જાહેર વિતરણવ્યવસ્થા

January, 2012

જાહેર વિતરણવ્યવસ્થા : જીવનાવશ્યક ચીજો સમગ્ર પ્રજાને અથવા પ્રજાના કોઈ એકાદ ચોક્કસ વર્ગને વાજબી ભાવે તથા યોગ્ય પ્રમાણમાં મળી રહે એવો સરકાર દ્વારા થતો પ્રબંધ.

આવો પ્રબંધ માત્ર જીવનજરૂરિયાતો પૂરી પાડવા પૂરતો જ મર્યાદિત રાખવામાં આવે છે. કેટલીક વાર તેના ક્ષેત્રમાં સમગ્ર પ્રજાને આવરી લેવાતી હોય છે. પણ મહદ્ અંશે તે આર્થિક રીતે નબળા વર્ગોને જ સ્પર્શે છે. તેમાં આવરી લેવાતી વસ્તુઓના બજારભાવ ક્યારેક તો ઘણા ઊંચા હોય છે એટલે સરકારનો પ્રયત્ન આવી વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવાનો હોય છે. સંબંધિત વ્યક્તિને માલ અમર્યાદિત પ્રમાણમાં પૂરો પાડવાની જવાબદારી લેવાને બદલે સરકાર સંબંધિત માલનું યોગ્ય પ્રમાણ ઠરાવી તે મુજબ તે પૂરો પાડે છે, વધુ જથ્થાની જરૂર હોય તો ગ્રાહક બજારભાવે તે માલ ખરીદી શકે એવી શક્યતા પણ ખરી. આમ કરવું કાયદામાન્ય હોય કે પ્રતિબંધિત પણ હોય.

દેશ યુદ્ધમાં જોડાયો હોય ત્યારે સરકાર રાષ્ટ્રીય ઉત્પાદનનો અડધો કે તેથીય વધુ ભાગ લશ્કરને શસ્ત્રસામગ્રી અને વપરાશની ચીજો પૂરી પાડવા માટે હસ્તગત કરે છે. યુદ્ધ જીતવું એ ત્યારે સર્વોચ્ચ અગ્રિમતા હોઈ દેશનાં મોટા ભાગનાં સાધનો તે કામમાં રોકવાં પડે છે. ત્યારબાદ ફાજલ રહેતાં સાધનો અને ઉત્પાદનમાંથી મળતી પેદાશ વડે નાગરિકોએ ચલાવવાનું હોય છે. યુદ્ધસંચાલન માટે ઉપયોગી ન હોય તેવું રોકાણ બંધ કરવામાં આવે છે. વપરાશી માલ પેદા કરનાર ખેડૂતો ને ઉદ્યોગો પાસેથી લશ્કરી જરૂરિયાત ઉપરાંતનો માલ સરકાર મુકરર ભાવે ફરજિયાત ધોરણે ખરીદી લે છે ને પ્રજાજનોને તે યોગ્ય માત્રામાં તથા વાજબી ભાવે મળી રહે તે માટે જાહેર વિતરણ તંત્ર ગોઠવે છે.

અગાઉના સોવિયેટ સંઘમાં શાંતિના ગાળામાં પણ તે દેશની પ્રથમ 2 પંચવર્ષીય યોજનાના ગાળામાં વ્યાપક જાહેર વિતરણવ્યવસ્થા અપનાવવામાં આવી હતી. આંતરિક સુરક્ષા જાળવવાના, બહારનાં આક્રમણોને ખાળવાના, સ્વાવલંબન હાંસલ કરવા માટે જરૂરી ગણાતા ભારે ઉદ્યોગોના વિકાસના અને શિક્ષણ, આરોગ્ય જેવી સામાજિક વપરાશની સેવાના વિસ્તરણકાર્યમાં દેશનાં સાધનો રોકાયેલાં હતાં. માગના પ્રમાણમાં અંગત વપરાશી માલસામાન પેદા કરવાનું શક્ય કે ઇષ્ટ મનાયું નહોતું. જીવનજરૂરિયાતોને પૂરી પાડવાની જવાબદારી રાજ્યે ઉપાડી હતી. ખાસ તો દેશમાં અન્ન પેદા ન કરનાર વસ્તીનું પ્રમાણ વધતું જતું હતું, બજારમાં એટલું અનાજ આવે તેમ નહોતું કેમ કે ખેડૂતોને તેમની પેદાશના, ખાસ તો અનાજના બદલામાં આપી શકાય તેવી ચીજો ખેતી સિવાયનાં આર્થિક ક્ષેત્રો પેદા કરવાનાં નહોતાં. મૂડીનિર્માણ માટેની યોજનાના ભાગ રૂપે અનાજ ને અન્ય જરૂરિયાતની ચીજો પ્રાપ્યતા અનુસાર વાજબી ભાવે પ્રજાને પૂરાં પાડવાની જવાબદારી પણ સરકારે ઉપાડી હતી. ઝડપી લશ્કરી ને આર્થિક તાકાત વધારવા માટે તેમજ ઉદ્યોગીકરણ માટે મથનાર દેશોમાં રાજ્યે શાંતિના સમયમાં પણ જાહેર વિતરણની વ્યવસ્થા ગોઠવવી પડે છે એવો ભૂતકાળનો અનુભવ છે.

