ગે-લુસાકનો સિદ્ધાંત

February, 2011

ગે-લુસાકનો સિદ્ધાંત : એકબીજા સાથે સંયોજાતા વાયુઓ અંગેનો નિયમ. જ્યારે વાયુઓ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા અને પરિણામે ઉદભવતા વાયુઓના કદનાં પ્રમાણ સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. આ રીતે નાઇટ્રોજન (1 કદ), હાઇડ્રોજન (3 કદ) સાથે જોડાઈને એમોનિયા (2 કદ) આપે છે; હાઇડ્રોજન (2 કદ), ઑક્સિજન (1 કદ) સાથે જોડાઈને પાણીની બાષ્પ (H2O) આપે છે તથા નાઇટ્રોજન (1 કદ), ઑક્સિજન (1 કદ) સાથે જોડાઈને નાઇટ્રિક ઑક્સાઇડ (NO) આપે છે. આ બધી પ્રક્રિયા નિશ્ચિત તાપમાન તથા દબાણે કરવામાં આવે છે.

આ નિયમ લગભગ સાચો છે તથા માત્ર આદર્શ વાયુઓ (ideal gases) માટે જ તે સાચો ગણી શકાય છે. નિયમમાં જે અલ્પ અપવાદો જણાય છે તે વાયુની વિવિધ દબનીયતા(compressibility)ને લીધે તથા એકસરખાં તાપમાન કે દબાણ ધ્યાનમાં ન લેવાને લીધે જણાય છે.

આ નિયમ 1808માં ગે-લુસાકે પ્રસ્થાપિત કર્યો હોઈ તેના નામ સાથે સંકળાયેલો છે.

જ. પો. ત્રિવેદી