જીવગ ચિંતામણિ

January, 2012

જીવગ ચિંતામણિ (ઈ. સ. દશમી શતાબ્દી) : જૈન મુનિ અને તમિળ કવિ તક્કદેવરની કાવ્યરચના. એની ગણના તમિળનાં 5 પ્રસિદ્ધ મહાકાવ્યો જોડે કરવામાં આવે છે. એ 3,145 પદો અને 13 ખંડોમાં વિભાજિત છે. રસપ્રદ કાવ્યનો નાયક રાજકુમાર જીવગ 8 લગ્નો કરે છે તેથી એ ગ્રંથને ‘મણનૂલ’ (વિવાહગ્રંથ) કહેવામાં આવે છે. જીવનનાં બધાં સુખદુ:ખ ભોગવ્યા પછી એ રાજ તથા કુટુંબનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરે છે. અંતે એને સદેહે મુક્તિ મળે છે. એમાં કવિ જૈન સિદ્ધાંત અનુસાર એવું પ્રતિપાદિત કરવા માગે છે કે ગૃહસ્થ જીવન ભોગવતાં પણ માનવનું ધ્યાન મોક્ષ તરફ કેન્દ્રિત હોવું જોઈએ. એમાં શૃંગારરસનું પણ પ્રાધાન્ય છે. એની ભાષા સરલ અને પ્રાસાદિક છે તથા એમાં અલંકારપ્રાચુર્ય છે. ગ્રંથની રચના ‘વિરૂત્તમ’ છંદમાં થઈ છે. એ છંદને કાવ્યાનુકૂળ બનાવવાનો યશ તિરુતક્કદેવરને જાય છે. એમની પછીના કવિઓએ એમની શૈલીનું અનુકરણ કર્યું છે. એમાં અર્થગૌરવ અને કલ્પનાપ્રાચુર્ય છે. આ કૃતિ સાહિત્યિક, ધાર્મિક તથા ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની છે.

ચન્દ્રકાન્ત મહેતા