ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે. પ્રાગ તેનું પાટનગર છે. તે દેશના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલું છે.

નકશો : ચેક પ્રજાસત્તાક

મધ્ય યુરોપમાં આવેલું આ પ્રજાસત્તાક બે પ્રાદેશિક વિસ્તારો(બોહેમિયા અને મોરાવિયા)થી બનેલું છે. બોહેમિયાની સીમા પર્વતોથી ઘેરાયેલી છે, તેમાં બોહેમિયન શિખર-જૂથ આવેલાં છે, તેની વધુમાં વધુ ઊંચાઈ 700 મીટરની છે. તે ચેક પ્રજાસત્તાકનું રમણીય ભૂમિર્દશ્ય રચે છે. બોહેમિયામાં વલટાવા અને એલ્બ નદીઓ તથા મોરાવિયામાં મરેવા નદી પસાર થાય છે. આ નદીઓએ ફળદ્રૂપ થાળાંની રચના કરી છે. અહીંની આબોહવા સમધાત રહે છે. પ્રાગના ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 19.4° સે. અને –1.5° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 483 મિમી. જેટલો પડે છે, જેનાથી વનસ્પતિ ઊગવા માટેના પશુપાલનના તેમજ ગોચરોના અનુકૂળ સંજોગો મળી રહે છે. દેશના કુલ વિસ્તારના 34 % ભાગમાં જંગલો આવેલાં છે. લાકડાં તેની મુખ્ય પેદાશ છે. ખનિજપેદાશોમાં મુખ્યત્વે ખનિજતેલ અને કુદરતી વાયુ તેમજ કોલસો અને લિગ્નાઇટનો સમાવેશ થાય છે. અહીં 2002માં ખનિજતેલનું ઉત્પાદન 18 લાખ બેરલનું તથા કોલસાનું ઉત્પાદન 1.5 કરોડ ટનનું થયેલું. તે પછીના દસકામાં સંચાલનશક્તિના ઘટકોના ઉત્પાદનમાં 2 ટકાનો વધારો નોંધાયો છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, મકાઈ, બટાટા અને સફરજન, શર્કરા-કંદ(sugar beet)નો સમાવેશ થાય છે. યાંત્રિક સામગ્રી, વાહનો તથા તેના પુરજા, લોખંડ-પોલાદ અને સુતરાઉ કાપડના ઉદ્યોગો વિકસ્યા છે. તેમાંથી થતા ઉત્પાદનની નિકાસ થાય છે.

પરિવહનપ્રવાસન : આ દેશમાં મોટરમાર્ગો, ધોરી માર્ગો, રાજ્ય માર્ગો તેમજ અન્ય માર્ગોનો વિકાસ થયેલો છે. સમગ્ર રીતે અહીં 55,422 કિમી. લંબાઈ ધરાવતા માર્ગો આવેલા છે. રેલમાર્ગોની લંબાઈ 9,600 કિમી. જેટલી છે, જેમાં મીટર-ગેજ તથા ઇલેક્ટ્રિક માર્ગોનો સમાવેશ થાય છે. આંતરિક જળમાર્ગોની સુવિધા પણ છે. અહીંના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોમાં પ્રાગ, ઑસ્ટ્રાવા, બ્રુનો મુખ્ય છે. આ ઉપરાંત સંદેશાવ્યવહારની પણ ઉત્તમ સગવડ છે.

આ દેશમાં 332 જેટલાં મ્યુઝિયમો આવેલાં છે. ઐતિહાસિક સ્થાપત્યો પણ જોવાલાયક છે.

