ગુરુમુખી : પંજાબમાં બોલાતી તથા લખાતી લિપિ. આ લિપિ ઉત્તર ભારતમાં પ્રચલિત શારદા તથા ટાકરી લિપિઓ દ્વારા પ્રચલિત બની. પંજાબમાં ધર્મગુરુઓ દ્વારા એનો ઉપયોગ થતો હોવાથી એને ‘ગુરુમુખી’ નામ મળ્યું. ‘ગુરુમુખી’ લિપિ નામનો દુરુપયોગ છે. શીખ-ગુરુઓ દ્વારા આ લિપિ યોજવામાં આવી નથી.

અદ્યતન સંશોધકોએ સાબિત કર્યું છે કે વિખ્યાત સૂફી કવિ બાબા ફરીદ શકરગંજે નોંધપાત્ર પ્રાવીણ્યથી આ લિપિમાં લખ્યું ત્યારે બારમી સદીમાં પંજાબી ભાષાનો સારો એવો વિકાસ થયો હતો. આ વિકસેલી ભાષાએ તેની પોતાની લિપિ યોજી હોવી જોઈએ. બીજા શીખગુરુ ગુરુ અંગદદેવ દ્વારા આ લિપિ દાખલ કરવામાં આવી હતી તે માન્યતા ખોટી છે. ગુરુ અંગદ કરતાં ઘણા વખત અગાઉ પ્રથમ શીખ ગુરુ નાનક તેમની ‘પટ્ટી’ અથવા ગુરુમુખી લિપિની આજે પ્રવર્તમાન ઉચ્ચાર સાથે તમામ પાંત્રીસ અક્ષરોવાળી એક વર્ણમાળાની રચના કરી હતી. તેનું સ્વરૂપ પૂર્ણત: વ્યવસ્થિત નહોતું. તેને વ્યવસ્થિત કરીને આધુનિક રૂપ ગુરુ અંગદે આપ્યું. ગુરુમુખી લિપિમાં રચાયેલી બૃહદરચના ‘ગુરુગ્રંથ સાહિબ’માં તત્કાલીન ભારતના અનેક સંતોની રચનાઓનું સંકલન કરવામાં આવ્યું છે. તેમાં શેખ ફરીદ, કબીર, રવિદાસ, પીપા, જયદેવ, નામદેવ, દયારામ ઉપરાંત શીખગુરુ નાનકથી માંડીને દશમા ગુરુ ગોવિંદસિંઘ સુધીના સંતોની વાણી છે. ‘ગુરુગ્રંથસાહિબ’ની લિપિ ગુરુમુખી છે, પણ તેનું ભાષાસ્વરૂપ સધુક્કડી ભાષાની વધારે નજીક છે. આધુનિક સાહિત્યિક પંજાબી ભાષાની લિપિ પણ ગુરુમુખી છે. પણ ભાષાનું સ્વરૂપ વિધારે વિકસિત તથા સુવ્યવસ્થિત છે. પરિણામે સધુક્કડી ભાષાથી એ રૂપ ભિન્ન થઈ ગયું છે.

પંજાબી વર્ણમાળા સરળ, ઓછા અને પંજાબી ભાષા માટે સૌથી વધુ યોગ્ય છે. ગુરુ નાનકે તેમના ધર્મગ્રંથ માટે ગુરુમુખી લિપિનો ઉપયોગ કર્યો અને ગુરુ અંગદ તથા અન્ય શીખગુરુઓ તેમને અનુસર્યા અને તેને શ્રેષ્ઠ તરીકે પ્રોત્સાહન આપ્યું અને પરિણામે તેને ‘ગુરુમુખી’ એવી હાલની પારિભાષિક સંજ્ઞાઓ પ્રાપ્ત થઈ.

પ્રમીલા મલ્લિક