ચટ્ટોપાધ્યાય, કમલાદેવી

January, 2012

ચટ્ટોપાધ્યાય, કમલાદેવી (જ. 4 એપ્રિલ 1903, મેંગલોર; અ. 29 ઑક્ટોબર 1988, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, નાટકોનાં નિર્માતા, મહિલા આગેવાન. તેમના પિતા ચેન્નાઈ (તમિલનાડુ) મુલકી સેવામાં ઉચ્ચ હોદ્દા પર હતા અને કાકા એક અગ્રગણ્ય વકીલ હતા. તેમણે કૅથલિક કૉન્વેન્ટ અને સેન્ટ મેરી કૉલેજ, મેંગલોર ખાતે શિક્ષણ લીધું હતું તથા બેડફર્ડ કૉલેજ તેમજ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ કરી ‘ડિપ્લોમા ઇન સોશિયૉલૉજી’ની પદવી પ્રાપ્ત કરી હતી.

કમલાદેવી ચટ્ટોપાધ્યાય

તેમનાં લગ્ન નાની વયમાં થયાં હતાં અને શાળામાં ભણતાં હતાં ત્યારે વિધવા થયેલાં, પરંતુ પાછળથી સમાજનાં બંધનો ફગાવી દઈને હરિન ચટ્ટોપાધ્યાય સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. તેમણે પતિ સાથે યુરોપના અનેક દેશોનો બહોળો પ્રવાસ ખેડી, રંગમંચના તત્કાલીન પ્રવાહો તથા નાટ્યનિર્માણની કલાનો ઊંડો અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા પછી તેમણે પતિના સાથસહકારથી અનેક કલાત્મક અને પ્રયોગશીલ નાટકોનું નિર્માણ કર્યું અને તેમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી ભારતીય રંગભૂમિના પાયાના ઘડવૈયા તરીકે નામના મેળવી હતી.

કમલાદેવીના વ્યક્તિત્વ પર ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ તથા કસ્તૂરબાના વિચાર અને વ્યક્તિત્વનો ઊંડો પ્રભાવ હતો. તેમણે સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લીધો હતો. ઇંગ્લૅન્ડ ખાતે ભણતાં હતાં ત્યારે અસહકારની લડતમાં જોડાવા માટે તેમણે ભણતરને તિલાંજલિ આપી અને તેરાવાડા, બેલગાંવ અને વેલોરની જેલોમાં કારાવાસ ભોગવ્યો. પછી અનેક વાર જેલયાત્રા કરી. સ્વાતંત્ર્ય ચળવળ વેળા તે સ્ત્રી સેવાદળનાં કમાન્ડર-ઇન-ચાર્જ હતાં. કર્ણાટકના યુવાનોમાં તેમણે રાષ્ટ્રસેવા, ત્યાગ અને બલિદાનની ભાવના જન્માવી. ભારતની જમીન સંબંધી સમસ્યાઓમાં ઊંડો રસ દાખવ્યો અને 1948માં દાખલ કરવામાં આવેલ જમીનસુધારાથી અસંતુષ્ટ થઈ કૉંગ્રેસ સમાજવાદી પક્ષમાં જોડાયાં અને ખૂબ ટૂંકા ગાળામાં પ્રખર સમાજવાદી નેતા તરીકે ઊપસી આવ્યાં. અનેક શ્રમસંસ્થાઓનાં ઉત્થાન માટે તેમણે ભારે સંઘર્ષ ખેડેલો. તેમણે નિર્વાસિતોને સંગઠિત કરીને તેમના માટે ફરીદાબાદ નજીક ટાઉનશિપ ઊભી કરી હતી.

કમલાદેવી સ્ત્રીસ્વાતંત્ર્ય ચળવળનાં અગ્રણી નેતા હતાં. દેશના ખૂણે ખૂણે પ્રવાસો ખેડી, વ્યાખ્યાનો આપી, ભારતીય નારીની નવી પેઢીને પ્રોત્સાહિત કરી; તેના ફળસ્વરૂપે ‘ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ’ની પ્રવૃત્તિઓને વેગ મળ્યો. ખાદીનાં તે અનન્ય ભક્ત હતાં. સફેદ ખાદીને તેમણે સુંદરતા અને શાલીનતા બક્ષી. ભારતની મૃતપ્રાય થતી જતી હસ્તકલામાં ઊંડો રસ દાખવી તેને પુનર્જીવિત કરી અને તેના ચાહક તરીકે અનેક લેખો લખ્યા.

કમલાદેવીએ જાહેર જીવનમાં રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક હોદ્દા શોભાવ્યા હતા. 1946થી 1949 સુધી તે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિનાં સભ્ય હતાં તેમજ તેની વર્કિગ કમિટીનાં પણ સભ્ય હતાં. તે ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સનાં ઑર્ગેનાઇઝિંગ સેક્રેટરી, વાઇસ પ્રેસિડન્ટ અને પછી પ્રેસિડન્ટ પણ બન્યાં હતાં. તે નૅશનલ થિયેટર તથા એશિયન થિયેટર ઇન્સ્ટિટ્યૂટનાં સ્થાપક પ્રેસિડન્ટ હતાં અને સંગીત નાટક અકાદમીના ફેલો નિમાયાં હતાં. વળી ઑલ ઇન્ડિયા હૅન્ડિક્રાટ્સ બોર્ડ, ઑલ ઇન્ડિયા ડિઝાઇન્સ સેન્ટર, નૅશનલ સેન્ટર ફૉર કલ્ચરલ રિસોર્સ ઍન્ડ ટ્રેનિંગ, ચિલ્ડ્રન બુક ટ્રસ્ટ ઍન્ડ ડૉલ્સ મ્યુઝિયમ, ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ વગેરે અનેક સંસ્થાઓનાં ચૅરપર્સન હતાં. નૅશનલ કમિશન ફૉર કો-ઑપરેશન વિથ યુનેસ્કો, નૅશનલ ઍડવાઇઝરી બોર્ડ ફૉર ઇન્ડસ્ટ્રીઝ, નૅશનલ કમિટી ફૉર પર્સ્પેક્ટિવ પ્લાનિંગ ફૉર એજ્યુકેશન વગેરે સંસ્થાઓનાં તે સક્રિય સભ્ય હતાં.

કમલાદેવીએ લગભગ 10 જેટલાં પુસ્તકો લખ્યાં હતાં; તેમાં ‘ઇન્ડિયન કાર્પેટ્સ ઍન્ડ ફ્લોર કવરિંગ્ઝ’, ‘મૅજિક ઑવ્ ઇન્ડિયન ક્રાફટ્સ’, ‘ટૉઅર્ડ્ઝ એ નૅશનલ થિયેટર’, ‘અવેકનિંગ ઑવ્ ઇન્ડિયન વુમનહૂડ’, ‘ઇન વૉર-ટૉર્ન ચાઈના’, ‘અમેરિકા — ધ લૅન્ડ ઑવ્ સુપરલેટિવ્ઝ’, ‘સોસાયટી ઍન્ડ સોશિયાલિઝમ’, ‘હેન્ડિક્રાટ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ઍટ ધ ક્રૉસરોડ્ઝ’ અને ‘જાપાન’નો સમાવેશ થાય છે.

પદ્મભૂષણ, વાટુમલ ઍવૉર્ડ, મૅગ્સાઇસાઇ એવૉર્ડ ફૉર કમ્યૂનિટી લીડરશિપ વગેરે અનેક ઍવૉર્ડથી તે વિભૂષિત હતાં.

મહેશ ચંપકલાલ શાહ