કુટિર-ઉદ્યોગ

કુટિર-ઉદ્યોગ એટલે મહદ્અંશે કુટુંબના જ સભ્યો દ્વારા ઓછામાં ઓછા મૂડીરોકાણથી સ્થપાયેલ ઉદ્યોગ.

પૂરા સમયના ગ્રામીણ કુટિર-ઉદ્યોગોમાં કુંભારી, સુથારી, લુહારીકામ; ચર્મોદ્યોગ, હાથસાળ, ઘાણીઓ અને હાથીદાંતનું કામ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે; જ્યારે શહેરી વિસ્તારના કુટિર-ઉદ્યોગોમાં ચર્મકામ; સોનાચાંદીના દાગીના, કાષ્ઠ તથા હાથીદાંતની બનાવટો, ધાતુનાં વાસણો તથા કોતરણીકામ; રમકડાં રેશમી તથા સુતરાઉ કાપડનું વણાટ, રંગાટી તથા ખડીકામ; જરીકામ જેવા ઘટકોનો સમાવેશ થાય છે. ખંડ સમયના ગ્રામ-કુટિર-ઉદ્યોગમાં હાથસાળનું કામ; નેતરકામ; મધમાખી-ઉછેર; વાંસની વસ્તુઓ; ગોળ; બીડી, ચટાઈ વગેરે બનાવવાનું કામ જ્યારે શહેરી વિસ્તારના એ પ્રકારના ઉદ્યોગોમાં ઈંટ-ચૂનાની ભઠ્ઠીઓનો સમાવેશ થાય છે.

પરંપરાગત કૌશલ્યના ક્ષેત્રમાં છેક અઢારમી સદીના મધ્યકાળ સુધી ભારત વિશ્વવિખ્યાત હતું. કાશ્મીરની શાલ તથા ગાલીચા, ઢાકાની મલમલ, રેશમી વસ્ત્રો, પટોળાં કે જરીનાં વસ્ત્રો, કિનખાબ, કાષ્ઠ તથા હાથીદાંતની વિવિધ કલાત્મક બનાવટો, સોનાચાંદીનાં ઘરેણાં તથા વાસણો, તાંબાપિત્તળનાં વાસણો જેવી વસ્તુઓની પરદેશમાં મોટા પાયા પર નિકાસ થતી હતી. ઔદ્યોગિક ક્રાંતિ પછીના ગાળામાં યંત્રો દ્વારા બનાવવામાં આવતી આયાતી સસ્તી વિદેશી વસ્તુઓ સાથેની ગળાકાપ હરીફાઈ, ભારતના પરંપરાગત કુટિર-ઉદ્યોગો પ્રત્યેની બ્રિટિશ સરકારની વિઘાતક નીતિ તથા રાજ્યાશ્રયનો ક્રમશ: લોપ જેવાં કારણોને લીધે આ ઉદ્યોગોનો સતત હ્રાસ થવા લાગ્યો હતો.

સ્વાતંત્ર્ય બાદ કુટિર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વીજશક્તિ વાપરવાની છૂટ ખાદી-ગ્રામોદ્યોગ આયોગે આપી છે; તેલીબિયાંના પિલાણ માટે પણ વીજશક્તિ વાપરવાની છૂટ અપાઈ છે. વળી સુતરાઉ ખાદીને વધુ આકર્ષક અને ટકાઉ બનાવવા રૂ સાથે પૉલિયેસ્ટરના મિશ્રણથી બનેલ પોલીવસ્ત્રને ખાદી-ગ્રામોદ્યોગ આયોગે માન્ય રાખ્યું છે.

ભારતમાં અગાઉ રાજકીય વિકેન્દ્રીકરણ હતું અને માનવનું મૂલ્ય તથા ગૌરવ હતું ત્યારે ખેત-ઉત્પાદનના કાચા માલને ઉપયોગમાં લેવા માટે ઘેરઘેર ઉદ્યોગો ચાલતા હતા અને તે રીતે ભારતનું આર્થિક વિકેન્દ્રીકરણ ધ્યાન ખેંચતું હતું.

ગ્રામોદ્યોગનો વિકાસ અને શક્યતા : સરકારના સતત વિકાસ અને પ્રોત્સાહનને પરિણામે ખાદી-ગ્રામોદ્યોગના ઉત્પાદન તેમજ રોજગારીમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાદી-ગ્રામોદ્યોગ અહેવાલ  પ્રમાણે 1987-88માં ખાદી-ગ્રામોદ્યોગનું કુલ ઉત્પાદન રૂ. 1488.39 કરોડ થયું હતું અને 41.80 લાખ વ્યક્તિઓને રોજી મળી હતી.

ગુજરાત રાજ્યમાં 1987-88માં ગ્રામોદ્યોગોનું ઉત્પાદન રૂ. 3383 લાખ થયું હતું અને આશરે 21,500 માણસોને રોજી મળી હતી.

2002-03ના વર્ષમાં ભારતમાં વિવિધ ગ્રામોદ્યોગોનું ઉત્પાદન રૂ. 8126 કરોડનું અને વેચાણ રૂ. 9615 કરોડનું થયું હતું. તેમણે આશરે 58 લાખ માણસોને રૂ. 3075 કરોડની રોજી પૂરી પાડી હતી; જ્યારે તે જ વર્ષમાં ગુજરાત રાજ્યમાં ગ્રામોદ્યોગોનું ઉત્પાદન રૂ. 441 કરોડનું અને વેચાણ રૂ. 638 કરોડ થયું હતું. આ ઉદ્યોગો દ્વારા આશરે 71,000 રોજગારોને રૂ. 836 કરોડની રોજી ચૂકવાઈ હતી. તે જ વર્ષમાં ભારતમાં ખાદીનું ઉત્પાદન 59 કરોડ ચોરસમીટર થયું હતું, જે ભારતના કુલ કાપડ ઉત્પાદનના 14.2 ટકા જેટલું ગણી શકાય. આ ઉદ્યોગે આશરે 65 લાખ માણસોને રોજી પૂરી પાડી હતી.

ખાદીગ્રામોદ્યોગઆયોગ (Khadi Village Industries Commission) (Kvic) દ્વારા વધુ રોજી : છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાદી-ગ્રામોદ્યોગ-આયોગ બૅન્કો દ્વારા ઉદ્યોગોને નાણાકીય ધિરાણની સવલત પૂરી પાડવાની વ્યવસ્થાનું આયોજન કરે છે. એ કારણે ગ્રામોદ્યોગોને ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા પ્રોત્સાહન મળ્યું છે. સરકાર દ્વારા પણ તેમને વિવિધ સવલતો પૂરી પાડવામાં આવે છે.

ખાદીગ્રામોદ્યોગ આયોગ અને દસમી પંચવર્ષીય યોજના : 10મી પંચવર્ષીય યોજના (2002-07)માં ખાદી-ગ્રામોદ્યોગ માટેનો 8 ટકા વાર્ષિક વૃદ્ધિદર સાધીને 9.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક રખાયો છે.

2002-03માં દેશભરમાં દુષ્કાળના ઓછાયા પથરાયેલા છતાં 2001-02ના વર્ષ કરતાં ઉત્પાદનમાં 13.39 ટકાનો વૃદ્ધિદર થયો હતો. 2001-02ની રૂ. 8911 કરોડની તુલનામાં 2002-03માં રૂ. 10,193 કરોડનું વેચાણ કરી 14.39 ટકાનો વૃદ્ધિદર સાધ્યો હતો. વળી 3.81 લાખ વધુ વ્યક્તિઓને રોજી પૂરી પાડી આપી 6.08 ટકા વૃદ્ધિદર હાંસલ કરાયો હતો.

દેશમાં દર વર્ષે રોજગારોની સંખ્યામાં સાતથી આઠ લાખનો વધારો થાય છે. લગભગ 75 ટકા વસ્તી ગામડાંમાં વસે છે અને 70 ટકા ખેતી પર નભે છે. ખેતીની મોસમમાં ખેતમજૂરોની મોટી સંખ્યામાં જરૂર પડે છે. ખાદી-ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ વિકસે તો મોસમ પૂરી થતાં ખેડૂતો અને મજૂરોને પૂરતું કામ મળી શકે તેમ લાગે છે. એ ર્દષ્ટિએ પણ ખાદી-ગ્રામોદ્યોગોનો વિકાસ થઈને સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને નૈતિક સમતુલા જળવાય, ગામડાં તૂટતાં અટકે અને શહેરો તરફ રોજી શોધવાની આવશ્યકતા ઊભી ન થાય.

ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડ ગુજરાતના ઉત્પાદન તથા રોજગારીની માહિતી સારણી 1માં આપી છે :

સારણી 1 : ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બૉર્ડની વિકાસયાત્રા

ખાદી ગ્રામોદ્યોગ
વર્ષ રોજગારી રોજી

(રૂ. લાખમાં)

રોજગારી

રોજી

(રૂ. લાખમાં)

1960-1961 8,168 11 5,788 16
1980-1981 56,022 552 32,654 393
1990-1991 54,323 1,292 26,875 929
2000-2001 27,785 1,616 38,279 3,153
2003-2004 16,002 1,236 39,370 3,720

અખાદ્ય તેલમાંથી સાબુ : ખાદી-ગ્રામોદ્યોગ આયોગ તરફથી અખાદ્ય તેલમાંથી સાબુ બનાવવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાય છે.

ભારતમાં એકસો જેટલાં તેલ-બીજોનાં આશરે 8 કરોડ જેટલાં ઝાડ છે. આ બધાં બીજ વ્યવસ્થિત રીતે એકઠાં થાય તો લગભગ 67 લાખ ટન ઉપલબ્ધ થઈ શકે, તેમાંથી આશરે 10 લાખ ટન તેલ મળી શકે. દેશમાં ખાદ્યતેલની અછત વરતાય છે, ત્યારે અખાદ્ય તેલનો સાબુ બનાવવામાં ઉપયોગ થાય તે જરૂરી છે. વળી લાખો લોકોને મોસમી રોજી મળે અને વેડફાઈ જતી કુદરતી સંપત્તિનો ઉપયોગ થાય. રાષ્ટ્રીય સંપત્તિમાં કુલ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય.

લીંબોળી, કરંજિયા, પિલુડાં, મહુડાં, કુસુમ (કરડી), ઊડી પીસા વગેરે અખાદ્ય તેલીબિયાં છે. આ તેલીબિયાંના સંગ્રહ માટે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડને ખાદી ગ્રામોદ્યોગ આયોગ આપે છે. અખાદ્ય તેલ-સાબુના વેચાણ પર પણ દસ ટકા ‘વળતર’ આપે છે. જરૂર પડ્યે સાબુમાં વપરાતાં બીજ પૂરાં પાડવાની રાજ્ય બૉર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.

ભારતમાં લગભગ 1.4 કરોડથી વધુ લીમડાનાં ઝાડ છે, જેમાંથી આશરે 4.20 લાખ ટન લીંબોળી મળી શકે. આ કામ લગભગ 4 લાખ માણસોને 60 દિવસ રોજગારી પૂરી પાડી શકે. લીંબોળીની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા થાય, તેમાંથી આશરે 83 હજાર ટન તેલ ઉપલબ્ધ થાય, જેની કિંમત રૂપિયા 50 કરોડ અંદાજવામાં આવે છે. તેના ખોળની કિંમત લગભગ રૂ. 22 કરોડ જેટલી થાય.

ખાદી-ગ્રામોદ્યોગ કમિશનના અહેવાલ પ્રમાણે 1988-89ના વર્ષમાં ભારતમાં ગ્રામોદ્યોગોમાં રૂ. 44.47 કરોડના સાબુનું ઉત્પાદન થયું હતું અને 75 હજાર વ્યક્તિને રોજગારી અપાઈ હતી. ગુજરાતમાં આ ઉદ્યોગમાં લગભગ 447 લાખનું ઉત્પાદન થયું હતું અને 494 વ્યક્તિને રોજી અપાઈ હતી. આ ગ્રામોદ્યોગો વિકેન્દ્રીય ધોરણે યાંત્રિક શક્તિથી ઉત્પાદન કરતા મોટા ઉદ્યોગોની હરીફાઈમાં ટકી શકે તેમ છે. આ ઉદ્યોગ ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં ફાલ્યોફૂલ્યો છે.

અખિલ ભારત ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડના 2002-03ના અહેવાલ મુજબ અખાદ્ય તેલ સાબુના ઉત્પાદનનો જુદો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ આયોગે 2002-03માં 668 કારીગરોને તાલીમ આપી હતી.

ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડના જણાવ્યા પ્રમાણે, સાબુનું 1998-99માં ઉત્પાદન રૂ. 846 લાખ અને 2002-03માં રૂ. 928 લાખ અને વેચાણ અનુક્રમે રૂ. 882.12 લાખ અને રૂ. 978 લાખ થયું હતું.

આ ઉદ્યોગ 1998-99માં 16 જિલ્લામાં 44 રજિસ્ટર્ડ સંસ્થાઓ, 26 સહકારી મંડળીઓ અને અનેક વ્યક્તિગત એકમો દ્વારા ચાલતો હતો.

અગરબત્તી ઉદ્યોગ : જેમાં ‘અગર’ નામનો સુગંધી પદાર્થ વપરાય તે અગરબત્તી. અગરબત્તીના ત્રણ પ્રકાર છે : (1) દરબારબત્તી, (2) મટ્ટમબત્તી અને (3) મસાલાબત્તી.

દરબારબત્તીમાં કોલસાની બારીક ભૂકી અને લાકડાનો રંગીન વહેર વાંસની નાજુક સળીઓ પર ચડાવવામાં આવે છે. સુકાયા બાદ તેના પર મનગમતી સુગંધ લગાડાય છે.

મટ્ટમબત્તી : તે સુગંધિત બત્તી તરીકે પણ ઓળખાય છે. તેના મસાલામાં કોલસાની ભૂકી અને મેંદાલાકડી 2 : 1ના પ્રમાણમાં લેવાય છે. દરેક બત્તીમાં રોટલીનો લોટ બાંધીએ તેવો લોંદો પાટલી પર વાંસની સળી પર વણી લેવાય છે. તેને દ્રાવણમાં બોળીને સુગંધિત દ્રવ્ય લગાડવામાં આવે છે.

મસાલાબત્તી : આ બત્તીમાં અગર, તગર, દગડફૂલ, એલચી, જાવંત્રી, સુખડનો ભૂકો, ગૂગળ, સુગંધીવાળું કેસર, કસ્તૂરી, અંબર વગેરે કુદરતી સુગંધિત પદાર્થો વાપરવામાં આવે છે. આ વસ્તુઓ સાથે મેંદા-લાકડી મેળવીને 10 ઇંચ લાંબી મસાલાબત્તી બનાવાય છે. તેમાં અત્તર વપરાતું નથી. જપ, તપ, ધ્યાન, સંધ્યા કે પૂજન-અર્ચનમાં સાધકો મસાલાબત્તી વાપરે છે.

આ રોજગારલક્ષી ઉદ્યોગ બેરોજગારો તથા અર્ધરોજગારો માટે આશીર્વાદરૂપ છે. આ ઉદ્યોગમાં 7થી માંડી 65 વર્ષની વ્યક્તિઓ દૈનિક રૂ. 25થી માંડીને રૂ. 35 રૂપિયા સુધીની રોજી મેળવી શકે છે.

ગુજરાતમાં અગરબત્તી ઉદ્યોગનું કામ 7 સંસ્થાઓ અને 8 વ્યક્તિગત એકમો દ્વારા સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પણ આ ઉદ્યોગમાં કામ કરે છે. અગરબત્તી માટે કાર્યકારી મૂડીરૂપે લોનની જોગવાઈ છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અમુક પ્રમાણમાં સહાય પણ મળે છે.

અગરબત્તીના પાંચ પાઇલોટ પ્રૉજેક્ટ મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, રાજકોટ, દહાણુ અને દિલ્હીમાં શરૂ થયા છે. આ ઉપરાંત મૈસૂર અને ઉજ્જૈનમાં પણ અગરબત્તીનું વિશાળ પાયા પર ઉત્પાદન થાય છે. એક અંદાજ પ્રમાણે તેમાં રોજ 3,500થી 4,000 માણસો રોજી મેળવે છે અને રોજનું 3.5થી 4 ટન ઉત્પાદન થાય છે.

ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડે અગરબત્તી અને ગ્રામ-દીવાસળી ઉદ્યોગના આંકડા ભેગા આપ્યા છે. તે પ્રમાણે 1998-99માં રૂ. 12.30 લાખનું અને ઈ.સ. 2000-01માં રૂ. 13.20 લાખનું ઉત્પાદન થયું હતું; પરંતુ ઈ.સ. 2000-01માં ઘટીને તે રૂા. 11.5 લાખનું, 2001-02માં રૂ. 4.86 લાખનું અને ઈ.સ. 2002-03માં રૂ. 4.99 લાખનું ઉત્પાદન થયું હતું. જ્યારે વેચાણ 9899માં રૂ. 13.67 અને 1999-2000માં રૂ. 12.15 લાખ, 2001-2માં રૂ. 5.35 લાખ અને 2002-03માં રૂ. 5.48 લાખનું થયું હતું.

આ ઉદ્યોગે 1998-99માં 274, 1999-2000માં 296, 2001-02માં 212 અને 2002-03માં 198 વ્યક્તિઓને રોજી પૂરી પાડી હતી. આ જ વ્યક્તિઓને રૂપિયામાં 1998-99માં રૂ. 4.12 લાખ, 1999-2000માં રૂ. 4.73 લાખ 2001-02માં રૂ. 2.56 લાખ અને 2002-03માં રૂ. 2.69 લાખની રોજી ચૂકવી હતી.

ગોળખાંડસરી : આ ઉદ્યોગ ગ્રામોદ્યોગોમાં મહત્ત્વનું અને આગવું સ્થાન ધરાવે છે.

જે ગામની સેવાસહકારી, વિવિધ કાર્યકારી સહકારી મંડળી અથવા રજિસ્ટર્ડ સંસ્થાના કાર્યક્ષેત્રમાં શેરડીનું પૂરતા પ્રમાણમાં વાવેતર થતું હોય તેવી મંડળીઓને પોતાના સભાસદો માટે સારી જાતનો ગોળ બનાવવાના કામ અંગે સુધારેલાં સાધનો વસાવવા માટે રાજ્ય બૉર્ડ દ્વારા ખાદી-ગ્રામોદ્યોગ કમિશનની સહાય મળતી હોય છે.

આ ઉપરાંત ગોળ-ઉત્પાદન અને ખાંડસરી-ઉત્પાદન માટે અલગ અલગ પ્રમાણમાં કાર્યકારી ધિરાણ પણ મળી શકે છે.

ગોળ અને ખાંડસરીના કારીગરોની તાલીમ માટે ગુજરાત રાજ્ય ખા.ગ્રા. બૉર્ડ જરૂર પ્રમાણે વર્ગોની ગોઠવણી કરે છે.

ભારતમાં લગભગ 66 લાખ એકરથી વધુ જમીનમાં શેરડીનું વાવેતર થાય છે અને 2 લાખથી વધુ મજૂરોને રોજી મળે છે. ખાદી આયોગના 1988-89ના અહેવાલ પ્રમાણે રૂ. 104 કરોડનું ઉત્પાદન થયું હતું અને 1.51 લાખ લોકોને રોજગારી મળી હતી તેવો અંદાજ છે.

શેરડી પીલવા માટે પંચમહાલ જિલ્લાના ડેરોલ ગામના ઈશ્વરભાઈ પટેલે શોધેલા ‘ડેરોલેક્સ’ બહિર્વેધન ક્રિયા (extruder) થી રસનો 75 ટકા જેટલો ઉતારો મેળવી શકાતો હોઈ હવે તે વાપરવાની ભલામણ કરવામાં આવે છે.

ખાંડસરી : દેશી પદ્ધતિથી થતી ખાંડસરી એ ભારતનો જૂનો ઉદ્યોગ છે. મુખ્યત્વે કરીને ઉત્તરપ્રદેશનાં અને તેમાંય ખાસ કરીને રોહિલખંડમાં આ જાતની ખાંડ પુષ્કળ થાય છે. આ ખાંડ લગભગ ભૂકી જેવી બારીક અને તેનો રંગ ઝાંખો પીળો હોય છે. આ જાતની ખાંડ ખાસ કરીને રાજસ્થાન, આગ્રા, કાશી, મથુરા, પંજાબ વગેરે ભાગોમાં વપરાય છે. ખાંડ કરતાં ખાંડસરી પૌષ્ટિક છે. તેમાં ક્ષારતત્ત્વ ઓછું હોય છે.

ગુજરાત રાજ્ય ખાદી ગ્રા. બૉર્ડના માર્ગદર્શન અને મદદથી સૌરાષ્ટ્રમાં તંબા નજીક, રાજકોટથી દસ માઈલ દૂર લોધિકા ખરીદ-વેચાણ સંઘના સહકારથી ખાંડસરીનું સહકારી કારખાનું શરૂ થયું છે.

ખાંડ કરતાં ગોળ વધુ પૌષ્ટિક છે. પંજાબના આરોગ્ય વિભાગે ગોળનું પૃથક્કરણ કર્યું છે તે પ્રમાણે ગોળમાં સુક્રોઝ 63 ટકા, ફ્રૂક્ટોઝ 19 ટકા, અદ્રાવ્ય પદાર્થો 3 ટકા છે; જે ખાંડમાં છે જ નહિ. વળી ગોળમાં લોહ, ફૉસ્ફરસ, કૅલ્શિયમ તથા ‘એ’ અને ‘બી’ વિટામિન છે. ખેડૂતો મહેનત કર્યા પછી ખોરાક સાથે ગોળ ખાય છે એટલે તેમનો થાક ઊતરી જાય છે. પ્રસૂતિ પછી બહેનોને ગોળ, ઘી અને સૂંઠ અપાય છે.

ઍલ્યુમિનિયમનાં વાસણો બનાવવાનો ઉદ્યોગ : ઍલ્યુમિનિયમનાં વાસણો તેમજ સાધનો બનાવવાનું ગ્રામોદ્યોગ-ક્ષેત્રે શક્ય બન્યું હોઈ, ખાદી કમિશન અને રાજ્ય બૉર્ડો દ્વારા તેને ખીલવવાનો પ્રયત્ન થયો છે.

ઍલ્યુમિનિયમ અન્ય ધાતુઓ કરતાં નરમ હોઈ, અનુકૂળતા મુજબ તેને વાળી શકાય છે. વજનમાં તે હલકી અને કિંમતમાં સસ્તી હોય છે. વાસણો-સાધનો ભંગારમાં વેચે ત્યારે તેની 30 %થી 40 % કિંમત ઊપજે છે. સામાન્ય સ્થિતિના માણસો ઍલ્યુમિનિયમનાં વાસણો વાપરવાનું પસંદ કરે છે.

ઍલ્યુમિનિયમમાંથી અત્યારે ખાનગી ક્ષેત્રે થાળી, વાટકા, તપેલાં-તપેલી, લંબચોરસ ટ્રે, કૂકર, ટિફિન બૉક્સ, ડોલ, ઘોડા વગેરે બનાવવામાં આવે છે. આ ધાતુમાંથી મોટરની ફ્રેમો, હેંગરો, પ્યાલા, રકાબી, ચમચા તથા તે રાખવાનાં સ્ટૅન્ડ પણ બનાવવામાં આવે છે.

ઘરેલુ વસ્તુ બનાવવા માટે ખાદી ગ્રામોદ્યોગ આયોગ જે તે સમયે તેના તરફથી માન્ય મદદ તથા લોન આપે છે.

ખાદી કમિશનના 1988-89ના અહેવાલ પ્રમાણે આ ઉદ્યોગમાં રૂ. 3.25 કરોડના ઉત્પાદન સાથે એક હજાર માણસોને રોજગારી મળી હતી. આ ઉદ્યોગ ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, મણિપુર અને ગુજરાતમાં પ્રસરેલો છે. ગુજરાતમાં આ ઉદ્યોગમાં આશરે રૂ. 17.45 લાખનું ઉત્પાદન થયું હતું. ખાનગી ક્ષેત્રનું ઉત્પાદન અને રોજગારીની માહિતી ઉપલબ્ધ નથી.

2002-2003ના અખિલ ભારતના અહેવાલમાં અને ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડના અહેવાલમાં પણ આ અંગેની માહિતી ઉપલબ્ધ નથી.

ગ્રામદીવાસળી : કુટિર અથવા ગ્રામઉદ્યોગ તરીકે દીવાસળી-ઉદ્યોગ ભારતમાં 1921થી શરૂ થયો. તે પહેલાં ઈ. સ. 1894-95માં ભારતમાં દીવાસળીના ઉત્પાદનની પહેલ કરવાનું શ્રેય બિલાસપુરની અમૃત મૅચ ફૅક્ટરી અને અમદાવાદની ગુજરાત મૅચ ફૅક્ટરીને ફાળે જાય છે. એ પહેલાં ભારત અને દુનિયાને દીવાસળી પૂરી પાડવા માટેનો ઇજારો સ્વીડન ભોગવતું હતું. પહેલા વિશ્વયુદ્ધમાં સ્વીડનની આયાત ઘટી અને જાપાન ભારતના બજારમાં પ્રવેશ્યું.

ભારતમાં દીવાસળીનો ઉદ્યોગ રોજની જરૂરિયાત પૂરી કરવા ઉપરાંત સરકારને આબકારી જકાત દ્વારા ગણનાપાત્ર નાણું આપતો  ઉદ્યોગ છે. 1921માં આયાત-જકાત વધવાને કારણે દીવાસળીનાં નાનાંમોટાં અનેક કારખાનાં સ્થપાયાં હતા. સ્વીડન અને જાપાને પરિસ્થિતિ પારખીને ભારતમાં ઉત્પાદનક્ષેત્રે પ્રવેશ કર્યો. તેણે વેસ્ટર્ન ઇન્ડિયા મૅચ કંપની (WIMCO) સ્થાપી. જ્યાં યંત્રો ન હતાં એવા બંગાળ અને દક્ષિણ ભારતમાં નાના નાના ઘટકોમાં દીવાસળીનું ઉત્પાદન કરવામાં જાપાને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

1930માં ગાંધીજીના સૂચનથી દીવાસળીને કુટિર ઉદ્યોગમાં સ્થાન મળ્યું. અ. ભા. ખા. ગ્રા. બૉર્ડ (1953) અને પછી અ. ભા. ખા. ગ્રા. આયોગ (1957) થતાં દીવાસળીના કુટિરઉદ્યોગ માટે સઘન પ્રયત્નો થયા. ખા. ગ્રા. આયોગે મધ્યપ્રદેશનાં જંગલોમાંથી દીવાસળી માટે પોચું લાકડું મેળવવા 1962માં ભારત સરકાર દ્વારા ગોઠવણ કરી હતી. આ ઉદ્યોગને ભારત સરકારનો નીતિવિષયક ટેકો મળતાં 1976-77માં ભારતમાં 150 કેન્દ્રો હતાં, તેની જગાએ 1980માં 35,000 એકમો થયા અને 40,000 વ્યક્તિને રોજી અપાઈ હતી. પરંતુ 1988-89ના ખાદી આયોગના અહેવાલ પ્રમાણે 30,000 વ્યક્તિઓને રોજી મળે છે અને દીવાસળીનું ઉત્પાદન 19.24 કરોડ રૂપિયાનું હતું. ગુજરાતમાં આ સમયે માત્ર એક જ કેન્દ્ર વાંસદા, જિ. વલસાડના આદિવાસી વિસ્તારમાં ચાલે છે; જેમાં 23 વ્યક્તિને આંશિક સમયની રોજી મળે છે અને 88,000 દીવાસળીનાં ખોખાનું ઉત્પાદન થાય છે.

ભારતના રૂ. 200 કરોડના દીવાસળીના ઉત્પાદનમાં ગ્રામ-દીવાસળીનો 13થી 15 ટકા ફાળો છે. આ ઉદ્યોગના યંત્રથી ચાલતા એકમોએ ટૅકનિકલ પરિવર્તન કર્યાં છે; જ્યારે ગ્રામ-દીવાસળી એકમો તેવાં જરૂરી પરિવર્તનોના અભાવે પાંગળા બન્યા છે.

ખાદી આયોગ ગ્રામ-દીવાસળી ઉદ્યોગના કારીગરો માટે મફત વર્ગો ચલાવે છે, તે માટે આવવા-જવાનું રેલવે-ભાડું આપે છે તથા ટૅકનિકલ માર્ગદર્શન પણ આપે છે. આયોગે ગ્રામ-દીવાસળી ઉદ્યોગ માટે ગોવા, રાયપુર, પટણા, ભુવનેશ્વર અને કોલકાતામાં ટૅકનિકલ માર્ગદર્શન માટેનાં વિકાસકેન્દ્રો ઊભાં કર્યાં છે.

હાલ તામિલનાડુ, કેરળ અને ઉત્તરપ્રદેશમાં આ ઉદ્યોગ વધુ પ્રચલિત છે.

ગ્રામીણ કુંભારીકામ : ગ્રામીણ કુંભારી એટલે માટીકામ-ઉદ્યોગ. માનવ-સંસ્કૃતિના પ્રારંભકાળથી આ ઉદ્યોગ ભારતમાં ચાલતો આવ્યો છે. કુંભારો રસોઈ માટેની હાંડલી, તાવડી, માટલાં તથા ઘડા, કોડિયાં, કૂંડાં તથા રમકડાં અને અનાજ તથા પાણી ભરવાની માટીની નાનીમોટી કોઠીઓ વગેરે બનાવતા આવ્યા છે. આજે માટીનાં વાસણોનું સ્થાન ઍલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને ચિનાઈ માટીનાં વાસણો લેતાં કુંભારના વ્યવસાયને ધક્કો પહોંચ્યો છે.

કુંભારીકામના ઉદ્યોગની સહકારી મંડળીઓને વાસણ, રમકડાં, ઈંટો, મેંગલોરી ટાઇલ્સ વગેરે બનાવવા માટે ખાદી-ગ્રામોદ્યોગ આયોગ વિવિધ યોજનાઓ ચલાવે છે. તે અન્વયે શૅર કૅપિટલ લોન, કાર્યકારી મૂડીરોકાણની લોન, વેચાણ-સહાય, સુધારેલાં સાધનો તથા અન્ય જરૂરી મદદ આપવામાં આવે છે. આ ઉદ્યોગમાં સુધારણા માટે સંશોધનકાર્ય પણ ચાલે છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામે માટીકામ ચાલે છે અને ચિનાઈ માટીનાં વાસણો બને છે, જે ભારતભરમાં જાણીતાં છે. જૂના સમયથી થાન ઘીના ગાડવા ચિનાઈ માટીની બરણીઓ, શીશીઓ, કપ-રકાબીઓ અને કલાત્મક રમકડાં માટે જાણીતું છે.

અખિલ ભારત ખાદી-ગ્રામોદ્યોગ આયોગના હેવાલ પ્રમાણે, 1988-89માં રૂ. 20.63 કરોડનું ઉત્પાદન થયું હતું અને નોંધાયેલી રોજગારી 3.54 લાખ હતી. ગુજરાત રાજ્ય ગ્રામોદ્યોગ બૉર્ડના અહેવાલમાં આ ઉદ્યોગનું ઉત્પાદન રૂ. 397.4 લાખનું અને રોજગારી 8,946 હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

માટીકામ યોજના અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમ ગ્લેઝ્ડ પૉટરી યુનિટ સર્વોદય ગ્લેઝ્ડ પૉટરી સહકારી મંડળી લિમિટેડ, વિજાપુર(જિ. મહેસાણા)ને ફાળવાયું હતું. તે સાથે સર્વોદય આશ્રમ માઢી, મુ. વિજાપુર(જિ. મહેસાણા)ને વિસ્તરણ સહતાલીમ કેન્દ્ર(સેવા)નું યુનિટ ફાળવવામાં આવેલું છે.

હાલ આ ઉદ્યોગ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ, બિહાર અને હરિયાણામાં વધુ ખીલ્યો છે.

આ ઉદ્યોગ અંગે ઈ.સ. 2003ના ભારત અને ગુજરાત ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડમાં જુદો ઉલ્લેખ મળતો નથી.

ગ્રામીણ ચર્મોદ્યોગ : માનવજાતને પરિચિત હોય એવો આ જૂનામાં જૂનો ઉદ્યોગ છે. વિશ્વવ્યાપારમાં ચામડું અગત્યની બાબત છે. તે વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. ભારતમાં બનતાં પગરખાંમાં ચંપલો વધુ લોકપ્રિય છે. થોડું મૂડીનું રોકાણ અને થોડી વધુ મહેનત ચર્મઉદ્યોગમાં કામે લાગેલા કારીગરોની આવકમાં સારો વધારો કરી શકે છે.

આ ઉપરાંત કોમર્ટેનરી, સઘન ઉતરણ કેન્દ્ર, અસ્થિ કચરણ એકમ, ગ્રામ આદર્શ ચર્મ સંસ્કરણ કેન્દ્ર, પગરખાં એકમ, ચર્મ સેવા એકમ, મોચીપેઢી, કાર્યકારી મૂડી વગેરે માટે રાજ્ય ખાદી ગ્રા. બૉર્ડ મારફત આર્થિક સહાય મળે છે.

ચામડામાંથી પગરખાંનું નિર્માણ

ચર્મોદ્યોગ સાથે હાડકાંનું ખાતર અને પશુઓનાં શિંગડાંનો ઉપયોગ ખેતીવાડીના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ થઈ શકે છે.

ખાદી-કમિશનના 1988-89ના અહેવાલ પ્રમાણે ચર્મોદ્યોગનું રૂ. 205.5 કરોડનું ઉત્પાદન નોંધાયું છે અને 2 લાખ 93 હજારો માણસોને રોજી મળી છે. ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પંજાબ અને કર્ણાટકમાં આ ઉદ્યોગ વધુ વિકસ્યો છે.

ભારતમાં ચામડાં કમાવવા માટેની રાસાયણિક ચીજવસ્તુઓ મોંઘી છે અને તેથી તે અંગેનું ખર્ચ 15થી 17 ટકાને બદલે 35 ટકા આસપાસ આવે છે.

સ્વરાજ્ય પછી ગુજરાત અને બીજાં રાજ્યોમાં ખાદી-ગ્રામોદ્યોગ આયોગની મદદથી નવી પદ્ધતિની તાલીમ માટે આદર્શ ચર્મસંસ્કરણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. આવું મધ્યસ્થ આદર્શ ચર્મસંસ્કરણ કેન્દ્ર રાજકોટમાં છે. વળી ચેન્નાઈમાં આવેલી દેશની મધ્યસ્થ ચર્મ સંશોધન સંસ્થાન(CLRI)માં ચર્મોદ્યોગ અંગેની અદ્યતન પદ્ધતિની તાલીમ આપવામાં આવે છે.

ગુજરાત ખાદી-ગ્રા. બૉર્ડના અહેવાલમાં 1998-99ના વર્ષમાં 1102 લાખ રૂ.નું અને 2002-03માં 477.11 લાખનું ઉત્પાદન જણાવ્યું છે; જ્યારે રોજગારી અનુક્રમે 5543 અને 2519 માણસોને મળ્યાનો ઉલ્લેખ છે. રોજગારીની રકમ અનુક્રમે રૂ. 354.77 લાખ અને રૂ. 179.94 લાખ ચૂકવવામાં આવી હતી.

ઘાણીઉદ્યોગ : અંગ્રેજો આવ્યા તે પહેલાં અને પછી ભારતમાં બીજા ગૃહઉદ્યોગોની જેમ બળદઘાણીઓ ચાલતી હતી. 1921માં દેશમાં 5 લાખ બળદઘાણીઓ હતી. તેની સંખ્યા 1941માં ઘટીને 1,84,588 થયેલી હતી.

ખેડૂતો પોતાના ખપ પૂરતું તેલીબિયાં પકવીને ઘાણીમાં પિલાવી લે એ પરંપરા ચાલતી આવી છે; પરંતુ આજે તેમ કરનારની સંખ્યા ઘટી ગઈ છે.

આજે દેશમાં બળદઘાણી, નાના ઘાણા વગેરેની સંખ્યાની અધિકૃત માહિતી પ્રાપ્ત નથી. પરંતુ ખાદી આયોગની યોજના અન્વયે, 1988-89ના અહેવાલ પ્રમાણે તે વર્ષમાં લગભગ રૂ. 270 કરોડનું ઘાણીતેલ ઉત્પન્ન થયું હતું અને 88 હજાર વ્યક્તિઓને રોજી મળી હતી. આયોગમાં નોંધાયા વિનાની બળદઘાણીઓ, વીજસંચાલિત નાના ઘાણા કે નાનાં એક્સપેલરો અને તેલમિલોનાં પિલાણ અને રોજી જુદાં અથવા વધારાનાં ગણાય.

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડના 1988-89ના અહેવાલ પ્રમાણે રાજ્ય બૉર્ડની મદદથી કુલ 321 વીજસંચાલિત ઘાણીઓ ચાલતી હતી. આ ઉદ્યોગમાં રૂ. 406 લાખના તેલનું ઉત્પાદન થયું અને 1,047 વ્યક્તિઓને રોજી મળી તેમાં 348ને ખંડ સમયની રોજી મળી હતી.

ગુજરાત રાજ્ય ખાદી ગ્રા. બૉર્ડ તરફથી તેલીબિયાં-સંગ્રહ, વીજ-સંચાલિત ઘાણીઓ, ઘાણી-શેડ, ગોડાઉનો વગેરે માટે આર્થિક સહાય અપાય છે તથા તેલની દેશી ઘાણીઓને વીજસંચાલિત ઘાણીમાં બદલવાના કાર્યક્રમને મહત્વ અપાય છે. હાલ વીજસંચાલિત ઘાણીઓ મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને કેરળમાં વધુ ચાલે છે.

ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડના અહેવાલ પ્રમાણે 2002-03માં ઘાણીઓ દ્વારા રૂ. 3944 લાખનું ઉત્પાદન નોંધાયું હતું, જ્યારે આ જ વર્ષમાં 1156 વ્યક્તિઓને રોજગારી મળી હતી.

ચૂનાનું એકમ

ચૂનાનિર્માણ : બાંધકામમાં ચૂનાનો ઉપયોગ આદિકાળથી થાય છે. ઇજિપ્ત, બૅબિલોન અને રોમન સંસ્કૃતિના કાળમાં પણ બાંધકામમાં ચૂનાનો ઉપયોગ થતો હતો. ભારતમાં પણ મંદિરો, રાજા-મહારાજાના મહેલો, નગરના કોટ તથા દરવાજા, બંધો તથા પુલો વગેરે ચૂનાથી ચણાયેલાં હોઈ તેમાંના ઘણા આજે પણ ટક્યાં છે. ચણતર, છો, છત અને અગાસીના કામમાં પહેલાં ચૂનો જ વાપરવામાં આવતો હતો. સિમેન્ટનાં કારખાનાં વધવા છતાં આજે પણ ચૂનો વધતા-ઓછા પ્રમાણમાં વપરાય છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ ખેતીવાડી ક્ષેત્રે ભૂમિ સંસ્કરણ તરીકે થાય છે. તેનો ઉપયોગ સિમેન્ટ, બ્લીચિંગ પાઉડર, કૅલ્શિયમ કાર્બાઇડ, સાબુ, ખાંડ, કાગળ, કાચ, રંગ વગેરે ઉદ્યોગોમાં પણ થાય છે. ઘરબાંધકામમાં ચૂનાનો વપરાશ પ્રચલિત છે. લોખંડ અને પોલાદના ઉદ્યોગમાં ધાતુ ગાળતી વખતે તેની અશુદ્ધિ દૂર કરવા માટે ચૂનાના પથ્થર ફ્લક્સ તરીકે વપરાય છે. કાચ ઉદ્યોગમાં ઊંચા પ્રકારના ચૂનાનો ઉપયોગ થાય છે. તેમાં લોખંડ કે કાર્બનની જરા પણ અશુદ્ધિ ન હોવી જોઈએ. ખાંડ-ઉદ્યોગમાં શેરડીના રસને શુદ્ધ કરવા ચૂનો વપરાય છે. ઊતરતી કક્ષાનો ચૂનો રસ્તા તથા મકાનના બાંધકામમાં વપરાય છે.

ચૂનાના પથ્થરોને પકવવાથી કળીચૂનો (quicklime) બને છે; તેના ઉપર પાણી રેડવાથી તે ફાડેલો ચૂનો (slacked lime) બને છે, જે બાંધકામના વપરાશમાં લેવાય છે. નવી ડિઝાઇનની ચૂનાની ભઠ્ઠીઓ નાખવાથી બળતણખર્ચમાં 30 ટકા બચત થાય છે.

ખાદી-ગ્રામોદ્યોગ આયોગના અહેવાલ પ્રમાણે, 1988-89ના વર્ષમાં ભારતમાં ચૂનાનું ઉત્પાદન રૂ. 4059 લાખનું થયું હતું. જે રાજ્યોમાં વધુ ઉત્પાદન છે તે અનુક્રમે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક અને અન્ય રાજ્યો છે. સૌરાષ્ટ્રમાં જામનગર તથા જૂનાગઢ જિલ્લામાં અને ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં ચૂનાના પથ્થરો મળે છે. ભારતમાં આ ઉદ્યોગ દ્વારા 59 હજાર વ્યક્તિઓને રોજી મળી હતી.

ગુજરાત રાજ્ય ખા. ગ્રા. બૉર્ડ મારફત ‘એ’ ટાઇપના એકમ તથા ચૉક-એકમને વ્યક્તિગત ધોરણે કાર્યકારી મૂડી માટે લોન આપવામાં આવે છે; જ્યારે સંસ્થાગત રીતે ‘બી’ ટાઇપના ચૂના-એકમ માટે વ્યવસ્થાખર્ચ વગેરેની જોગવાઈ છે.

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડે 2003માં 229.13 લાખ રૂપિયાનું ચૂનાનું ઉત્પાદન જણાવ્યું હતું; જ્યારે 217 વ્યક્તિને રોજગારી આપી હતી.

નીરોતાડગોળ : દેશના જુદા જુદા ભાગોમાં તાડજૂથનાં ખજૂરી, નાળિયેરી, તાડ અને સાગો-પાસ એ ચાર પ્રકારનાં ઝાડ મળે છે. તાડ-ખજૂરાં ઉષ્ણ કટિબંધમાં ખાસ ઊગે છે. તાડ-ખજૂરાંની આશરે 100 વિવિધ જાતો ભારતમાં છે. દેશમાં તાડ તથા ખજૂરાંનાં લગભગ 18 કરોડ વૃક્ષો છે; તેમાંથી આશરે રૂ. 1,800 કરોડની વાર્ષિક આવક થઈ શકે અને બેકારીના સમયમાં ગ્રામજનોને પૂરક રોજી મળે. તેના ઉપયોગથી શેરડીના પાકમાં રોકાતી 66 લાખ એકરથી વધુ જમીન ડાંગર અને ઘઉં જેવા પાક માટે છૂટી થઈ શકે છે. તાડ-ખજૂરાં ઊબડખાબડ અને નકામી જમીનમાં તથા વહેળા અને ઝરાને કિનારે તથા દરિયાકિનારાની જમીનમાં અને ડુંગર ઉપર પણ થાય છે. આફ્રિકા, સિલોન અને ઈરાની અખાતના બંને કિનારે તે પુષ્કળ ઊગે છે. તે એકદળ વનસ્પતિ હોઈ તેની કલમ થતી નથી. વાવ્યા પછી 10-12 વર્ષે તે ફળે છે. તેનો સોટો ખૂબ ઊંચો હોય છે. ડાળાંપાંખડાં વિના તે ખૂબ ઊંચું વધે છે. માત્ર ટોચ પર 15 કે 20 મોટાં પાંદડાં હોય છે. ચૈત્ર માસમાં તેને ફૂલ અને વૈશાખમાં ફળ આવે છે. ભાદરવામાં ફળ પાકી જાય છે. તેનાં ફળને તાડિયાં કહે છે. તે નાળિયેરથી સહેજ નાનાં હોય છે. તેમાંથી કોપરા જેવો રસાદાર મીઠો ગર્ભ નીકળે છે; તે ગલેલી કહેવાય છે અને ખાવાના કામમાં આવે છે. ફળમાંથી ત્રણ કે ચાર ગોટલા નીકળે છે. તે તાડફળી કહેવાય છે. તાડગોળા કુમળા હોય ત્યારે સ્વાદિષ્ટ લાગે છે. જૂના તાડગોળા ખાવાથી અતિસાર થાય છે. તાડગોળામાં પાણી હોય છે જે નાળિયેરના પાણીની પેઠે પિવાય છે. તેમાંથી 80 જાતની જુદી જુદી બનાવટો બને છે. આ વૃક્ષોનું આયુષ્ય 60થી 100 વર્ષનું ગણાય છે.

તાડનાં પાંદડાં તથા રેસામાંથી સાદડી, ટોપલી, પંખા, આસન, ઑફિસ-બૅગ, દોરડાં, પર્સ, બ્રશ વગેરે બને છે. તાડના લાકડામાંથી લાકડીઓ બને છે. થડનાં બે ફાડિયાં પાડી તેનો ખેતરોમાં પાણી લઈ જવા ઉપયોગ થાય છે. નીરામાં નીચે જેવાં તત્વો છે. (જુઓ સારણી 2.)

