફેબ્રુઆરી, 1913માં થયું હતું.

1908થી 1919માં તેમણે ધંધાકીય હેતુથી આખા વિશ્વની મુસાફરી કરીને પોતાના ધંધાનો ખૂબ વિકાસ કર્યો હતો. ઉપરાંત દેશના ઔદ્યોગિક વિકાસ, ખાસ કરીને મુંબઈની અંદર અને બહારના  કાપડઉદ્યોગના વિકાસમાં બહુમૂલ્યફાળો આપ્યો હતો.

સર વિઠ્ઠલદાસ જાહેરજીવન અને રાજકારણમાં પણ પ્રવૃત્ત હતા. 1905થી 1918ના સમયગાળામાં તેઓ જુદા જુદા સમયે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, મુંબઈ ધારાસભા અને કેન્દ્રીય ધારાસભાના સભ્ય રહ્યા હતા. તે દરમિયાન તેમણે મુંબઈ શહેરના વિકાસની યોજનાઓ ઘડી હતી તથા લોકોન્નતિ માટે પ્રાંતીય અને કેન્દ્રસરકારને વિવિધ સૂચનો કર્યાં હતાં. તેમના પિતાની જેમ તેઓ પણ રાષ્ટ્રીય કૉંગ્રેસના સમર્થક હતા; પરંતુ બ્રિટિશ રાજકર્તાઓનો વિરોધ કરવામાં તેમણે મવાળ વલણ અપનાવ્યું હતું.

દાનક્ષેત્રે તેમનું સારું યોગદાન હતું. કાશી, દ્વારકા અને અન્ય પવિત્ર ધામોની પાઠશાળાઓને તેમણે બહુમૂલ્ય દાન કર્યાં હતાં. ધોંડો કેશવ કર્વેને મહિલા તાલીમશાળા, હિંગણે આશ્રમ (પુણે) તથા નાથીબાઈ ઠાકરશી મહિલા વિશ્વવિદ્યાલય માટે મોટી મદદ કરી હતી. વળી મુંબઈના કામદાર વિસ્તાર પરેલમાં પોતાના પિતાની યાદગીરીમાં 1919માં દામોદર ઠાકરશી હૉલ બંધાવ્યો હતો.

જયન્તિલાલ પો. જાની