દેશની વસ્તી 1.16 કરોડ (2010) જેટલી છે, તે પૈકીના મોટા ભાગના (75 %) લોકો શહેરોમાં વસે છે. અહીંના લોકો ચેક ભાષા બોલે છે અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. વસ્તીનો 94 % હિસ્સો ચેક અને મોરેવિયનોથી બનેલો છે, બાકીની 06 % પ્રજામાં સ્લોવેકિયનો, જર્મનો, જિપ્સી તેમજ અન્ય લોકોનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : 1 જાન્યુઆરી, 1993થી ચેકોસ્લોવેકિયામાંથી છૂટો પડીને નવો સ્વતંત્ર દેશ થયો. એ જ રીતે, ‘સ્લોવાકિયા’ નામથી અલગ દેશની રચના થઈ. જૂન, 1992માં વેક્લાવ ક્લોસ ચેક રીપબ્લિકનો વડોપ્રધાન બન્યો હતો, તે નવા સ્વતંત્ર થયેલા દેશના વડાપ્રધાનપદે ચાલુ રહ્યો. 26 જાન્યુઆરી, 1993ના રોજ ચેક પાર્લમેન્ટે વાત્સલાવ હાવેલને દેશના પ્રમુખ તરીકે ચૂંટ્યો. 1995માં સરકારે નિવૃત્તિની વય વધારવા પેન્શનની પદ્ધતિમાં ફેરફાર કર્યો. આ વર્ષના પ્રથમાર્ધમાં અર્થતંત્રમાં સુધારો થયો. આર્થિક કટોકટીને લીધે તથા પક્ષે 1996ની ચૂંટણીમાં કરેલા કૌભાંડને લીધે ક્લોસને સ્થાને પ્રમુખે જૉસેફ તોસૉવસ્કીને વડોપ્રધાન નીમ્યો. 1997માં દેશના અર્થતંત્રની અવદશા થઈ. કેટલીક મોટી બૅંકો નાદાર થઈ. ભાવો વધ્યા. બેકારી વધી. 2001ના પ્રથમાર્ધમાં દેશના અર્થતંત્રમાં સુધારો થયો. 2002માં આવેલાં પૂરને કારણે પાટનગર પ્રાગનાં મહત્વનાં સ્થળોને નુકસાન થયું. 2002માં થયેલી ચૂંટણીઓ પછી સોશિયલ ડેમૉક્રેટિક પક્ષનો વ્લાદિમિર સ્વિડ્લા વડોપ્રધાન બન્યો. દેશની પશ્ચિમે આવેલા બોહેમિયામાં આવેલાં ભયંકર પૂરથી પુષ્કળ નુકસાન થયું. ફેબ્રુઆરી, 2003માં વેક્લાવ ક્લૉસ પ્રમુખ તરીકે ચૂંટાયો. ચેક રીપબ્લિકના પ્રમુખની ચૂંટણી ત્યાંની પાર્લમેન્ટ કરે છે. 1 મે, 2004ના રોજ ચેક રીપબ્લિક યુરોપિયન યુનિયનનું સભ્ય બન્યું. આ વર્ષે વડાપ્રધાન સ્વિડ્લાએ જૂનમાં રાજીનામું આપવાથી સ્ટેનીસ્લાવ ગ્રોસ વડોપ્રધાન બન્યો; પરંતુ તેણે રાજકીય કટોકટી પેદા થવાથી 25 એપ્રિલ, 2005ના રોજ રાજીનામું આપવું પડ્યું. તેના પછી તેના પ્રધાનમંડળનો સભ્ય જીરી પેરૂબેક વડોપ્રધાન બન્યો. જૂન 2006માં દેશમાં ચૂંટણીઓ યોજાઈ અને ડાબેરી તથા જમણેરી પક્ષોને લગભગ સરખી બેઠકો મળી. આખરે મંત્રણાઓ પછી 4 સપ્ટેમ્બર, 2006ના રોજ સિવિક ડેમૉક્રેટિક પાર્ટીનો મિરેક તોપોલેનેક અન્ય પક્ષોના ટેકાથી વડોપ્રધાન બન્યો; પરંતુ ઑક્ટોબરમાં જ તેની સરકારે સત્તા ગુમાવી. રાજકીય અસ્થિરતા છતાં દેશનો આર્થિક વિકાસ થયો અને વિદેશી મૂડીરોકાણ પણ થયું હતું. જાન્યુઆરી, 2007માં મીરેક તોપોલેનેકે સરકારની રચના કરી. ઑગસ્ટ, 2007માં તોપોલેનેકે આર્થિક સુધારા કર્યા. તેણે આવક-વેરામાં ઘટાડો કર્યો અને વેટ(વેલ્યૂ એડેડ ટૅક્સ)માં ઘટાડો કર્યો. વડાપ્રધાને પોતાના દેશમાં યુનાઇટેડ સ્ટેટ્સને રડાર-સ્ટેશન બાંધવાના સૂચનનો સ્વીકાર કર્યો. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને તે દરખાસ્તનો સખત વિરોધ કર્યો. પાટનગર પ્રાગમાં પણ વિરોધના દેખાવો થયા. 2008માં તોપોલેનેકની સરકારને રાજકીય પીછેહઠનો સામનો કરવો પડ્યો. સ્થાનિક અને ઉપલાગૃહની ચૂંટણીમાં વિરોધીઓને ઘણી બેઠકો મળી. ચેક લોકો યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઍન્ટી-મિસાઇલ રડાર-સ્ટેશન સ્થપાય તેના વિરોધી હતા. 2008માં આર્થિક વિકાસ નબળો થયો અને ફુગાવો વધ્યો. માર્ચ, 2009માં મિરેક તોપોલેનેકની સરકારને રુખસદ આપવામાં આવી. 8મે, 2009ના રોજ જાન ફિશરે વચગાળાના વડાપ્રધાન તરીકે સોગંદ લીધા.