ભારતમાં બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન જીવનજરૂરિયાતની કેટલીક વસ્તુઓની માપબંધી દાખલ કરવામાં આવી હતી અને તેમાં અનાજ ઉપરાંત ખાંડ અને કેરોસીન જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

સ્વાતંત્ર્યોત્તર સમયમાં દેશમાં આર્થિક વિકાસ માટે 1951થી પંચવર્ષીય યોજનાઓ કાર્યાન્વિત થઈ છે. આ ગાળામાં સરકારનો વિકાસલક્ષી ને બિનવિકાસલક્ષી બંને પ્રકારનો ખર્ચ વધતો ગયો છે. કરવેરા, જાહેર લોનો તથા જાહેર ક્ષેત્રના નફા દ્વારા આ માટે પૂરતાં નાણાં ન મળે ત્યારે સરકારે મધ્યસ્થ બૅંક પાસેથી લોન લઈને ખર્ચનું ગાડું ગબડાવ્યું છે. આ કારણે પ્રજા પાસેનાં નાણાંનું પરિમાણ વધ્યું છે, જેને લીધે બજારમાં ઘરાકી પણ વધી છે. તેના પ્રમાણમાં વપરાશી ચીજોનો પુરવઠો વધ્યો નથી, વધી શકે એમ પણ નથી. બીજી પંચવર્ષીય યોજના (1956–61) પછી ભાવવધારાની લગભગ સ્થાયી ગણાય એવી સ્થિતિ દેશમાં પ્રવર્તી છે. આવશ્યક ચીજો પેદા ન કરનાર, શહેર ને ગામના બાંધી આવક ધરાવનાર તથા અસંગઠિત વર્ગોની હાડમારી હળવી કરવા માટે સરકારે જાહેર વિતરણવ્યવસ્થા ગોઠવી છે.

વર્તમાન વ્યવસ્થા હેઠળ : (1) હાલ ચોખા, ઘઉં, ખાદ્ય તેલ અને કેરોસીન જેવી આવશ્યક ચીજોનું બજારભાવ કરતાં ઓછા ભાવે વાજબી ભાવોની દુકાનો (fair price shops) દ્વારા વિતરણ થઈ રહ્યું છે. માર્ચ 31, 1993ના રોજ જાહેર વિતરણવ્યવસ્થાના ભાગ રૂપે દેશમાં આ માટેની 4 લાખ કરતાં વધુ દુકાનો પથરાયેલી હતી, જેમાંથી 3.13 લાખ દુકાનો ગ્રામવિસ્તારમાં અને 96 હજાર દુકાનો શહેરમાં આવેલી છે. એક વાજબી ભાવની દુકાન સરેરાશ 2000 વ્યક્તિને વિતરણસેવા પૂરી પાડે છે.

1951થી એવું એકેય વર્ષ નથી વીત્યું જે દરમિયાન જાહેર વિતરણ તંત્ર દ્વારા અનાજ વહેંચાયું ન હોય. અલબત્ત વર્ષ-પ્રતિવર્ષ આ વહેંચણીનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું છે ખરું. બજારભાવ નીચા હોય ત્યારે લોકો પોતાને ગમતા પ્રકારનું અનાજ બજારમાંથી ખરીદવાનું પસંદ કરે છે. બજારભાવ ઊંચા હોય તે વર્ષમાં લોકો વાજબી ભાવની દુકાનો તરફ વળે છે. 1991, 1992 ને 1993માં અનુક્રમે 20.8, 19.1 અને 15.1 મિલિયન (10 લાખ) મેટ્રિક ટન અનાજ જાહેર વિતરણવ્યવસ્થા મારફતે વહેંચાયાનો અંદાજ કેન્દ્ર સરકારની 1993–94ની આર્થિક સમીક્ષા દ્વારા જાણવા મળે છે.

