ગાઇતોંડે, વી. એસ. (જ. 1924, નાગપુર) : ભારતના જાણીતા ચિત્રકાર. તેમનું કલાશિક્ષણ મુંબઈની જાણીતી કલાશાળા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં થયું. તે મુંબઈના ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ’ ગ્રૂપ સાથે જોડાયેલા હતા. 1959થી મુંબઈ અને દિલ્હીમાં તેમણે પોતાના ‘વનમૅન શો’ કરવા શરૂ કરી દીધેલા. બીજા જાણીતા ભારતીય કલાકારો સાથે તેમણે ભારત, યુરોપ અને અમેરિકામાં પ્રદર્શનો કરેલાં. 1964માં તેમને રૉકફેલર સ્કૉલરશિપ મળી અને ન્યૂયૉર્કમાં વનમૅન શો કર્યો. તેમણે મોટા ભાગનાં આંતરરાષ્ટ્રીય કલા-પ્રદર્શનોમાં ભાગ લીધો. યંગ આર્ટિસ્ટ પ્રદર્શનમાં 1957માં ટોકિયોમાં ભાગ લીધો, જ્યાં તેમને સન્માન મળ્યું. ભારતીય કલાનાં પાંચ હજાર વર્ષ અને ટ્રીએનાલ પ્રદર્શનમાં પણ ભાગ લીધો.

1971માં ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ અર્પણ કર્યો. આ સંવેદનશીલ ચિત્રકારને ફિલસૂફી અને સંગીતમાં ભારે લગાવ છે. તેમની કલાશૈલી અગમ્ય (abstract) છે. રંગોમાં અને પોતની સબળતામાં તે સૌમાં નોખા તરી આવે છે.

નટુભાઈ પરીખ