ચંદ્રકાન્ત

January, 2012

ચંદ્રકાન્ત (1891) : વાર્તારૂપે સરળ અને રસપ્રદ ર્દષ્ટાન્તો દ્વારા વેદાન્ત તત્વજ્ઞાનની સમજૂતી આપતો હિંદુ ધર્મનો બૃહદ્ ગ્રંથ. કર્તા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853–1912). આ ગ્રંથના ત્રણ ભાગ છે. સમગ્ર વિષયનું વિભાજન નીચે મુજબ સાત પ્રવાહમાં કરવામાં આવ્યું છે : (1) પુરુષાર્થ : તેમાં સમયે સમયે ઊઠતા તરંગી સંશયોનું નિરાકરણ ગુરુશિષ્યસંવાદ રૂપે કરેલું છે. (2) ચૈતન્ય : તેમાં જ્ઞાનમાર્ગે ચડવા માટેનો ક્રમ દર્શાવ્યો છે. પરમતત્વને કેવી રીતે પામી શકાય તેની સમજ આપેલી છે. (3) પર્યટન – અચ્યુતપદારોહણ : તેમાં પરમધામને પામવા માટે જિજ્ઞાસુને કેવાં સંકટો વેઠવાં પડે છે તે સમજાવ્યું છે. ષડરિપુ અને વિકારોથી જીવની સ્થિતિ કેવી દયાજનક થાય છે તેનું વર્ણન છે. (4) પર્ણકુટીરહસ્ય : ઋષિમુનિઓનાં તપ, આચાર ઇત્યાદિનું વર્ણન ઉપરાંત કૃષ્ણાદિ અવતારોનું રહસ્ય અને શાસ્ત્રોને – વિશેષત: શ્રીમદભાગવતના દશમસ્કંધ અને શ્રીમદભગવદગીતાને સમજવાની કૂંચી આપી છે. (5) અભ્યાસ-યોગ : શાસ્ત્રો અને સદગુરુનાં વચનોનું રહસ્ય સમજ્યા પછી પરમાત્માને પામવા માટે કેવો યોગ ફળદાયી નીવડે તે સમજાવતાં પરમાત્માને પામવા માટે જરૂરી યોગાભ્યાસનું નિરૂપણ છે. (6) જીવન્મુક્તિ : જીવન્મુક્ત સ્થિતિનું નિરૂપણ. જીવન્મુક્તિ શી રીતે પ્રાપ્ત થાય તેનું માર્ગદર્શન આપ્યું છે. (7) પરમધામ : પરમધામ – અક્ષરધામનું વર્ણન. ત્યાંનાં ઐર્શ્વર્ય અને પ્રતાપ, કૈવલ્યદશા પ્રાપ્ત થતાં આત્માની સ્થિતિ, પરમાત્માનું નિત્યમુક્ત સ્વરૂપ વગેરેનું વર્ણન.

હિંદુ સમાજ પર ચંદ્રકાન્ત ભા. 1, 2, 3નો પ્રભાવ વીસમી સદીના ચારેક દાયકા સુધી રહ્યો હતો. 1985 સુધીમાં આ ગ્રંથના પ્રથમ ભાગની 18, બીજા ભાગની 15 અને ત્રીજા ભાગની 13 આવૃત્તિઓ પ્રગટ થયેલી છે. 1985માં ત્રણે ભાગની છેલ્લી આવૃત્તિ પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ તરફથી પ્રગટ થયેલ છે. આ ગ્રંથના હિન્દી અને મરાઠી ભાષામાં અનુવાદ થયેલા છે.

ધીરુભાઈ ઠાકર