(2) જાહેર વિતરણ માટે સરકાર આયાત અને આંતરિક પ્રાપ્તિ(levy)ના બે માર્ગે અન્ન મેળવે છે. જ્યારે અમેરિકામાંથી પી.એલ. 480 હેઠળ અનાજ હળવી શરતોએ આયાત કરી શકાતું હતું ત્યારે જરૂરી અનાજ બહારથી મંગાવવાના માર્ગને સરકારે મહત્વ આપ્યું હતું. હવે પરિસ્થિતિ બદલાઈ છે ને દેશ વિદેશી મુદ્રાની કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. કુદરતી આપત્તિને કારણે અનાજનું ઉત્પાદન ઘટી ગયું હોય, અન્નના ભાવ ખુલ્લા બજારમાં વધતા હોય, ત્યારે સરકાર નાછૂટકે જાહેર વિતરણની વ્યવસ્થા ટકાવવા માટે આયાત કરવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે જાહેર વિતરણ દ્વારા વહેંચાતા અનાજના જથ્થાના પ્રમાણમાં આયાત અલ્પ હોય છે. 1993માં આ રીતે 151 લાખ મેટ્રિક ટન અનાજ વહેંચાયું હતું ત્યારે આયાતો 24 લાખ ટન જેટલી હતી. આંતરિક અન્નપ્રાપ્તિ દ્વારા 280 લાખ ટન અનાજ આ વર્ષે મેળવાયું હતું.

અનાજની આંતરિક પ્રાપ્તિ માટે સૈદ્ધાંતિક રીતે તો અનેક વૈકલ્પિક માર્ગો અપનાવી શકાય છે. ભારત સરકાર આ માટે ખુલ્લા બજારમાંથી ખરીદી કરે છે. સરકાર જે ભાવે અનાજ પ્રાપ્ત કરે છે તેને પ્રાપ્તિભાવ (procurement prices) કહેવામાં આવે છે. પ્રાપ્તિભાવોનો આધાર કૃષિ-ખર્ચ ભાવ પંચ(Commission for Agricultural Costs and PricesC.A.C.P.)ની ભલામણો પર રહે છે.

આ પ્રાપ્તિભાવો અને ટેકાના ન્યૂનતમ ભાવો (minimum support prices) વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો જરૂરી બને છે. પાકના ઉત્પાદનખર્ચના માળખામાં આવેલા ફેરફારો અને પ્રસ્તુત અન્ય પરિબળોને તપાસીને કૃષિ-ખર્ચ ભાવ પંચ 22 ખેતપેદાશ માટે ઓછા ટેકાના ભાવની ભલામણ સરકારને કરે છે. ઠીક લાગે તો સરકાર પાકની વાવણીના સમયે આ ભાવો જાહેર કરે છે. ખેડૂતને ખાતરી રહે છે કે સરકાર આ ટેકાના ભાવ કરતાં બજારભાવને નીચે જવા નહિ દે, ખરીદી કરીનેય ટેકાના ભાવને તે જાળવશે. આથી ખેડૂત નિશ્ર્ચિંત થઈને વાવેતર માટેના પાકની પસંદગી કરી શકે છે. ટેકાના ભાવ જાહેર કરવાનો ઉદ્દેશ ખેડૂત માટે ભાવની વધઘટનું જોખમ ઓછું કરવાનો છે. ખર્ચ ને વાજબી નફાને આવરી લે તે રીતે પંચ દ્વારા ટેકાના ભાવ મુકરર કરવામાં આવે છે. ભારતમાં ફુગાવાનાં એકંદર વલણોને લઈને, વાવણીના ને ખેતપેદાશના બજારના આગમન વચ્ચેના સમયગાળામાં ભાવો સાધારણ રીતે વધ્યા જ હોય છે. એટલે ટેકાના ભાવે ખરીદી કરવાનો સવાલ સરકાર માટે ભાગ્યે જ ઉપસ્થિત થયો છે.