નવી સમવાય સરકારમાં 16 મંત્રીઓ રહ્યા, જેમાં 4 સિવિક ફોરમના, 3 પબ્લિક અગેન્સ્ટ વાયલન્સના, 1 બીજા પક્ષનો તથા 8 સ્વતંત્ર સભ્યો લેવામાં આવ્યા. વાત્સલાવ હાવેલ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયો.

ચૂંટણી તથા સરકારની રચના પછી 1990ના પાછલા દિવસોમાં સ્લોવાકિયામાં હલચલ શરૂ થઈ અને સ્વાયત્તતાના ટેકામાં દેખાવો શરૂ થયા.

સ્લોવાકિયામાં ઘણા લાંબા સમયથી દેશ ઉપર ચેક લોકોનું પ્રભુત્વ રહ્યું છે તેવી લાગણી હતી. આ લાગણીના સંદર્ભમાં જ સમવાય સરકારે પોતાના માટે સંરક્ષણ, વિદેશવ્યવહાર તથા નાણાકીય બાબતો રાખેલી હતી અને બાકીના વિષયોમાં બંને સરકારને સત્તા આપી હતી. આમ છતાં સ્લોવાકિયાનો પ્રશ્ન 1991 તથા 1992માં આગળ વધ્યો.

માર્ચ, 1991માં સ્લોવાકિયાના વડાપ્રધાન વ્લાડીમીર મેસિયારે મૂવમેન્ટ ફૉર ડેમૉક્રેટિક સ્લોવાકિયા નામનું મંડળ સ્વાયત્તતાના ટેકામાં શરૂ કર્યું. આ પછી સિવિક ફોરમમાં પણ ભાગલા પડ્યા. માર્ચ 1991માં સમવાય બંધારણ વિશે સંમતિ ઊભી થઈ જેમાં સમગ્ર દેશને માટે સમવાયતંત્ર નિયત થયું. ચેક અને સ્લોવાક લોકો પોતપોતાના પ્રદેશમાં સાર્વભૌમ અને સમાન રહે પણ સ્વેચ્છાથી જોડાયેલા રહે અને તેમાં નાગરિકો સ્વતંત્ર રીતે પોતાનો અવાજ રજૂ કરે એમ સૂચવવામાં આવ્યું; પરંતુ થોડા જ સમયમાં આ અંગે વિવાદ શરૂ થયો. હાવેલે પ્રમુખ તરીકે લોકમતસંગ્રહ(referendum)નો આગ્રહ રાખ્યો અને તે દ્વારા પ્રશ્નને ઉકેલવાનું સૂચન કર્યું. બીજી તરફ સમવાયતંત્રને બને તેટલું મુક્ત રાખવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો. મોટા ભાગના ચેક લોકો સમવાય ચાલુ રાખવાના મતના હતા.