સારણી 2 : નીરાનાં તત્ત્વોના પૃથક્કરણની વિગત (100 સી.સી.. દીઠ)

(1) પી. એચ. 6.7થી 6.9
(2) નાઇટ્રોજન 00.56
(3) પ્રોટીન 00.35
(4) સુક્રોઝ 10.93
(5) ઍશ 00.54
(6) કૅલ્શિયમ ટ્રેસીસ
(7) ફૉસ્ફરસ 00.14
(8) લોહ 00.04
(9) ટ્રાઇટ્રેબલ અમ્લતા 00.75
(10) વિટામિન ‘સી’ 13.25

આ ઉપરાંત નીરામાં 3.9 ઇન્ટરનૅશનલ યુનિટ્સ ઑવ્ વિટામિન ‘બી’ 1100 સી. સી. ઉપર છે અને કદાચ વિટામિન બી-કૉમ્પ્લેક્સનાં બીજાં દ્રવ્યો નજીવા પ્રમાણમાં હોઈ શકે. નીરાનું લોહ શરીરમાં લાલ કણો વધારે છે. ફૉસ્ફરસ હાડકાં અને જ્ઞાનતંતુને પોષણ આપે છે, આંતરડાં અને મૂત્રાશયના રોગોને દૂર કરે છે. વિટામિન ‘બી’ના અભાવે જે ક્ષતિ આવે છે તે નીરાના સેવનથી દૂર થાય છે. નીરાને વધુ દિવસ સાચવવાના પ્રયોગો ચાલુ છે.

વૃક્ષોના રસમાંથી નીરો અને તાડગોળ ઉપરાંત નીરાખાંડ, મીઠાઈઓ, નિરોલી, ઑરેંજ જેવાં સસ્તાં શરબતો, ચૉકલેટ, મધુપ્રાશ વગેરે બની શકે છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચની ન્યૂટ્રિશનલ લૅબોરેટરીમાં 100 ગ્રામ તાડગોળમાં નીચેનાં વિટામિન તથા તત્વો માલૂમ પડ્યાં છે. (જુઓ સારણી 3.)

સારણી 3 : તાડશર્કરામાંથી મળતાં વિટામિનો તથા ખનિજતત્ત્વો

(1) થાયમિન 160 માઇક્રોગ્રામ
(2) રિબૉફ્લૅવિન 429 માઇક્રોગ્રામ
(3) નિકોટિનિક ઍસિડ 1.98 માઇક્રોગ્રામ
(4) કૅલ્શિયમ 0.08 ટકા
(5) ફૉસ્ફરસ 0.064 ટકા
(6) લોહ 4.2

સ્વાસ્થ્ય માટેનું રાષ્ટ્રીય પીણુંનીરો : નીરાનું વિટામિન ‘સી’ સારું અને સસ્તું પડે છે. કાપેલાં ફળોમાંથી અર્ધા કલાકમાં તે નાશ પામે છે; જ્યારે નીરામાંનું વિટામિન ‘સી’ સ્થાયી હોઈ પેઢાંનાં દર્દો અને દાંતના સડાના ‘કેરીઝ’ જેવા રોગો માટે અસરકારક ઇલાજ ગણાય છે. નીરાનો તાડગોળ બનાવવાની પ્રક્રિયામાં નીરાને ઉકાળવાથી તે નાશ પામતું નથી, પણ વધુ ઘનિષ્ઠ રૂપમાં પ્રાપ્ત થાય છે. કેરળમાં સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને તેનો ગોળ ખવડાવવાનો રિવાજ છે. પશ્ચિમ બંગાળમાં તાડગોળ વાનગી તરીકે પીરસાય છે.

1988-89માં અખિલ ભારતીય ધોરણે નીરા-તાડગોળનું રૂ. 85.59 કરોડનું ઉત્પાદન થયું હતું અને 7.07 લાખ માણસોને રોજી મળી હતી, જ્યારે ગુજરાતમાં રૂ. 33 લાખનું ઉત્પાદન થયું અને 1080 માણસોને રોજી મળી હતી. ભારતમાં તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં આ ઉદ્યોગ વધુ વિકસ્યો છે.

પૅકેજિંગ ટેપનું નિર્માણ

ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડના અહેવાલમાં 2002-03ના વર્ષમાં તાડગોળનું ઉત્પાદન રૂ. 128.51 લાખનું બતાવ્યું હતું, જ્યારે વેચાણ રૂ. 201.19 લાખ રૂપિયાનું હતું અને 594 વ્યક્તિઓને રોજી મળી હતી. આવકની દૃષ્ટિએ રૂ. 80.67 લાખ રૂપિયાની રોજી પૂરી પાડવામાં આવી હતી.

પૉલિવસ્ત્ર : ખાદી-ગ્રામોદ્યોગ આયોગ તરફથી પૉલિયેસ્ટર રેસા અને રૂના મિશ્રણથી હાથે કાંતીને હાથે વણેલ કાપડને પૉલિવસ્ત્રને નામે માન્યતા મળી છે. ગુજરાતનું પૉલિવસ્ત્રનું ઉત્પાદન તામિલનાડુ પછી બીજે નંબરે છે. ભારતમાં 1988-89ના રૂ. 1341 લાખના પૉલિવસ્ત્રના ઉત્પાદનમાં તામિલનાડુનું રૂ. 748 લાખનું અને ગુજરાતનું રૂ. 221.5 લાખનું ઉત્પાદન હતું તે પછી ઓરિસા અને રાજસ્થાનનો ક્રમ આવે છે.

આ ઉદ્યોગમાં ભારતભરમાં 1988-89ના વર્ષમાં 19 હજાર વ્યક્તિને રોજગારી મળી હતી, જ્યારે ગુજરાતમાં 2,903 વ્યક્તિઓને રોજી મળી હતી. આ ઉદ્યોગમાં કામ કરનાર કાંતનાર-વણનારને ખાદીકામના કારીગરો કરતાં પ્રમાણમાં વધુ રોજી મળે છે. આ કામ કરનાર રજિસ્ટર્ડ સંસ્થા કે સહકારી મંડળીઓને તાલીમ અને ઉત્પાદનના કામમાં ખાદી આયોગ કે રાજ્ય બૉર્ડો દ્વારા યોજના પ્રમાણે મદદ કે ધિરાણ મળે છે.

શ્રીરામ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે પ્રયોગને અંતે તારવ્યું કે ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં 40/60 પ્રતિશત પૉલિવસ્ત્ર (40 પૉલિયેસ્ટર અને 60 ટકા રૂના રેસા) માટે વધુ ઉત્પાદનને અવકાશ છે. આ વસ્ત્ર બજારમાં વેચાતાં પૉલિયેસ્ટર કપડાંની તુલનામાં વધુ અનુકૂળ પડે તેમ લાગે છે. આ ઉદ્યોગ તામિલનાડુ, ગુજરાત, ઓરિસા અને રાજસ્થાનમાં વિશેષ રૂપે ચાલે છે.

ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડે 2002-03માં રૂ. 686.76 લાખ રૂપિયાનું ઉત્પાદન થયું હતું અને 3914 વ્યક્તિઓને રોજી પૂરી પાડવામાં આવી હતી.

ફળસંસ્કરણ અને પરિરક્ષણ ઉદ્યોગ : ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી પ્રજાનો મોટો ભાગ (80 ટકા) શાકાહારી છે. તેમને જરૂરી વિટામિન અને ખનિજતત્વો ફળ અને શાકભાજીમાંથી સારી રીતે મળે છે. ભારતમાં ફળ અને શાકભાજીનું ઉત્પાદન આશરે 2 કરોડ ટન કે તેથી વધુ છે. ખાદી આયોગના અહેવાલ પ્રમાણે ફળ અને શાકભાજી-પરિરક્ષણનું ઉત્પાદન (1988-89) રૂ. 9.32 કરોડનું અને રોજગારી મેળવનારની સંખ્યા 12 હજાર હતી. ભારતમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, મણિપુર, બિહાર, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં ચાલે છે.

દેશમાં શાકભાજી તથા ફળના રસો વગેરે ડબામાં બંધ કરી મોટા પ્રમાણમાં બજારમાં મુકાવા લાગ્યા છે. બટાટા અને ડુંગળી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની પ્રથા હવે સામાન્ય થવા લાગી છે. લીંબુ, સંતરાં, કેરી વગેરેમાંથી રસ કાઢી તેનો સ્ક્વૉશ (ઘટ્ટ) બનાવી શકાય છે. આ ઉપરાંત સ્ક્વૉશ-શરબતોની માંગ આ દેશમાં વધતી જતી હોઈ કૃત્રિમ દ્રવ્યોનાં શરબતો બનાવાય છે. આમળાં-સફરજનના મુરબ્બા તથા ગાજર, ફ્લાવર, કેરી, રીંગણાં, મરચાં અને લીંબુનાં અથાણાંની માગ વધતી જાય છે. ગાજર, ફ્લાવર, ડુંગળી, બટાટાની સુકવણી વેચી શકાય છે. તે પ્રમાણે ફળોની પણ સુકવણી કરી શકાય છે.

આ ઉપરાંત સ્વાદિષ્ટ ચટણી, મુરબ્બા, કૅન્ડી, જામ, જૅલી, માર્મલેડ તથા ફળના ચોખ્ખા રસ, વટાણા વગેરે તથા કેરી, અનનાસ વગેરે તેમજ ટમેટાંની અન્ય બનાવટો બનાવી શકાય છે તથા ડબ્બામાં તેમને પૅક કરી સાચવી શકાય છે. આ માટેની તાલીમ 15 દિવસની હોય છે. અમદાવાદની ફ્રૂટક્રાફ્ટ ઇન્સ્ટિટ્યૂટ તથા વડોદરા, નવસારી અને જૂનાગઢમાં કૉમ્યુનિટી ટ્રેનિંગ સેન્ટર દ્વારા તાલીમની વ્યવસ્થા છે. પૂરતા પ્રમાણમાં તાલીમ માટે માગણી ન હોય તો સ્થળ પર ગુજરાત રાજ્ય ખાદી બૉર્ડ કે જે તે રાજ્યના બૉર્ડ તાલીમની વ્યવસ્થા કરે છે તથા ધિરાણ અને સહાય પૂરાં પાડે છે.