પ્રાપ્તિભાવનો ઉદ્દેશ આંતરિક અન્નપ્રાપ્તિ દ્વારા જાહેર વિતરણ-વ્યવસ્થા માટે પર્યાપ્ત અનાજ મેળવવાનો હોય છે. એ ઠરાવતી વખતે ઉત્પાદનખર્ચની ગણતરી પર આધારિત ટેકાના ભાવોને તો સરકાર ધ્યાનમાં લે છે, પણ તે ઉપરાંત બજારભાવનાં વલણોનોય તેણે ખ્યાલ રાખવો પડે છે. જો બજારભાવ કરતાં ઘણા ઓછા ભાવે તે ખરીદી કરવા નીકળે તો કોઈની પાસેથી તેને અનાજ મળી શકે નહિ. આ કારણે પ્રાપ્તિભાવ બજારભાવને અનુસરે છે. અનાજ પેદા કરનાર ખેડૂત પાસેથી મુકરર ભાવે ફરજિયાત લેવી દ્વારા અન્ન પ્રાપ્ત કરવાનો વિકલ્પ અનેક કારણોને લીધે સ્વીકાર્યો નથી તેનું આ પરિણામ છે. બજારભાવ વધ્યા છે તેમ તેમ સરકારને પ્રાપ્તિભાવ પણ વધારવા પડ્યા છે. દાખલા તરીકે ઘઉંના પ્રાપ્તિભાવ 1991–92માં 22.2 % અને 1992–93માં 20 % વધારાયા હતા.

કોઈ પણ એકાદ વર્ષના ટેકાના ભાવ પ્રાપ્તિભાવ જેટલા કે તેથી ઓછા હશે તેનો આધાર અનાજના જાહેર વિતરણ અંગેની ને પોતાની પાસેના અનાજના જથ્થામાં વધારો કરવાની જરૂર છે કે નહિ તે અંગેના સરકારના આકલન પર રહે છે. બજારભાવ વધતા હોય, વાજબી ભાવની દુકાનોમાંથી અનાજનો ઉપાડ વધે એમ લાગતું હોય ત્યારે ખરીદી કરીને અન્નભંડાર ભરેલો રાખવાનું જરૂરી બને છે ને ત્યારે પ્રાપ્તિભાવ વધારીને સરકાર એ કામ કરે છે. એથી ઊલટી સ્થિતિમાં ભાવને ન્યૂનતમ ટેકાની ભાવ-સપાટીએ ઊતરવા દીધા પછી તેને ટકાવી રાખવા સરકાર બજારમાં દાખલ થાય છે.

(3) કેન્દ્ર સરકાર પ્રાપ્તિભાવે અન્ન ખરીદે છે. એને સંઘરવાનો ખર્ચ પણ એ ભોગવે છે. સરકાર વતી આ કામ ભારતીય અન્ન નિગમ (Food Corporation of India) કરે છે. આ અન્નભંડારમાંથી રાજ્ય સરકારોને જાહેર વિતરણ માટે અનાજ ફાળવવામાં આવે છે. જે ભાવે રાજ્ય સરકારોને આ અનાજ અપાય છે તેને કેન્દ્રવર્તી ફાળવણી ભાવ (Central Issue Price–CIP) કહી શકીએ. ભારતીય અન્ન નિગમને અનાજ પ્રાપ્ત કરીને સંઘરવાનો જે સરેરાશ ખર્ચ થાય છે તેને સંપૂર્ણ રીતે આવરી લે તેટલા ઊંચા આ ભાવ હોતા નથી. અન્ન નિગમને આ અનાજ પૂરું પાડવાનો સરેરાશ પોષણક્ષમ ખર્ચ અને રાજ્ય સરકારોને અનાજ વેચતી વખતે મળતો ભાવ : આ બે વચ્ચેનો તફાવત કેન્દ્ર સરકાર દ્વારા અપાતી અન્ન સહાય (food subsidy) સૂચવે છે. આ સહાયિત ભાવે મળેલું અનાજ રાજ્ય સરકારો ફાળવણીના છૂટક ભાવ ઠરાવીને વાજબી ભાવની દુકાનોને આપે છે. સરકારે – રાજ્ય સરકારે નક્કી કરેલો કમિશનનો માર્જિન રાખીને વાજબી ભાવે આ અનાજ છેવટના ગ્રાહકોને સસ્તા અનાજની દુકાનો દ્વારા વેચાય છે.

