ખડકવાસલા

January, 2010

ખડકવાસલા : પુણે જિલ્લાના હવેલી તાલુકાનું મહત્વનું શહેર. ભૌ. સ્થાન : 18o. 32´ ઉ. અ. અને 73o. 52´ પૂ. રે. તે પુણેથી 17 કિમી. દૂર નૈર્ઋત્યમાં સહ્યાદ્રિનાં શિખરો વચ્ચે મૂઠા નદી પર આવેલું છે. પુણે શહેરના પાણીપુરવઠા માટે 1879માં 32.6 મી. ઊંચો બંધ બાંધી અહીં જળાશય બનાવવામાં આવ્યું હતું.

1961માં પાનશેટ પાસે ખડકવાસલા બંધ તૂટી ગયો. ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન બંધની યોજનામાં થોડો ફેરફાર કરીને 823મી. લાંબું અને 58 મી. ઊંચું જળાશય બાંધવામાં આવ્યું છે, જે 22,298 હૅક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે.

સુરમ્ય પર્યાવરણ, સુવિધાઓની ઉપલભ્યતા અને દક્ષિણ કમાન્ડનું વડું મથક પુણે નજીક આવેલું હોવાથી રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીની સ્થાપના અહીં કરવામાં આવી છે. અહીં સંરક્ષણની ત્રણે શાખાઓ : ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના કૅડેટોને પાયાની તાલીમ આપવામાં આવે છે. રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીનું વિશાળ અને આકર્ષક સંકુલ સમગ્ર દેશમાંથી પર્યટકોને આકર્ષે છે.

ખડકવાસલા બંધની પાસે મૂઠા નદી પર મધ્યસ્થ જળશક્તિ સિંચાઈ અને નૌકાનયન સંશોધન સંસ્થા(Central Water Power Irrigation and Navigation Research Institute)ની સ્થાપના કરાઈ છે, જે દેશનાં તેમજ સ્થાનિક જળપરિવહન, પૂર, નવસાધ્યતા (reclamation) અને હાઇડ્રોડાઇનેમિક વગેરે પર સંશોધન કરે છે. આ સંસ્થા ખાસ કરીને ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર પરના બંધો વિશેનાં પ્રયોગો અને સંશોધનો માટે જાણીતી છે. બંધના નમૂના પણ અહીં તૈયાર થાય છે.

નિયતિ મિસ્ત્રી