ગિબ્ઝ, વિલિયમ ફ્રાંસિસ (જ. 24 ઑગસ્ટ, 1886 ફિલાડેલ્ફિયા; અ. 6 સપ્ટેમ્બર 1967, ન્યૂયૉર્ક) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન માલવાહક જહાજોના મોટા પાયા પરના ઉત્પાદન ઉપર દેખરેખ રાખનાર નૌ-સ્થપતિ અને સમુદ્રી ઇજનેર.

1913માં પિતાને ખુશ કરવા તેઓ હાર્વર્ડ અને કોલંબિયામાં કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા પણ પ્રથમ અને એકમાત્ર કેસ જીત્યા પછી તેમણે તે ધંધો છોડી દીધો. નૌ-સ્થાપત્યમાં રસ પડતાં એક વર્ષ માટે એકાંતમાં રહી અભ્યાસ કર્યો અને પોતાના ભાઈ ફ્રેડરિક સાથે ભાગીદારીમાં જોડાઈ પારઆટલાન્ટિક (transatlantic) જહાજની ડિઝાઇન તૈયાર કરી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે અમેરિકન સરકાર માટે જહાજોની ડિઝાઇન તૈયાર કરવાનું કામ કર્યું. 1927માં તેમણે ‘મેલોલો’ નામના જહાજની ડિઝાઇન તૈયારી કરી, જેનાં અનેક જળચુસ્ત ખાનાંઓને લીધે તે અપવાદરૂપ વધુ સલામત અવયવ ધરાવતું બન્યું હતું. પ્રથમ અખતરારૂપ સફરે તે ઊપડ્યું ત્યારે અથડાઈ પડવાથી તેના કાઠા(hull)માં ગાબડું (gash) પડવા છતાં તેનો બચાવ થવાથી આ ડિઝાઇન પ્રમાણભૂત ગણાઈ છે.

વિલિયમ ફ્રાંસિસ ગિબ્ઝ

1933માં ગિબ્ઝે અમેરિકન નૌકાદળ માટે ડૅનિયલ હાર્ગેટ કૉક્સ સાથે ઊંચા દબાણ અને તાપમાન ધરાવતી ઉચ્ચ ક્ષમતાની ટર્બાઇનવાળી ડિસ્ટ્રૉયરો માટેની ડિઝાઇન તૈયાર કરવાનું શરૂ કર્યું. 1940માં તેમણે મોટે પાયે ઉત્પાદન થઈ શકે તેવાં ભારવાહક જહાજોની ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું. તેમણે સામાન્ય રિવાજથી અલગ પડીને જહાજના જુદા જુદા ભાગો જુદી જુદી જગાએ બનાવી તેમને એક જગાએ એકત્રિત કરી વહાણ બનાવવામાં આવે તો ચાર વર્ષમાં બંધાતું વહાણ ચાર દિવસમાં બાંધી શકાય તેમ પુરવાર કર્યું.

બીજા વિશ્વયુદ્ધ પછી 1952માં બંધાવાનું શરૂ થનાર ‘યુનાઇટેડ સ્ટેટ્સ’ અને એવાં જહાજોની ડિઝાઇનમાં ગિબ્ઝની ડિઝાઇન વાપરવામાં આવેલી. આથી જહાજોની સલામતી અને ઝડપમાં ઘણો વધારો થઈ શક્યો હતો.

જ. દા. તલાટી