(4) અનાજ ખરીદાય છે તેના કરતાં વધુ ઉપાડ થાય છે ત્યારે કેન્દ્રીય અન્નભંડાર પાસેનો અન્નનો જથ્થો ઘટે છે. ખરીદી કરતાં ઉપાડ ઓછો હોય છે ત્યારે અન્નભંડાર પાસેના અન્નના જથ્થામાં વધારો થાય છે. ઘઉં-ચોખા જેવી ચીજોનો ન્યૂનતમ કેટલો જથ્થો કેન્દ્રીય અન્નભંડારમાં હોવો જોઈએ એનાં સરકારે ધોરણ મુકરર કર્યાં છે. બજારભાવ વધતા હોય ત્યારે પોતાના ભંડારમાંથી જરૂરી ચીજો વાજબી ભાવે વધારે પ્રમાણમાં બજારમાં મૂકીને સરકાર અને ભારતીય અન્ન નિગમ ભાવોને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે છે.

બજારમાં વેચાતા કુલ પુરવઠાનો અલ્પ ભાગ જ જાહેર વિતરણવ્યવસ્થા દ્વારા આવરી લેવામાં આવે છે. મોટા ભાગનું અનાજ તો ખાનગી વ્યાપારી ક્ષેત્ર મારફતે જ ગ્રાહકો સુધી પહોંચે છે. આમ છતાં, આર્થિક રીતે નબળા વર્ગોની ખરીદશક્તિને (વાસ્તવિક આવકને) રક્ષવામાં આ વ્યવસ્થા ઉપકારક બની છે. આ વર્ગમાં આવરી લેવાતી વસ્તીની સંખ્યા હાલ ભારતમાં આશરે 23 કરોડ છે. અનાજના ભાવ ઝડપથી વધતા હોય અથવા કુદરતી કે અન્ય કારણે આવશ્યક ચીજોની પ્રાપ્યતા એકદમ ઘટી ગઈ હોય ત્યારે તે ખાસ ઉપયોગી જણાઈ છે. સરકારના ગરીબી-નિવારણના કાર્યક્રમમાં ગરીબને રોજગારી અને આવક પૂરી પાડવાના કાર્યક્રમોની સાથે સાથે જીવનાવશ્યક વસ્તુઓ વાજબી ભાવે મળે તેવી ગોઠવણ કરવાનું ઇષ્ટ ગણવામાં આવ્યું છે.

પરંતુ હાલની જાહેર વિતરણવ્યવસ્થા ગરીબ પ્રજાના અલ્પ ભાગને સ્પર્શે છે; જુદાં જુદાં રાજ્યોનાં ક્ષેત્રમાં આવતી ગરીબ વસ્તીના પ્રમાણમાંય ભારે તફાવત જોવા મળે છે તથા ગરીબ ન ગણાય તેવા વર્ગો પણ તેનો લાભ ઉઠાવી જાય છે. આથી ગરીબ પ્રજાને વધુ સંખ્યામાં તેનો લાભ મળે અને ગરીબ ન હોય તેવા વર્ગોને તેના ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે તે માટે સરકાર તાજેતરમાં પ્રયત્નશીલ બની છે.

જાહેર વિતરણવ્યવસ્થાનું ધ્યાન ગરીબ પ્રજા પર કેન્દ્રિત કરવાના ઉદ્દેશથી અનાવૃષ્ટિવાળા, રણ અને પર્વતાળ પ્રદેશના તેમજ આદિવાસી વસ્તી ધરાવતા 1752 પછાત ને દૂરવર્તી બ્લૉકમાં આવેલી વાજબી ભાવોની દુકાનોને પુનર્વ્યવસ્થિત કરવાની યોજના સરકારે 1 જાન્યુઆરી 1992થી આરંભી છે. ચા, સાબુ, દાળ, આયોડિનયુક્ત મીઠું – આ સર્વ વધારાની ચીજોનું વિતરણ હાલ રાજ્ય સરકારો આ દુકાનો મારફતે કરી રહી છે. કેન્દ્ર સરકાર આ જાહેર વિતરણ તંત્ર દ્વારા થતા વેચાણ માટે અવારનવાર ઘઉં ને ચોખાનો જથ્થો છૂટો કરે છે. અનાજનો જથ્થો છૂટો કરવાના કેન્દ્ર સરકારના ભાવ કરતાં વાજબી ભાવની દુકાને લેવાતા છૂટક ભાવ કિલોએ 25 પૈસા કરતાં વધુ ન હોય તે જોવાનું રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે.

