ચિત્રકાવ્યબંધોદય

January, 2012

ચિત્રકાવ્યબંધોદય : અઢારમી શતાબ્દીના વિખ્યાત ઊડિયા કવિ ઉપેન્દ્ર ભંજની વિશિષ્ટ પ્રકારની કાવ્યરચનાનો સંગ્રહ. તેમના કાવ્યસંગ્રહ ‘ચિત્રકાવ્ય’માં 84 સચિત્ર કાવ્યોનો સમાવેશ થાય છે. ચિત્રકાવ્ય ‘બંધકવિતા’ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાવ્યના રચયિતાએ પોતે દોરેલા ચિત્રના ચોકઠાની મર્યાદામાં જ કવિતાની રચના કરવાની હોય છે. કવિતાની રચના કરતાં પહેલાં કવિ ચિત્રની આછી રૂપરેખા દોરે અને તે પછી એ રીતે તૈયાર થયેલ ચોકઠાને જુદા જુદા નાના નાના ચોરસ કે વર્તુળોમાં વિભાજિત કરે અને પછી પોતાની યોજના મુજબ કવિતાના અક્ષરો ગોઠવે. કવિતા સમજવા માટે વાચકે પ્રથમ તો કવિની ચિત્રયોજના ધ્યાનમાં લેવી પડે અન્યથા તે શબ્દરચનાના કોયડારૂપ લાગવાનો સંભવ છે.

ઉપેન્દ્ર ભંજની આ નાની નાની રચનાઓ વિવિધ ચિત્રોનાં ચોકઠાંમાં ગોઠવાયેલી છે. દા. ત., કમળ, મંદિર, મકાન, ચક્ર, રથ, મત્સ્ય, સર્પ, પ્રવેશદ્વાર, બારી, છત્ર, પાલખી, લતા, વિવિધ શસ્ત્રો, વાજિંત્રો, અલંકારો તથા રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે ગાડું, છત્રી, હળ, પલંગ વગેરે. બંધકવિતા અથવા ચિત્રકાવ્યના આ નમૂના(model)ને અનુસરીને મધ્યયુગના ઘણા કવિઓએ ચિત્રકાવ્યની રચના કરેલી છે. મમ્મટાચાર્ય ચિત્રકાવ્યને અધમ કાવ્ય કહે છે. કિરાતાર્જુનીયમ, શિશુપાલવધ વગેરેમાં આવાં ચિત્રકાવ્યો છે.

જાનકીવલ્લભ મોહન્તી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે