જિનીવા ઘોષણા

January, 2012

જિનીવા ઘોષણા : તબીબી આચારસંહિતા(code of medical ethics)ને આવરી લેતી જાહેરાત. તે સારણી 1માં દર્શાવી છે. ઈ. પૂ. 460માં જન્મેલા હિપૉક્રટીઝે રચેલી આ પ્રતિજ્ઞા દરેક તબીબને તેના વ્યવસાયમાં નીતિ જાળવવા માટેની આચારસંહિતા (code) બની રહેલ છે. ભારતમાં મેડિકલ કાઉન્સિલે પણ એક તબીબી આચારસંહિતા બનાવેલી છે.

1975માં સુધારેલી હેલસિન્કી જાહેરાતમાં જૈવ-તબીબી સંશોધન ક્ષેત્રે માણસો પરના પ્રયોગો અંગે સૂચનાઓ આપવામાં આવેલી છે. તેવી જ રીતે એક આંતરરાષ્ટ્રીય તબીબી આચારસંહિતા પણ તૈયાર કરવામાં આવેલી છે જેમાં ડૉક્ટરની સામાન્ય ફરજો, દર્દી તરફની ફરજો અને બીજા તબીબ તરફની ફરજો દર્શાવવામાં આવેલી છે. આયુર્વેદમાં પણ તબીબી વિદ્યાર્થીને (તબીબી વ્યવસાયના પ્રથમ સોપાને) લેવાની પ્રતિજ્ઞા ચરક સંહિતામાં દર્શાવવામાં આવેલી છે. હિપોક્રૅટિક પ્રતિજ્ઞાના મુખ્ય બે ભાગ છે : પ્રથમ ભાગમાં તબીબની તબીબી વિદ્યાર્થીઓ તરફની ફરજો વણી લેવાઈ છે, જ્યારે તેના બીજા ભાગમાં સારવાર માટેની ફરજો દર્શાવાઈ છે. હિપોક્રૅટીઝને નામે લખાયેલાં ઘણાં લખાણો તેનાં જ છે તેવી ખાતરી નથી. જોકે ઉપર જણાવેલી પ્રતિજ્ઞા તેના સમયમાં લખાયેલી હતી એવું માનવામાં આવે છે. તે તે સમયના ધાર્મિક અને સામાજિક વિચારોની દ્યોતક પણ છે.

જિનીવા સંમેલનો : 1864થી 1949માં સ્વિટ્ઝર્લૅન્ડના પાટનગર જિનીવામાં વિવિધ બહુરાષ્ટ્રીય સંમેલનો (conventions) ભરાયાં હતાં. 1864માં રેડક્રૉસના સ્થાપક હેન્રી ડૂનાં(Henri Dunant)એ યુદ્ધસમયે ઘવાયેલાઓનું સંમેલન બોલાવ્યું હતું. તેને યુરોપની રાજસત્તાઓએ સંમતિ આપી હતી. તેમાં 1906માં જિનીવાના બીજા સંમેલનમાં તથા હેગનાં 1899 અને 1907નાં સંમેલનોમાં સુધારાઓ કરવામાં આવેલા છે. 1929માં ત્રીજું જિનીવા સંમેલન ભરાયું હતું. તેમાં યુદ્ધકેદીઓના સંરક્ષણ અંગે નિર્ણયો થયા હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમાંના ઘણા સિદ્ધાંતોની ઉપેક્ષા કરવામાં આવી હતી. તેથી 1948ની રેડક્રૉસની સ્ટોકહૉમ ખાતેની પરિષદ(conference)માં તેને અંગે 4 સંમેલનો યોજાયાં હતાં. 1949માં ઑગસ્ટની 12મી તારીખે જિનીવા ખાતે તે ચારે સંમેલનો મળ્યાં હતાં. સ્થાનિક યુદ્ધ અને સશસ્ત્ર ચળવળોએ તેના સિદ્ધાંતો ઉવેખ્યા હતા તેથી 1977માં રેડ ક્રૉસના આંતરરાષ્ટ્રીય પરિસંવાદ દ્વારા આ સંમલેનોના કેટલાક નિયત કાર્યક્રમો(protocols)નું પુનરુચ્ચારણ કરાયું હતું. 1949નાં સંમેલનોમાં વિશ્વના 150થી વધુ દેશોએ ભાગ લીધો હતો જ્યારે 1977ના પરિસંવાદમાં તેનાથી અર્ધા દેશોએ ભાગ લીધો હતો.