ગરીબ ન હોય તેવા વર્ગોને જાહેર વિતરણનો લાભ લેતા અટકાવવાના ઉપાયો સરકારે અમલમાં મૂક્યા છે, દા.ત., આવકવેરો ભરનારને, જાહેર અને ખાનગી ક્ષેત્રના પગારદાર નોકરોને, નોંધાયેલા વ્યાપારીઓને, ટેલિફોનધારકોને, વેચાણવેરો ભરનારને, સુખી ને વૈભવી વિસ્તારનાં કુટુંબોને વાજબી ભાવની દુકાનોનો લાભ હવે અપાતો નથી. બીજી રીતે કહીએ તો હવે આ યોજનાનો લાભ ગરીબીરેખાની નીચેના લોકોને જ આપવામાં આવે છે, અન્યને નહિ.

બીજો એક પ્રશ્ન અન્નની જાહેર વહેંચણી માટે કેન્દ્ર સરકારે આપવી પડતી આર્થિક સહાયને કારણે ઉદભવે છે. 1980–81માં આ સહાય રૂ. 650 કરોડની હતી. 1990–91 અને 1991–92 માટે તે રૂ. 2450 કરોડ અને 2850 કરોડ જેટલી અનુક્રમે થઈ છે. 1992–93ના અંદાજપત્રમાં આ માટે રૂ. 2500 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 1993–94ની આ અંગેની અંદાજપત્રીય જોગવાઈ રૂ. 3000 કરોડની હતી. કેન્દ્ર સરકારના 1994–95ના અંદાજપત્રકમાં અન્ન, ફર્ટિલાઇઝર્સ તથા નિકાસ-પ્રોત્સાહન – આ ત્રણેય માટે રૂ. 8,300 કરોડની રકમ સબસિડી તરીકે ફાળવવામાં આવી હતી. 1995–96ના અંદાજપત્રકમાં તે માટે રૂ. 5250 કરોડ જેટલી રકમનો પ્રસ્તાવ હતો. હકીકતમાં અંદાજ કરતાં બમણી રકમ કેન્દ્ર સરકારને અન્નસહાય પાછળ વાપરવી પડે તે બનવાજોગ છે. અન્નસહાયને તદ્દન નાબૂદ કરવાનું શક્ય કે ઇચ્છનીય ન હોય તોપણ એના પર મર્યાદા મૂકવાની જરૂર તો છે જ એવો એક સર્વસામાન્ય અભિપ્રાય અવારનવાર વ્યક્ત થયા કરે છે. રાજકોષીય ખાધને ઘટાડવાની જરૂર હોવાને કારણે આ ને આવા બિનવિકાસલક્ષી જાહેર ખર્ચને ઓછો કરવાનું આવશ્યક બન્યું છે. તે વિના સરકાર ભાવવધારા પર કાબૂ મેળવી શકશે નહિ. ઉપાય તરીકે સરકાર પોષણક્ષમ ખર્ચ કરતાં ઓછા ભાવે ભારતીય અન્ન નિગમ દ્વારા રાજ્ય સરકારોને અપાતા અનાજના જથ્થાની ટોચમર્યાદા નક્કી કરી શકે છે. ઉપરાંત તે એ પણ ઠરાવી શકે છે કે 160 લાખ ટન અનાજના મુકરર જથ્થાની ફાળવણી પર જ આર્થિક સહાય રાજ્યોને મળી શકશે. આથી વધુ અનાજ જાહેર વિતરણ માટે જોઈતું હોય તો રાજ્ય સરકારો પોષણક્ષમ ખર્ચ જેટલા કે બજારમાં પ્રવર્તતા ભાવે તે પ્રાપ્ત કરી શકે છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસે આર્થિક સહાયનું પ્રમાણ ઘટાડવાના બે વિકલ્પો છે : એક તો સરકાર ખેડૂતો પાસેથી નીચા ભાવે ફરજિયાત રીતે અન્ન મેળવી શકે છે. આની સાથે રાજકીય ને વહીવટી મુશ્કેલીઓ જરૂર સંકળાયેલી છે, અથવા બીજા વિકલ્પ રૂપે કેન્દ્ર સરકાર કેન્દ્રીય વહેંચણી માટેના ભાવ (CIP) વધારી શકે છે. તે વાજબી ભાવની દુકાને પ્રવર્તતા છૂટક વેચાણભાવ વધારી શકે છે. આની પ્રત્યક્ષ ને પરોક્ષ અસર ફુગાવાનાં વલણોને વેગ આપે તેવી થવા સંભવ છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