5-6 જૂન, 1992ના રોજ થયેલી ચૂંટણીએ આ પ્રશ્નને નિર્ણાયક વળાંક આપ્યો. મેસિયારના પક્ષને 34 % જેટલા મત તથા 57 બેઠકો મળી. મેસિયારે ચૂંટણી જંગમાં કરેલો પ્રચાર સફળ નીવડ્યો. બીજી તરફ જે પક્ષો સમવાયની હિમાયત કરતા હતા તેમને 9 % મત તથા 14 બેઠકો મળી. 25 નવેમ્બરના રોજ સમવાય-વિધાનસભામાં બંધારણીય રીતે બંને પ્રજાસત્તાક વચ્ચેના વિઘટનનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે ¾ બહુમતીની જરૂર હતી. માત્ર 3 મતની સરસાઈથી આ નિર્ણય લેવામાં આવ્યો. બન્ને પ્રજાસત્તાકના ક્ષેત્રફળ અનુસાર બંને વચ્ચે 2 : 1ના પ્રમાણમાં અસ્કામતો, લશ્કર વગેરેની વહેંચણી કરવામાં આવી; જોકે બંને પ્રજાસત્તાકે એક જ નાણાવ્યવસ્થા સ્વીકારી. 17 ડિસેમ્બર, 1992ના દિવસે બંને વચ્ચે એકમેકની સાથે સારા પડોશીના સંબંધો રાખવા માટે કરાર કરવામાં આવ્યા. 31 ડિસેમ્બરની મધ્યરાત્રિએ સમવાયતંત્ર સમાપ્ત કરવામાં આવ્યું અને ચેક અને સ્લોવાક પ્રજાસત્તાક અસ્તિત્વમાં આવ્યાં. આમ 74 વર્ષના (1918–1992)ના સંયુક્ત રાષ્ટ્રજીવનનો અંત આવ્યો.

મોટા ભાગના દેશોએ બંનેને તુરત માન્યતા આપી દીધી. સંયુક્ત રાષ્ટ્રોમાં પણ પ્રવેશ અપાયો અને સંયુક્ત સમવાયે આ પહેલાં કરેલા બધા કરારોને માન્ય કરવામાં આવ્યા. જે અદાથી બંને પ્રજાસત્તાક એકમેકથી છૂટાં પડ્યાં તે યુરોપીય ઇતિહાસનો એક અદ્વિતીય પ્રસંગ હતો. આથી તેને ‘મખમલી વિઘટન’ (velvet split) તરીકે ઘટાવવામાં આવ્યું.

રાજકારણ : 1 જાન્યુઆરી, 1993થી ‘મખમલી ક્રાંતિ’ અનુસાર ચેક અને સ્લોવાક પ્રજાસત્તાક તરીકે બે અલગ સાર્વભૌમ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. બંને વચ્ચેની સમજૂતી અનુસાર રાષ્ટ્રીય સંપત્તિ, સ્થાવર-જંગમ મિલકતો વગેરેની વહેંચણી 2:1ના પ્રમાણમાં કરવામાં આવી તે વહેંચણી અનુસાર બે ભાગ ચેક પ્રજાસત્તાકને ફાળે અને એક ભાગ સ્લોવાક પ્રજાસત્તાકને ફાળે ફાળવવામાં આવ્યા. આ ઉપરાંત કેટલીક અન્ય મિલકતોની વહેંચણી માટે ખાસ સમિતિ રચવામાં આવી હતી. લશ્કરના કાર્મિકોને જે તે દેશના લશ્કરમાં જોડાવા અંગે પસંદગી કરવાની છૂટ આપવામાં આવી હતી.

ચેક પ્રજાસત્તાકે બહુ ઝડપથી પાશ્ચાત્યીકરણ સ્વીકાર્યું. 1997માં ચલણની કટોકટી ઊભી થઈ, જેમાં ડૉલરની તુલનામાં ચેક ચલણનું 12 ટકા અવમૂલ્યન કરાયું. 1998 સુધી જૉસેફ તોસૉવસ્કીની રખેવાળ સરકાર કાર્યરત રહી, જે તે દેશની લઘુમતી ધરાવતી સોશિયલ ડેમૉક્રેટિક સરકાર હતી. ચેક પ્રજાસત્તાક 1999માં નાટોમાં જોડાયું. તે મે, 2004માં  યુરોપિયન યુનિયનનું સભ્ય બન્યું. જૂન, 2006ની ચૂંટણી પૂર્વે દેશ સાત મહિના માટે સરકાર વગર ચાલ્યો. જાન્યુઆરી, 2007માં ત્યાં સંયુક્ત સરકારની રચના થઈ.