સારણી 1 : સિડનીમાં થયેલા 1968ના સુધારા સહિતની જિનીવા ઘોષણા અનુસાર પ્રતિજ્ઞા

‘‘તબીબી વ્યવસાયમાં જોડાતી વખતે હું ગંભીરતાપૂર્વક (solemny) પ્રતિજ્ઞા કરીને મારા જીવનને માનવતાની સેવામાં સમર્પિત કરું છું.

–     હું મારા શિક્ષકોને યથાયોગ્ય સન્માન અને આદર આપીશ;

–     હું ગૌરવ(dignity)ભેર અને સન્નિષ્ઠપણે મારો વ્યવસાય કરીશ.

–     મારા દર્દીઓનું આરોગ્ય મારે માટે પ્રથમ અગ્રતા ધરાવતી બાબત બનશે;

–     મારા દર્દીના મૃત્યુ પછી પણ તેનાં (અંગત) રહસ્યો હું છુપાવી રાખીશ;

–     તબીબી વ્યવસાયની બધી ઉમદા પ્રણાલિકાઓ (traditions) અને ગૌરવની હું મારી શક્તિ વડે જાળવણી કરીશ;

–     મારા સાથીદારોને મારા ભાઈઓ ગણીશ;

–     મારા દર્દી તરફની મારી ફરજ બજાવતી વખતે હું ધર્મ, રાષ્ટ્રીયતા, પ્રજાતિ (race), રાજકીય પક્ષાપક્ષી કે સામાજિક સ્તરને ગણતરીમાં લઈશ નહિ;

–     ગર્ભાવસ્થા સહિત સમગ્ર માનવજીવન પ્રત્યેનું માન હું, ગમે તે જોખમે જાળવીશ અને માનવતાના નિયમોની વિરુદ્ધ, મારા તબીબી જ્ઞાનનો ઉપયોગ કરીશ નહિ;

–     હું રાજીખુશીથી, ગંભીર ભાવે (solemnly) સોગંદપૂર્વક આ પ્રતિજ્ઞાઓ કરું છું.’’

હિપ્રોક્રૅટિક સોગંદવિધિ (oath) : તેમાં તબીબ એપૉલો ઇસ્ક્યૂલેપિયસ (Aesculapius), હાઇજીઆ (Hygeia) અને પેનેસિઆ(Panacea)ને નામે અને બધાં દેવદેવીઓની સાક્ષીએ તથા પોતાની શક્તિ અને સમજ પ્રમાણે કસમ સાથે સોગંદ કરે છે કે જેમણે કળા શીખવી છે તેમને (શિક્ષકોને) માતાપિતા જેટલો પ્રેમ કરીશ, તેમની સાથે રહીશ અને જરૂર પડ્યે તેમને મારી વસ્તુઓ વહેંચીશ, તેમની સંતતિને મારાં પોતાનાં ભાંડુ માનીશ અને તેમને જો કળા શીખવી હશે તો તેમને કોઈ ફી વગર કે લખાણ વગર શીખવીશ. મારા પુત્રો, મારા શિક્ષકોના પુત્રો, જે કોઈ વ્યવસાયના નિયમોનું પાલન કરવા માગતા હોય તેવા અન્ય વિદ્યાર્થીઓ(disciples)ને અને ફક્ત તેમને , જ્ઞાન આપીશ. હું મારી આવડત અને સમજ પ્રમાણે મારા દર્દીઓનું સારું કરવા દવાઓનું સૂચન કરીશ અને કદી કોઈને નુકસાન પહોંચાડીશ નહિ. કોઈને ખુશ કરવા હું કોઈને મૃત્યુકારક દવા કે તેની સલાહ આપીશ નહિ. હું સ્ત્રીને ગર્ભપાત કરવાનું સાધન આપીશ નહિ. પરંતુ મારી જાત અને મારી કળાની શુદ્ધતા જાળવીશ. હીરા (stone) માટે કાપો મૂકીશ નહિ અને જેમનામાં સ્વયંસ્પષ્ટ રોગ હશે તેમને પણ (શસ્ત્રક્રિયાના) નિષ્ણાત પાસે મોકલીશ. જે કોઈ ઘરમાં પ્રવેશીશ તેમાં ફક્ત દર્દીનું સારું કરીશ અને કોઈપણ ખરાબ ક્રિયા કે ભાવથી દૂર રહીશ અને ખાસ કરીને મુક્ત કે ગુલામ સ્ત્રી કે પુરુષ સાથે કામસુખ માણીશ નહિ. મારા વ્યવસાયના ભાગ રૂપે કે અન્યથા તથા રોજિંદા વ્યવહારમાં જે ગોપનીય બાબતો જાણીશ તેને જાહેર કરીશ નહિ. જો પ્રતિજ્ઞા શ્રદ્ધાપૂર્વક પાળું તો ભલે જીવન અને વ્યવસાયને માણું તથા બધા માણસોનું હંમેશાંનું સન્માન પામું, પરંતુ જો હું તેનું ઉલ્લંઘન કરું તો તેથી ઊલટું બનો.

મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાએ તબીબી આચારસંહિતાનો મુસદ્દો (code of medical ethics) તૈયાર કરીને તેનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં જિનીવા જાહેરાતના બધા જ મુદ્દાઓમાં વાક્યરચના તથા તેમના ક્રમમાં સહેજ ફેરફાર કરીને તૈયાર કરેલી એક પ્રતિજ્ઞા છે. તેના મુખ્ય મુસદ્દામાં તબીબી વ્યવસાયનાં વિવિધ પાસાં આવરી લેવાયાં છે.

સારણી 2

મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાની તબીબી આચારસંહિતામાં

આવરી લેવાયેલા વિસ્તારો

() સામાન્ય સિદ્ધાંતો
1 તબીબીનું ચારિત્ર (Character)
2 તબીબની જવાબદારીઓ
3 જાહેરખબરો
4 તબીબી વ્યવસાયની ફી અને આવકમાં નીતિમત્તા
5 પેટન્ટ અને કૉપીરાઇટનો ઉપયોગ
6 દવા કે સાધનોની દુકાનનો નિષેધ
7 ફીમાં વળતર કે દલાલી આપવાનો નિષેધ
8 ઔષધ અંગેની ગોપનીયતાનો નિષેધ
9 કાયદાનું સન્માન
() દર્દી તરફની ફરજો
10 માંદા માણસ તરફની માનવતાલક્ષી ફરજ
11 ધીરજ, ઋજુતા (delicacy) અને ગોપનીયતા
12 પૂર્વાનુમાન (prognosis)
13 દર્દી તરફ બેદરકારીનો નિષેધ
() તબીબી વ્યવસાય તરફની ફરજો
14 વ્યવસાયનો મોભો જાળવવો
15 વ્યાવસાયિક સંગઠનોના સભ્ય બનવું
16 વ્યવસાયનું રક્ષણ કરવું
17 અનીતિપૂર્ણ વ્યવહારને જાહેર કરવો
() તબીબોની એકબીજા તરફની ફરજો
18 પરસ્પર આધાર (dependence)
19 પરસ્પર સહકાર
() વ્યાવસાયિક વિમર્શ (consultation)
20 વ્યાવસાયિક વિમર્શને ઉત્તેજન
21 દર્દીના હિતમાં વ્યાવસાયિક વિમર્શ
22 વ્યાવસાયિક વિમર્શમાં સમયસરતા
23 વ્યાવસાયિક વિમર્શ સમયે વર્તન (conduct)
24 વ્યાવસાયિક વિમર્શ પછી દર્દીને તેનું નિવેદન
25 વ્યાવસાયિક વિમર્શ પછીની સારવાર
26 વ્યાવસાયિક વિમર્શ આપનારે દર્દીની સારવારની જવાબદારી લેવાની થતી નથી
27 વિશેષજ્ઞનો સંદર્ભ
() અન્ય તબીબના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ
28 મૂળ તબીબની ટૂંકી ગેરહાજરી સમયે
29 અન્ય તબીબના દર્દીની મુલાકાત સમયે
30 પ્રસૂતિ સમયે
() પ્રજા તરફની ફરજો
31 નાગરિક તરીકે
32 જાહેર આરોગ્ય માટે
33 ઔષધવિદ્ (pharmacist) તરફ

આ ઉપરાંત આ આચારસંહિતાના ભંગથી ઉદભવતી શિસ્તભંગનાં પગલાં(disciplinary actions)ની પણ આ જાહેરાતમાં છણાવટ કરવામાં આવેલી છે.

શિલીન નં. શુક્લ

દુર્દાન્ત દવે