ગ્રહવર્મા : કાન્યકુબ્જ(કનોજ)ના મૌખરિ વંશનો રાજવી. થાનેશ્વરના રાજવંશ સાથે મૌખરિ વંશની મૈત્રી હતી. થાનેશ્વરના પ્રતાપી રાજા પ્રભાકરવર્ધનને રાજ્યશ્રી નામની કુંવરી હતી. અનેક રાજકુલો તરફથી એનાં માગાં આવતાં હતાં. આમાંથી મૌખરિ રાજા અવંતિ વર્મા (ઈ. સ. 576–600)ના પુત્ર ગ્રહવર્માની પસંદગી કરવામાં આવી હતી. આ સંબંધને કારણે બંને રાજકુટુંબો વચ્ચે ગાઢ સંબંધ વિકસ્યો હતો.

રાજપુત્ર રાજ્યવર્ધન કવચ ધારણ કરતો થયો ત્યારે થાનેશ્વરના પ્રભાકરવર્ધને તેને હૂણોને પરાસ્ત કરવા ઉત્તરાપથમાં મોકલ્યો. એને વળાવવા ગયેલો એનો નાનો ભાઈ હર્ષવર્ધન મૃગયા ખેલવા રોકાયો એ અરસામાં પ્રભાકરવર્ધન ગંભીર માંદગીમાં સપડાયો. સમાચાર મળતાં જ એ તાબડતોબ રાજધાનીમાં પાછો ફર્યો. માતા મહાદેવી યશોમતીએ પતિ જીવતાં અગ્નિપ્રવેશ કર્યો. એ પછી પ્રભાકરવર્ધન મૃત્યુ પામ્યો. આ સમાચાર મળતાં તરત જ માલવરાજે કનોજ પર આક્રમણ કર્યું, ગ્રહવર્માને હણી નાખ્યો અને રાજ્યશ્રીને કેદ કરી લીધી.

કે. કા. શાસ્ત્રી