વોકલાવ હાવેલ નવેમ્બર, 1997 સુધી વડાપ્રધાનના હોદ્દા પર રહ્યા. વર્ષ 2001માં વ્લાદિમિર સ્વિડ્લા વડાપ્રધાન બન્યા. ફેબ્રુઆરી, 2003માં વોકલાવ હાવેલ ચેક સંસદ દ્વારા પ્રમુખ ચૂંટાયા. તે પછી સંસદની ચૂંટણીઓ વર્ષ 2006માં ચૂંટણી-પરિણામોની સ્પષ્ટ બહુમતીની અનિર્ણાયકતાને કારણે 7 મહિનાની રાજકીય મડાગાંઠ ઊભી થઈ અને જાન્યુઆરી, 2007માં ત્રણ પક્ષોની સંયુક્ત સરકાર રચવામાં આવી. વોકલાવ હાવેલ ચેક પ્રમુખ ચૂંટાયા અને મિરેક તોપોલેનેક વડાપ્રધાન બન્યા.

ચેક પ્રજાસત્તાકની ધારાસભા નૅશનલ ઍસેમ્બ્લી છે, જેમાં તેનું નીચલું ગૃહ ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝ 200 સભ્યોનું બનેલું છે. આ સભ્યો પ્રજા દ્વારા ચાર વર્ષ માટે પ્રમાણસર પ્રતિનિધિત્વના ધોરણે ચૂંટાય છે. તેનું ઉપલું ગૃહ સેનેટ છે, જેમાં 81 સભ્યો હોય છે. આ ગૃહ કાયમી ગૃહ છે અને દર બે વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય અને એટલા સભ્યો નવા ઉમેરાય છે. ચેક પ્રમુખ પાંચ વર્ષ માટે બંને ગૃહો દ્વારા ચૂંટાય છે. તેમની વય 40થી વધુ હોવી જોઈએ. નીચલા ગૃહના અધ્યક્ષના સૂચનથી પ્રમુખ વડાપ્રધાનના ઉમેદવારનું નામ રજૂ કરે છે. તે ઉમેદવારને ગૃહની બહુમતી મળે તો તે વડાપ્રધાન બને છે. સામાન્ય રીતે વડાપ્રધાનની ઉમેદવારી બાબતે ખાસ કોઈ મતભેદ સર્જાતા નથી.

અદાલતી કાર્યો માટે ચેક પ્રજાસત્તાક સર્વોચ્ચ અદાલત ધરાવે છે અને ન્યાય-મંત્રાલય હેઠળ અદાલતી કાર્યો માટેનો શ્રેણીસ્તૂપ (hierarchy) કામ કરે છે. આ અદાલતી શ્રેણીસ્તૂપ જિલ્લાકક્ષા, પ્રાદેશિક કક્ષા અને છેલ્લે પ્રજાસત્તાક કક્ષા  એમ ત્રણ સ્તર ધરાવે છે. કાયદાના અર્થઘટનનું કાર્ય સર્વોચ્ચ અદાલતને ફાળે છે. સર્વોચ્ચ અદાલત નીચલી અદાલતોને સલાહ-સૂચન આપી શકે છે યા તેમનું માર્ગદર્શન કરી શકે છે. તેની નૅશનલ કાઉન્સિલ દ્વારા ન્યાયાધીશોની આજીવન નિમણૂક કરવામાં આવે છે. આ દેશમાં ફાંસીની સજા રાખવામાં આવી નથી.

ચેક પ્રજાસત્તાક યુનેસ્કોની વિશ્વ-વિરાસત યાદી મુજબ 11 વિરાસત-સ્થાનો ધરાવે છે.

વોકલાવ હાવેલની ફરીથી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી અને વાત્સલાવ ક્લાઉઝને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. ‘ચેક પ્રજાસત્તાકના ગાંધી’ તરીકે ઓળખાતા આ વોકલાવ હાવેલને ભારતે 2003ના વર્ષનો મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર પ્રદાન કર્યો છે (જુઓ : હાવેલ વોકલાવ, ખંડ 25). સ્લોવાક પ્રજાસત્તાકમાં મિહાલ કોવાક પ્રમુખપદે આવ્યા અને વ્લાડિમિર મેસિયાર વડાપ્રધાન તરીકે ચાલુ રહ્યા.

ચેક પ્રજાસત્તાક મુખ્યત્વે ઉદ્યોગપ્રધાન છે, જ્યારે સ્લોવાક પ્રજાસત્તાક કંઈક પછાત રહ્યું છે, બંનેમાં સંસદીય લોકશાહી સ્વીકારવામાં આવી છે.

બીજલ પરમાર

દેવવ્રત પાઠક

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