કેટેર્લી વુલ્ફગૅન્ગ

January, 2008

કેટેર્લી, વુલ્ફગૅન્ગ (જ. 21 ઑક્ટોબર 1957, હાઇડલબર્ગ, જર્મની) : અલ્કલી પરમાણુઓ ધરાવતા મંદ વાયુમાં બોઝ-આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ(condensate)ની સિદ્ધિ માટે 2001નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ભૌતિકવિજ્ઞાની.

વુલ્ફગૅન્ગ કેટેર્લી

લેસર કિરણાવલીમાં બધા જ કણો સમાન ઊર્જાવાળા હોય છે અને બધા એકસાથે દોલન કરતા હોય છે. કૉર્નેલ અને કેટેર્લીએ લેસર કિરણની જેમ દ્રાવને નિયંત્રિત કરી બતાવ્યું અને તેને લગતો સિદ્ધાંત ભારતીય વિજ્ઞાની એસ. એન. બોઝે આશરે સિત્તેર વર્ષ પહેલાં આપ્યો હતો. બોઝ-આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ (condesate) એટલે આ સિદ્ધાંતની પ્રયોગશાળામાં સાબિતી. કોર્નેલ અને કેટેર્લીનું એક જ સિદ્ધાંત પર આધારિત સંશોધનકાર્ય સમાંતર પણ સ્વતંત્રપણે થયું હતું. કોર્નેલ અને વાઇમાન જેવું જ પ્રાયોગિક કાર્ય કેટેર્લીએ સોડિયમ(Na)ના પરમાણુઓ સાથે કર્યું. કેટેર્લીના દ્રાવમાં ઘણા વધારે પરમાણુઓનો સમાવેશ થાય છે. તેથી આ ઘટના કંઈક રીતે લાક્ષણિક બને છે. દ્રાવનું એકબીજામાં વિસ્તરણ થવા દેવામાં આવ્યું; આમ કરતાં, તેમને સ્પષ્ટ વ્યતિકરણ(interference)ની અસર જોવા મળી. સ્થિર પાણીમાં બે પથ્થરોને બરાબર એકસાથે પડવા દેતાં સપાટી ઉપર પેદા થતા વર્તુળાકાર તરંગોના વ્યતિકરણની જેમ જ આ પ્રયોગે પુરવાર કરી બતાવ્યું કે દ્રાવ સમન્વિત (Co-ordinated) પરમાણુઓનો સમાવેશ થતો હોય છે.

ગુરુત્વાકર્ષણની અસર નીચે પતન કરી શકે તેવી BEC બુંદની નાની ધારા (stream) પેદા કરી. પ્રકાશને બદલે દ્રાવનો ઉપયોગ કરીને મળતા BEC બુંદના પ્રવાહને પ્રાથમિક સ્વરૂપનું લેસર કિરણ ગણી શકાય. આવા BECના ઉપયોગો માટે ઘણાં અનુમાનો કરી શકાય તેમ છે. આ ટૅક્નૉલૉજી સાથે સંકળાયેલ દ્રાવનો નવો ‘અંકુશ’ સૂક્ષ્મ માપનો અને નેનો-ટૅક્નૉલૉજીના ક્ષેત્રે ક્રાંતિ સર્જે તેમ છે.

કેટેર્લીએ ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ મ્યુનિકમાંથી 1982માં અનુસ્નાતકને સમકક્ષ ડિપ્લોમાં મેળવ્યો, 1986માં મ્યૂનિક યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તેઓ 1990માં એમ.આઇ.ટી.(Massachusetts Institute Technology)માં ઍસોસિયેટ સંશોધક તરીકે જોડાયા. 1993માં એમ.આઇ.ટી. ભૌતિકવિજ્ઞાનની વિદ્યાશાખામાં જોડાયા. હાલ તેઓ ત્યાં જ પૂર્ણ સમયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે. પરમાણુ-ભૌતિકવિજ્ઞાન અને લેસર સ્પેકટ્રૉસ્કોપી તેમના રસ અને સંશોધનનાં ક્ષેત્રો છે. તેમનું જૂથ પરમાણુઓને ધીમા પાડી, ઠંડા પાડવા અને પાશ(trap)માં લેવા માટે વિવિધ પદ્ધતિઓ વિકસાવી રહ્યું છે. અતિશીત પારમાણ્વિક દ્રવ્યનાં નવાં નવાં પાસાંઓને જાણવાનું આ પદ્ધતિઓનું ધ્યેય છે. બોઝ-આઇસ્ટાઇન સંઘનન શક્ય થયા બાદ તેમણે ક્વૉન્ટમ-અપભ્રષ્ટ વાયુઓ(degenerate gases)ના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લેસરકિરણ જેવું પરમાણુઓનું સુસંબદ્ધ (coherent) કિરણ પેદા કરવાની નેમ ધરાવે છે.

તેઓ અમેરિકન અને જર્મન ફિઝિકલ સોસાયટીના સભ્ય છે. કેટલીક ખ્યાતનામ સંસ્થાઓની ફેલોશિપ, ઍવૉર્ડ, પદકો-ચંદ્રકો આદિ માનસન્માન તેમણે પ્રાપ્ત કર્યાં છે.

આશા પ્ર. પટેલ