ચિત્રદર્શનો

January, 2012

ચિત્રદર્શનો (1921, પ્રથમ આવૃત્તિ) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામે વિવિધ પ્રસંગોએ આલેખેલાં ઓગણીસ શબ્દચિત્રોનો લેખસંગ્રહ. અત્યાર સુધીમાં તેની અનેક આવૃત્તિઓ અને પુનર્મુદ્રણો થયાં છે. આ શબ્દચિત્રોમાં કેટલાંક ઐતિહાસિક, કેટલાંક કાલ્પનિક, કેટલાંક મનુષ્યરત્નોનાં, કેટલાંક પ્રસંગનાં અને કુદરત કે કલાની વિશેષતાનાં પણ છે. સચ્ચાઈ અને વિવેક વિશે પણ કવિ સભાન છે. લોકોત્તર રમણીયતાનાં ગુણકીર્તન એટલે પ્રગટ પ્રભુતાનું અર્ચન એવી કવિની ભાવના છે.

‘ગુજરાત’ ને ‘કાઠિયાણીનું ગીત’ એ 2 ગીતો છે. ‘શરદપૂનમ’, ‘ચારુ વાટિકા’, ‘કુલયોગિની’, ‘તાજમહેલ’ અને ‘ગુર્જરીકુંજો’ છંદોબદ્ધ કાવ્યો છે. ‘સૌભાગ્યવતી’, ‘નવયૌવના’, ‘રાજવીર’, ‘શ્રાવણી અમાસ’, ‘બ્રહ્મદીક્ષા’, ‘ગુરુદેવ’ અને ‘સૌરાષ્ટ્રનો સાધુ’ કવિએ પ્રયોજેલી ડોલનશૈલીની રચનાઓ છે. જ્યારે ‘શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડ’, ‘મહર્ષિ દયાનંદ સરસ્વતી’, ‘કલાપીનો સાહિત્ય દરબાર’ અને ‘ગુજરાતણ’ ગદ્યમાં લખાયેલાં છે.

ગુર્જરીકુંજોનાં પરાગ અને સુવાસ અન્યત્ર નથી એમ કહેનાર કવિનો ગુજરાતપ્રેમ ‘ગુજરાત એક ઐતિહાસિક કાવ્ય’, ‘ગુર્જરીકુંજો’, ‘ગુજરાતણ’ જેવી પ્રાંતવિષયક રચનાઓમાં ઉત્કટ રીતે ઝિલાયો છે. ઉપરાંત મહારાજ સયાજીરાવ, મહર્ષિ દયાનંદ સરસ્વતી અને અમૃતલાલ પઢિયાર જેવાનાં વ્યક્તિચિત્રો પણ ત્રણેયના જીવનકાર્યને કવિએ આપેલી અંજલિ છે. ‘ગુજરાત’ અને ‘ગુર્જરીકુંજો’માં – ‘ગુજરાતનાં ઇતિહાસ-ભૂગોળ સાથે પ્રકૃતિશોભા, નગરો, જનપદ, માનવવિભૂતિઓ, તીર્થો વગેરેનું ભાવછલકતું મહિમાગાન મળે છે.

‘ચારુવાટિકા’માં પણ નાઘેર અને ચોરવાડની પ્રકૃતિશ્રીને અંજલિ આપતા કવિની વતનભક્તિનાં દર્શન થાય છે. લીલીનાઘેરને હિંદ દેવીની સુભગ ઢળકતી સાડીની કોરની તથા સાગરનાં ફીણમોજાંમાં ‘જલનટડી’ના દર્શનની મનોહર કલ્પના મળે છે. તેમાં આસપાસની ભૂગોળ, ત્યાંના સાગરખેડુઓ અને સ્ત્રીઓ તથા અમૃતલાલ પઢિયાર જેવા માનવવિશેષોની માહિતી સાંપડે છે. આ કાવ્યમાં સ્રગ્ધરા છંદમાં પદાવલિની લયલીલાની છટા દ્વારા જલ-લીલાના સૌન્દર્યનું ચિત્ર અનુપમ છે.

‘કુલયોગિની’ અને ‘પિતૃતર્પણ’ કુટુંબભાવની કૃતિઓ છે. ‘અન્ધારી રાત્રિમાં મ્હારી અમીનો પૂર્ણ ઇન્દુ તું’ કહેનાર કવિએ સમગ્ર કાવ્યમાં પત્નીમાં આદર્શ ગૃહિણીનાં દર્શન કર્યાં છે. ‘પિતૃતર્પણ’માં કવિપુત્રે ગંભીરઘોષી પ્રાસબદ્ધ અનુષ્ટુપમાં પિતા દલપતરામનાં કાર્યો અને સદગુણોને ભક્તિભાવપૂર્ણ અંજલિ આપી છે. પિતાને અણસમજમાં દૂભવ્યાનો પશ્ચાત્તાપ સ્નેહાર્દ્રવાણીમાં વ્યક્ત કર્યો છે. શોકસંતપ્ત અને અપરાધભાવ અનુભવતા પુત્રે કરેલો એકરાર :

ખીજ્વ્યા પજવ્યા પૂરા, કુમળું દિલ કાપિયું

ને ત્હમારા દિનો છેલ્લા ઝેર કીધા; સહુ ગયું.

‘ગુજરાતનો તપસ્વી’ કર્મવીર મહાત્મા ગાંધીને સમર્થ પ્રતિભાશાળી કવિએ પચાસમી જન્મજયંતી પ્રસંગે અર્પેલી ઉત્સાહભરી ભવ્ય અંજલિ છે. ગાંધીનાં સાધુતા અને સેવાયોગ પ્રત્યે આદરભાવ દર્શાવી સાથે કસ્તૂરબાની પણ પ્રશસ્તિ ગાઈ છે.

અન્ય વ્યક્તિવિશેષોને સારુ લખાયેલાં અંજલિકાવ્યોમાં ‘ગુરુદેવ’ કાશીરામ દવે પ્રત્યેનો ભક્તિભાવ દર્શાવે છે. ‘સૌરાષ્ટ્રનો સાધુ’ અમૃતલાલ પઢિયાર પ્રત્યેના પ્રેમાદર અને મૈત્રીભાવને નિરૂપતું કાવ્ય છે. આ બંને કરુણપ્રશસ્તિ કાવ્યોના વર્ગમાં મુકાય તેવાં છે. ‘શ્રાવણી અમાસ’ અને ‘બ્રહ્મદીક્ષા’ અનુક્રમે ભાઈની બીમારી અને મૃત્યુનાં કાવ્યો છે.

મુગ્ધપ્રેમ અને દામ્પત્યપ્રેમની રચનાઓમાં ‘શરદપૂનમ’ દામ્પત્યના ભાવને વ્યાપક ફલક પર નિરૂપતું રમણીય કાવ્ય છે. કવિના ભાવવિશ્વમાં પ્રકૃતિ-સૌંદર્યનું સ્થાન અનોખું છે. નાયિકા(ઉપમાન)ના હૃદયમાં વિકસતા જતા સ્નેહના ઉલ્લાસને ચંદ્રોદય(ઉપમેય)થી મધ્યાકાશે પહોંચેલા ચંદ્રના વર્ણન દ્વારા કવિએ આલેખ્યો છે. સંધ્યાના મહા આરે ઊગતી પૂર્ણિમાને સુંદરીનું રૂપક આપીને કવિ કહે છે :

લજ્જાનમેલું નિજ મન્દ પોપચું

કો મુગ્ધ બાલા શરમાતી આવરે

ને શોભી રહે નિર્મલ નેનની લીલા,

એવી ઊગી ચન્દ્રકલા ધીરે ધીરે.

‘નવયૌવના’ અને ‘સૌભાગ્યવતી’ પણ સજીવ બાનીમાં ઊપસેલાં મુગ્ધપ્રેમ અને દામ્પત્યસ્નેહનાં મનોહર શબ્દચિત્રો છે. કવિની ર્દષ્ટિએ ‘તાજમહેલ’ દામ્પત્યપ્રેમનો મહિમા ગાતું ચિરસ્મરણીય પ્રતીક છે. કવિએ આલેખેલું શબ્દચિત્ર જુઓ :

પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી,

પ્રેમની જોગણ કો જુએ વ્હાલાની વાટડી.

‘કાઠિયાણીનું ગીત’ ગીરનું જંગલ, ભાદર નદી, ચારણોના નેસ, લાંબા પંથ અને ગિરનાર સાથે કાઠિયાણી અને તેનો કંથ ઇત્યાદિ ગતિશીલ ચિત્રોથી અનુભવાતી મૂર્તતા અને અર્થપૂર્ણ અલંકારોથી કવિની સર્ગશક્તિને પ્રગટ કરતું નોંધપાત્ર ગીત બન્યું છે.

જયંત ગાડીત