કૈવલ્યધામ : યોગવિદ્યાના શાસ્ત્રશુદ્ધ અભ્યાસ માટેની સંસ્થા. મુંબઈ-પુણે વચ્ચે આવેલા જાણીતા ગિરિમથક લોણાવળા ખાતે 1924માં સ્વામી કુવલયાનંદે (1883-1966) તેની સ્થાપના કરી હતી. તેનો ઉદ્દેશ યોગનો પદ્ધતિસર પ્રસાર કરવાનો છે અને તે માટે આ સંસ્થામાં પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં યોગના આધ્યાત્મિક પાસા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. યોગ અંગેના સિદ્ધાંતો આધુનિક શાસ્ત્રોની મદદથી નવા પરિપ્રેક્ષ્યમાં તપાસવા અને તે દ્વારા પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો સમન્વય સાધવાનો પ્રયાસ કરવો તે તેની પ્રારંભિક ભૂમિકા હતી. યૌગિક ચિકિત્સા માટે આશ્રમમાં એક રુગ્ણવિજ્ઞાનશાળા પણ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા શારીરિક, સામાજિક તથા આધ્યાત્મિક શિક્ષણ અપાય છે. સંસ્થાના સદસ્યોમાં પાશ્ચાત્ય તબીબી વિજ્ઞાનના નિષ્ણાતો ઉપરાંત આયુર્વેદ તથા યોગોપચારના સારા જાણકારો પણ સારી સંખ્યામાં હોવાથી સ્વાસ્થ્ય-સંવર્ધન ઉપરાંત રોગનિદાન પરત્વે પણ આ સંસ્થાએ યશસ્વી કામગીરી બજાવી છે. સંસ્થાના ત્રિમાસિક ‘યોગમીમાંસા’માં આસનો, પ્રાણાયામ, મુદ્રા વગેરે વિશે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવે છે. સંસ્થાને ઉપક્રમે વૈજ્ઞાનિક, સાહિત્યિક અને ચિકિત્સાને લગતાં સંશોધનો, આધ્યાત્મિક શિબિરો અને ધર્માર્થ ઔષધાલયો જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. સંસ્થાના યોગ મહાવિદ્યાલય દ્વારા ‘ડિપ્લોમા ઇન યોગ એજ્યુકેશન’ તથા યોગશિક્ષણને લગતા કેટલાક સર્ટિફિકેટ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેનો લાભ દેશવિદેશના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લેતા હોય છે.

સ્વામી કુવલયાનંદના માર્ગદર્શન હેઠળ કેટલેક સ્થળે યોગ-ચિકિત્સાનાં કેન્દ્રો ચાલે છે, જેમાંનું એક ગુજરાતમાં રાજકોટ ખાતે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે