ઝિનોવ્યેફ, ગ્રિગોરી વેવ્સેયેવિચ

January, 2014

ઝિનોવ્યેફ, ગ્રિગોરી વેવ્સેયેવિચ [Zinoviev, Grigory Vevseyevich] (જ. 23 સપ્ટેમ્બર 1883, ખેરસન, યુક્રેન; અ. 25 ઑગસ્ટ 1936 મૉસ્કો) : રશિયાના યહૂદી ક્રાંતિકારી સામ્યવાદી નેતા. મૂળ નામ રેડોમિસ્લસ્કી. બર્ન યુનિવર્સિટી ખાતે અભ્યાસ. 1901માં રશિયન સોશિયલ ડેમોક્રૅટિક લેબર પાર્ટીમાં જોડાયા તથા 1903 પછી વ્લૅડિમિયર લેનિનના બૉલ્શેવિક પક્ષના ટેકેદાર બન્યા. 1905ની ક્રાંતિ દરમિયાન સેંટ પીટર્સબર્ગ ખાતે કામદારોનું આંદોલન ચલાવ્યું. 1907માં પક્ષની મધ્યસ્થ સમિતિમાં તેઓ ચૂંટાઈ આવ્યા. તેને કારણે 1908માં ટૂંકા કારાવાસ પછી માંદગીના કારણસર છોડવામાં આવ્યા. આંદોલન ચલાવવા માટે દેશનિકાલ થયેલ ઝિનોવ્યેફે ફ્રાન્સ, ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડમાં આશ્રય લીધો (1909–17). દરમિયાન તેઓ લેનિનના ગાઢ સાથીદાર બની રહ્યા તથા ફેબ્રુઆરી, 1917ની ક્રાંતિ બાદ લેનિન સાથે રશિયા પાછા આવ્યા. નવેમ્બર, 1917માં તેમણે તથા લેવ કામાનેવે બૉલ્શેવિકોની સત્તા કબજે કરવાની લેનિનની યોજનાનો વિરોધ કર્યો. પરંતુ પક્ષમાં જરૂરી બહુમતી ન મળતાં તેમણે બહુમતીના નિર્ણયનો સ્વીકાર કર્યો. બૉલ્શેવિકોએ સત્તા ગ્રહણ કર્યા પછી ઝિનોવ્યેફે કૉમિન્ટર્નના વડા તરીકે કામગીરી સંભાળી (1919–26) તથા સામ્યવાદી પક્ષના પૉલિટબ્યૂરોના સભ્ય તરીકે ફરજ બજાવી (1921–26). લેનિનના મૃત્યુ (1924) પછી ઝિનોવ્યેફ, કામેનેવ તથા જૉસેફ સ્ટાલિનની ત્રિમૂર્તિ રચવામાં આવી. લિયૉન ટ્રૉટ્સ્કી પર શાસકીય ત્રિમૂર્તિના હુમલાની નેતાગીરી ઝિનોવ્યેફે સંભાળી તથા પક્ષમાંથી ટ્રૉટ્સ્કીની હકાલપટ્ટીની માગણી કરી. ટ્રૉટ્સ્કી વિરુદ્ધની લડાઈમાં શરૂઆતની સફળતા (1924) પછી પોતાની સત્તાને વધુ ર્દઢ કરવાના હેતુથી સ્ટાલિન ઝિનોવ્યેફ અને કામેનેવનો વિરોધી બન્યો તથા તેમને તથા તેમના ‘ડાબેરી વિરોધ’ને દબાવી દીધો (1925). ઝિનોવ્યેફ તથા કામેનેવે ટ્રૉટ્સ્કીનો પક્ષ લીધો (1926), પરંતુ આનું કંઈ પરિણામ ન આવ્યું. ઝિનોવ્યેફને પક્ષના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા (1926) તથા પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી (1927). 1928માં તેમને પક્ષમાં ફરીથી દાખલ કરવામાં આવ્યા, પરંતુ તેમનો પ્રભાવ નહિવત્ બની રહ્યો. સ્ટાલિનની પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઝિનોવ્યેફ-કામેનેવ કાર્યક્રમના ઘણા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઝિનોવ્યેફ-કામેનેવે ઝડપી ઉદ્યોગીકરણ તથા સમૂહીકરણ પર ભાર મૂક્યો હતો.

સર્જી કિરોફની હત્યાને પ્રોત્સાહિત કરવા બદલ ઝિનોવ્યેફને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. સરકારને ઉથલાવવા માટેનું કાવતરું રચવાના આરોપ અંગેની કાર્યવહીમાં ઝિનોવ્યેફ મુખ્ય પ્રતિવાદી હતો. સ્ટાલિનના આ સાફસૂફીના મહાન ખટલાના પરિણામે ઝિનોવ્યેફ તથા કામેનેવ સહિત અન્ય 13 બૉલ્શેવિકોનો વધ કરવામાં આવ્યો. કૉમિન્ટર્નના વડાની હેસિયતથી ઝિનોવ્યેફે અગાઉ ઇંગ્લૅન્ડમાં ક્રાંતિ અંગેની સૂચનાઓ આપતા પત્રો લખ્યા હતા. બ્રિટિશ અખબારોમાં ‘ઝિનોવ્યેફ લેટર્સ’ તરીકે આ પત્રો પ્રકાશિત કરવામાં આવ્યા (1924). આ પત્રો વિવાદાસ્પદ સ્વરૂપના હતા અને તેને કારણે બ્રિટનના મજૂર-પક્ષને 1924ની સામાન્ય ચૂંટણીમાં હાર મળી હતી.

નવનીત દવે