કૅથાર્સિસ

January, 2008

કૅથાર્સિસ (catharsis/katharsis) : ગ્રીક કાવ્યશાસ્ત્રની પરિભાષામાં વપરાયેલી સંજ્ઞા. ટ્રૅજેડી લાગણીઓના અતિરેકથી માનવમનને નિર્બળ બનાવનારી હાનિકારક અસર જન્માવે છે એવા પ્લેટોએ કરેલા આક્ષેપનો જવાબ આપતાં પોતાના ગ્રંથ ‘પોએટિક્સ’માં ઍરિસ્ટોટલે કહ્યું કે ‘દયા’ અને ‘ભય’ની લાગણીઓનું તેમના ઉદ્રેક દ્વારા ‘કૅથાર્સિસ’ થતું હોય છે. વિશેષ સ્પષ્ટીકરણના અભાવે રૂપકાત્મક રીતે પ્રયોજાયેલી આ સંજ્ઞાના નિશ્ચિત અર્થ પરત્વે અનેક અર્થઘટનોનો અવકાશ ઊભો થયો. વૈદકમાં ‘કૅથાર્સિસ’નો અર્થ ‘રેચન’ થાય છે. ધાર્મિક પરિભાષામાં તેનો અર્થ ‘શોધન’ અને મનોવિજ્ઞાનમાં ‘શમન’ થાય છે. લાગણીઓના અતિરેકને દૂર કરીને મનને સ્વસ્થ બનાવવાનું કાર્ય ટ્રૅજેડી કરે છે એવો અર્થ ઍરિસ્ટોટલને અભિપ્રેત હોવાનું જણાય છે.

કલાકૃતિનો આસ્વાદ આનંદપર્યવસાયી હોવો જોઈએ. કરુણરસવાળી કૃતિઓ પણ વિશિષ્ટ પ્રકારનો આનંદ જન્માવતી હોવાને કારણે વધુ આસ્વાદ્ય બને છે.

ઉપર્યુક્ત વિચારણાની પરંપરામાં ઍરિસ્ટોટલે વાપરેલા ‘purgation’નો અર્થ ‘to temper’, ‘to reduce’ મિલ્ટને આપેલો. પ્રસિદ્ધ વિવેચક એ. સી. બ્રૅડલીએ સ્વ-પીડન અને વિનાશમાં રહેલાં સત્-અસત્ તત્વોનો નિર્દેશ કરતાં ‘ભય’(terror)નો અર્થ પ્રભાવકતાથી જન્મતો આદર કરીને ટ્રૅજેડીનો નાયક ગૌરવભરી રીતે અનહદ સહનશક્તિ દર્શાવે છે તેનાથી પ્રેક્ષકના ચિત્તમાં પીડાતી માનવતા માટે અનુકંપા (compassion) જન્મે છે એમ કહ્યું.

નાયક પ્રત્યે સહાનુભૂતિ જન્મે અને તેની શક્તિઓ માટે અહોભાવ પ્રગટ થાય એ ટ્રૅજેડીની ફલસિદ્ધિ છે. તેનો અંત સુખદ હોય તો સૂચિતાર્થ માર્યો જાય. દિવ્ય પશ્ચાદભૂમિમાં બનતા ઘટનાક્રમમાં અટવાતો નાયક ઉદાત્ત વ્યક્તિત્વથી આપણા અહોભાવને પાત્ર નીવડે છે. મહાન સર્જકોના ઉચ્ચ વિચારો તેમના આત્માથી પણ ઊર્ધ્વ વિશ્વની ઝાંખી કરાવતા હોય છે. આ રીતે ‘કૅથાર્સિસ’નો અર્થવિસ્તાર કાવ્યાનંદનું સાચું સ્વરૂપ દર્શાવી જાય છે. કૅથાર્સિસ વડે ભાવકની સંવેદનાની સ્વસ્થતા પુન: પ્રાપ્ત થાય છે.

ટ્રૅજેડીનો નાયક ઉદાત્ત અને સ્પૃહણીય વ્યક્તિત્વ ધરાવતો હોવા છતાં તેમાં રહેલું નિર્બળતા કે સ્ખલનનું તત્વ એના વિનાશનું કારણ બને છે. દુરિત વિશિષ્ટ પરિસ્થિતિમાં એની નબળાઈનો વિસ્ફોટ કરીને સર્વનાશ આણે છે. પ્રેક્ષકોને તેના તરફ આદર અને ગૌરવની લાગણી હોવા છતાં એ જો દોષમુક્ત હોત તો કેવું સારું એવી સંવેદના જાગે છે. એ નથી એનું દુ:ખ છે. પણ અંતે જ્યારે નાયકને સત્ય સમજાય છે ત્યારે તે પોતાના દોષનું પ્રાયશ્ચિત્ત પણ કરે છે. રાજા લિયરને સત્ય સમજાય છે. ઑથેલોને પોતાના કૃત્યનો અફસોસ આત્મહત્યા સુધી લઈ જાય છે. નાટ્યગૃહમાં કે ચિત્તની રંગભૂમિ પરના ઘટનાક્રમમાં પ્રત્યક્ષ થતી અનુભૂતિ માનવચેતનાની ભવ્યતા અને ઉદાત્તતાને પુષ્ટ કરે છે. વાસ્તવિક જીવનમાં થોડી વધુ સમજ, થોડી વધુ ધીરજ, લાગણીઓના ઉદ્રેક પર થોડું નિયમન માનવજીવનને સ્વર્ગીય બનાવી શકે છે એ કદાચ કૅથાર્સિસનું સ્વારસ્ય છે.

દિનેશ કોઠારી