મધમાખઉછેર : ભારતનો આ પ્રાચીન ઉદ્યોગ ખેતીવાડી-બાગાયત માટે ઘણો ઉપયોગી છે. મધ માટે સંસ્કૃતમાં मधु શબ્દ છે, જેનો અર્થ થાય છે મીઠાશ. જે ઋતુમાં મધ વધુ થાય છે તે ઋતુને મધુ અથવા વસંત કહે છે. મધમાખની અનેક જાતો છે. તેમાંની એપિસ ઇન્ડિકાને ભારત દેશનું નામ આપવામાં આવ્યું છે. આ માખી દક્ષિણ ગુજરાત, પંચમહાલ અને સાબરકાંઠાનાં જંગલોમાં મળે છે.

પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીને કાંઠે આ ધંધો ખીલ્યો હતો. વૈદ્યાચાર્ય સુશ્રુતે અને ચરકે દવામાં મધના અનેક ઉપયોગ બતાવ્યા છે. દમ, શરદી, કફ અને વાધણી જેવાં દર્દો માટે મધ અકસીર છે. તે ચાંદાં મટાડે છે અને દાઝેલા પર કામ આપે છે, ગૂમડાંને પકવે છે અને સવારે નરણે કોઠે લેવાથી શરીરનું વજન ઘટાડવા સાથે સ્ફૂર્તિ આપે છે. મધુપ્રમેહવાળા પણ તે લઈ શકે છે, કારણ કે તેનાથી શરીરમાં ખાંડનું પ્રમાણ વધતું નથી અને શક્તિ જળવાઈ રહે છે. મધ હૃદય, મગજ અને હોજરીને ફાયદાકારક છે. જંતુ (bacteria) વિનાના જે થોડાક ખોરાક છે તેમાં મધ એક છે. મધ એક કિલોએ 3500 કૅલરી શક્તિ આપે છે; જે 65 ઈંડાં, 12 કિલો સફરજન અને 13 પિન્ટ દૂધ બરાબર છે. તેમાં વિટામિન ‘બી’, લોહ, અનેક ઍસિડ, પ્રોટીન અને એન્ઝાઇમો છે. તે જીવાણુઓનો નાશ પણ કરે છે.

મધમાખી-ઉછેરનો ધંધો નફાકારક છે. ખાદી ગ્રામોદ્યોગ આયોગ આ કામ માટે સહાય અને ધિરાણ આપે છે. આ ધંધામાં વ્યક્તિ આવડત અને મહેનત પ્રમાણે રૂપિયા ત્રણ હજારથી દસ હજાર કે તેથી વધુ કમાઈ શકે છે. મધમાખ એક જગાથી બીજી જગ્યાએ સ્ત્રીકેસર અને પુંકેસર લઈ જાય છે; તેથી ખેતીવાડીના ઉત્પાદનમાં 25થી 30 ટકાનો વધારો થાય છે. બાગાયત ખેતીમાં 25થી 30 ટકા કે તેથી વધુ ફાયદો મળે છે. મધમાખ ખેડૂતની મિત્ર છે.

મધ વર્ષો સુધી જળવાઈ રહે છે. ઇજિપ્તની શાહી કબરોમાંથી 3,380 વર્ષ જૂના મધના માટીના કુંભો મળી આવ્યા હતા, તેમાંનું મધ કાળું પડ્યું હતું; પરંતુ ગુણવત્તામાં એવું ને એવું જ રહ્યું હતું. બાળકોના વિકાસમાં મધ ઉપયોગી છે. તેનાથી બાળક તંદુરસ્ત અને પ્રફુલ્લિત રહે છે. મધથી આંતરડાંને ઉપયોગી ઍસીકોકલિસ જીવાણુઓની વૃદ્ધિ થાય છે અને કોહવાટ આણનાર જીવાણુઓની વૃદ્ધિ અટકે છે.

વૈજ્ઞાનિકો જણાવે છે કે પૃથ્વી પર મનુષ્ય કરતાં મધમાખ પહેલી આવી છે. ઍરિસ્ટોટલ, કેટો વગેરે વિદ્વાનોએ મધમાખ-ઉછેર પર પુસ્તકો લખ્યાં છે. ભારતમાં વ્યવસ્થિત રીતે મધમાખ-પાલનની શરૂઆત જે. સી. ડગ્લાસ નામના અંગ્રેજે કરી હતી. ઉત્તર ભારતમાં કાંગડી, કુલુ વગેરે વિસ્તારમાં સરકાર તરફથી મધમાખી-કેન્દ્રો શરૂ થયાં છે. નૈનિતાલમાં મધ-ઉદ્યોગની તાલીમ અપાય છે અને અખિલ ભારતીય મધમાખી-પાલન સંઘની સંસ્થા અહીં શરૂ થઈ છે. રશિયા અને અમેરિકા આ કામમાં આગળ છે અને ખેતીના પાકમાં તેનાથી મળતા લાભો મેળવે છે.

મધપૂડામાં એક રાણી હોય છે. તેમાં બીજી જે નર અને માદા માખીઓ હોય તે બધી સેવિકાઓ હોય છે. મધપેટીઓ જ્યાં ગોઠવવામાં આવે ત્યાં તેમની આજુબાજુ 3 કિલોમિટર સુધીમાં ફળફૂલના બગીચા હોવા જરૂરી છે. આ ઉદ્યોગ મધના ઉત્પાદન ઉપરાંત પાકની વૃદ્ધિ તેમજ પૂરક રોજી માટે મહત્વનો છે.

1988-89ના વર્ષમાં ડાંગ અને વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તાર પેટાયોજનાના બજેટમાંથી રૂ. 30,000 મંજૂર કરી 150 મધપેટીઓની જોગવાઈ કરવામાં આવી હતી.

અખિલ ભારતીય ખાદી ગ્રા. બૉ. આયોગના 1988-89ના રિપૉર્ટમાંની નોંધ પ્રમાણે મધનું ઉત્પાદન રૂ. 17.38 કરોડનું અને રોજગારી રૂ. 235 લાખની હતી.

આમ, મધ એક સંપૂર્ણ ખોરાક છે અને વિશ્વભરમાં તે પ્રચલિત છે.

મધમાખીપાલન એક ગ્રામોદ્યોગ છે. પાકને ફૂલ બેસે ત્યારે ખેતરમાં મધમાખ માટેની પેટી રાખવાથી મધ પણ મળે છે અને પાકમાં ફાયદો પણ થાય છે. મધમાખની પેટીમાં માખી મધપૂડા બાંધી મધ ભેગું કરે છે. ડ્રમમાં મધપૂડા મૂકી ડ્રમને ગોળ ગોળ ફેરવી મધ છૂટું પાડવામાં આવે છે પણ મધપૂડા સલામત રહે છે. આમ કરવાથી મધમાખને ફરીથી પૂડો બાંધવાની મહેનત કરવી પડતી નથી.

સારણી 4 : મધનું રાસાયણિક વિશ્લેષણ

 ક્રમ દ્રવ્ય
 (1) પાણી 20.6 %
 (2) પ્રોટીન 0.3 %
 (3) કાર્બોદિતો 79.5 %
 (4) ખનીજદ્રવ્ય 0.2 %
 (5) કૅલ્શિયમ 5.0 મિ.ગ્રામ
 (6) ફૉસ્ફરસ 16.0 મિ.ગ્રામ
 (7) લોહ 9.0 મિ.ગ્રામ
 (8) રાઇબૉફ્લૅવિન 0.04 મિ.ગ્રામ
 (9) નાયેસિન 0.2 મિ.ગ્રામ
(10) પ્રજીવક ‘સી’ 4.0 મિ.ગ્રામ

     ઉપરાંત રંજક દ્રવ્યો જેવાં કે કેઓટીન, ક્લોરોફિલ, ઝેન્થોફિલ, અન્થેસાયનિન અને ટેનિનનો સમાવેશ થાય છે. વળી તેમાં ફોર્મિક, એસેટિક અને ફોસ્ફોટિક ઍસિડ મળી આવે છે. મધમાં ઇન્વેર્ટઝ, ડાયાસ્ટેક, એમાઇલેઝ અને કૅટાલૅઝ નામના ઉત્સેચકો વધારે પડતા ભેજની હાજરીમાં આથવણની ક્રિયા કરે છે.

મધમાખ એક ફૂલ પરથી ઊડીને બીજા ફૂલ પર બેસે છે. આ રીતે મધમાખ ફૂલની અંદરનો માદાબીજવાળો ભાગ (સ્ત્રીકેસર) તેમજ નરબીજવાળો ભાગ (પુંકેસર) બંનેને ભેગા કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયાથી પાકનું ઉત્પાદન સહેજે દોઢું કે બમણું થાય છે.

ફૂલની મોસમ ન હોય ત્યારે મધમાખને ખાંડનું પાણી આપવું પડે છે. કોઈ વાર મધમાખોને બીજે ખસેડવી પડે છે. બહુ ગરમીવાળી જગ્યા તેને અનુકૂળ આવતી નથી. મધમાખી-ઉછેરનો ધંધો મૂળે તો પ્રાચીન ઇજિપ્તનો મનાય છે. હાલ ઉત્તર અને દક્ષિણ ભારતમાં મધમાખ-ઉછેરનું કામ વધતું જાય છે. રશિયા, અમેરિકા તથા બીજા દેશોમાં પણ આ કામ મોટા પાયા પર ચાલે છે.

રેસાઉદ્યોગ : ખેડૂતો તથા ખેતમજૂરો ભીંડી, શણ, કેતકી, મુંજ, કેળ વગેરેના રેસામાંથી દોરી, દોરડાં, સૂતળી વગેરેની સાથે સાથે અમુક જાતના ઘાસમાંથી સુંદર આસન, શેતરંજી, પાટી, પૅકિંગનું કાપડ વગેરે બનાવીને કમાણી કરી શકે છે.

ભારતમાં અને ગુજરાતમાં પણ જંગલ-વિસ્તારના ઊંડાણનાં ગામડાંમાં વસતાં આદિવાસી કુટુંબો સારી જાતનાં પડિયા-પતરાળાં બનાવી શકે તે માટે વીજળીથી ચલાવી શકાય તેવાં મશીનો ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડ દ્વારા અપાય છે. 1988-89ના વર્ષમાં આવાં 11 મશીનોનું વિતરણ થયું હતું.

આ ઉદ્યોગ સાથે જોડાયેલાં કારીગરો ઝડપી અને સારી રીતે દોરડાં-દોરડી બનાવી શકે તે માટે ખાદી આયોગ મારફત બિનઆદિવાસી માટે 50 ટકા લોન અને 50 ટકા સહાય તથા આદિવાસી માટે 25 ટકા લોન અને 75 ટકા સહાયથી દોરડાં બનાવવાનાં મશીનો પૂરાં પાડવામાં આવે છે. આ માટે તાલીમવર્ગો પણ યોજવામાં આવે છે.

ખાદી આયોગના અહેવાલ પ્રમાણે 1988-89માં રેસા-ઉદ્યોગમાં રૂ. 52.15 કરોડનું ઉત્પાદન થયું હતું અને 2.48 લાખ વ્યક્તિઓને રોજી મળી હતી.

ભારતમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં વધુ વિકસ્યો છે.

અખિલ ભારત ખા. ગ્રા. આયોગના રિપોર્ટ મુજબ 2002-03માં હાથકાગળ અને રેસા-ઉદ્યોગનું ભેગું ઉત્પાદન રૂ. 39,700નું થયું હતું, જ્યારે 3.48 લાખ માણસોને રોજગારી મળી હતી અને તેમને રૂ. 13,094 લાખ આવક થઈ હતી.

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડના અહેવાલ પ્રમાણે રેસા-ઉદ્યોગમાં 2002-03માં રૂ. 3.72 લાખનું ઉત્પાદન થયું હતું, જ્યારે એ જ વર્ષોમાં 30 હજાર માણસોને રોજગારી મળી હતી.

વાંસ અને નેતર ઉદ્યોગ : જંગલમાં વસતા કોટવાળિયા જ્ઞાતિના તેમજ હરિજનો, વાદી અને આદિવાસીઓ દ્વારા ચાલતો ઉદ્યોગમાં કારીગરો સહકારી મંડળી જેવી સંસ્થા પાસેથી રાહત દરે કાચા માલ તરીકે વાંસ ખરીદે છે. તેમાંથી ટોપલા, સાવરણા, સૂપડાં વગેરે બનાવીને વેપારીઓને અને છૂટક ગ્રાહકોને વેચે છે.

અખિલ ભારત ખાદી ગ્રામોદ્યોગ આયોગના અહેવાલ મુજબ 1988-89ના વર્ષમાં રૂ. 40.69 કરોડનું ઉત્પાદન આ ઉદ્યોગમાં થયું હતું. તેમાં આશરે 1.42 લાખ માણસોને રોજી મળી હતી, જ્યારે ગુજરાતમાં તે વર્ષે રૂ. 14.06 લાખનું ઉત્પાદન થયું હતું અને 1329 માણસોને રોજી મળી હતી.

ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં આ ઉદ્યોગ વિકસ્યો છે.

ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડના અહેવાલમાં આ ઉદ્યોગમાં 2002-03માં રૂ. 173.24 લાખનું ઉત્પાદન હતું અને 1809 વ્યક્તિઓને રોજી મળી હતી. આમ આ ઉદ્યોગમાં એકધારી રોજી મળતી રહી છે.

સુથારીલુહારી : આર્થિક રીતે નબળા અને અપૂરતાં સાધનો દ્વારા સ્વરોજગારી મેળવતા સુથાર-લુહારને આર્થિક મદદ કરી ધંધાના વિકાસ અર્થે સાધનો પૂરાં પાડી રોજગારીની નવી તકો ઊભી કરવા ખાદી કમિશન અને રાજ્ય બૉર્ડો પ્રયત્ન કરે છે.

આ જોડિયો ઉદ્યોગ ખેતી જેટલો જૂનો હોઈ બંને એકબીજાનાં પૂરક છે. ખેતીનાં સાધનોમાં હળ, દંતાળી, ખરપડો વગેરેમાં લાકડાનું ઘડતરકામ સુથાર કરે છે અને તેમાં દાંતા-કોશ-રાંપ વગેરે લોખંડનાં હોય તે લુહાર ઘડી આપે છે.

1988-89માં ખાદી ગ્રામોદ્યોગ આયોગના અહેવાલ પ્રમાણે આ ઉદ્યોગમાં ભારતમાં રૂ. 204.48 કરોડનું ઉત્પાદન થયું હતું અને 2.74 લાખ માણસોને રોજી મળી હતી; જ્યારે ગુજરાતમાં તે વર્ષે રૂ. 764 લાખનું ઉત્પાદન થયું હતું અને 1,924 માણસોને રોજી મળી હતી.

ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 2002-03માં રૂ. 3180.33 લાખનું ઉત્પાદન થયું હતું; જ્યારે 4,383 વ્યક્તિઓને રોજી મળી હતી. તે જ વર્ષમાં રૂ. 751.70 લાખ રૂપિયાની આવક અથવા કમાણી થઈ હતી.

હાથકાગળ : ભારત સરકારે હાથબનાવટના કાગળને ખાદી-ગ્રામોદ્યોગ આયોગની દેખરેખ નીચે મૂક્યો છે તે માટે નાણાકીય સહાય, માર્ગદર્શન, તાલીમ અને સંશોધન વગેરે કાર્યક્રમો આયોગે વ્યવસ્થિત ગોઠવતાં તેનો વિકાસ થયો છે. આ કાગળનું ઉત્પાદન દેશની કાગળની કુલ જરૂરિયાતના આશરે છ-સાત ટકા જેટલું થવા જાય છે. કાગળની મિલના કામદારદીઠ લગભગ રૂપિયા 75,000થી 1,00,000નું રોકાણ જરૂરી બને છે, જ્યારે હાથકાગળમાં કામદારદીઠ રૂ. 4,000થી 5,000નું રોકાણ જરૂરી છે. આ ઉદ્યોગ શ્રમપ્રધાન હોવાથી તેને સરકાર કરવેરામાંથી રાહત આપે છે.

આ કામમાં ઉત્પાદકતા અને ગુણવત્તા બંને વધારવા માટે તેમાં ‘સિલિંડર મોલ્ડ વાટ’ અપનાવાયો છે. કાચા માલના સ્વરૂપે પરાળ, ઘાસ, ભૂસું અને તુવરની સાંઠી જેવી ખેતપેદાશોનો ઉપયોગ કરવા આ પદ્ધતિ અપનાવવી જરૂરી બની છે. પુણે(મહારાષ્ટ્ર)માં અખિલ ભારતીય સ્તરનું હાથકાગળ-ઉદ્યોગનું સંશોધનકેન્દ્ર છે.

મિલકાગળ માટે વૃક્ષો અને વાંસ વગેરે કપાય છે અને તેને લીધે જંગલોનું પ્રમાણ ઘટે છે; જ્યારે હાથકાગળમાં નકામાં ચીંથરાં, પસ્તીના કાગળ અને ખેતીના પાકોની બિનઉપયોગી ચીજો કામમાં લેવાથી વૃક્ષો કપાતાં અટકે છે. આ કાગળથી પ્રદૂષણ થતું નથી. ઓછા રોકાણથી વધુ માણસોને રોજી મળે છે. વિદ્યુત અને ઑઇલ એન્જિનની શક્તિ ઓછી વપરાય છે. તેમાં મોટાં યંત્રોની જરૂર પડતી નથી.

અખિલ ભારત ખાદી-ગ્રામોદ્યોગ આયોગના 1988-89 રિપૉર્ટ પ્રમાણે આ ઉદ્યોગ દ્વારા દર વર્ષે લગભગ રૂ. છ કરોડનું હાથકાગળનું ઉત્પાદન થાય છે અને પાંચ હજાર માણસોને રોજી મળે છે. ગુજરાત રાજ્ય ગ્રામોદ્યોગ બૉર્ડના હેવાલ પ્રમાણે ગુજરાતમાં 1990-91 દરમિયાન રૂ. 47.32 લાખનું હાથકાગળનું ઉત્પાદન થયું અને 276 માણસોને રોજગારી મળી હતી. આ ઉદ્યોગ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન અને પોંડિચેરી રાજ્યમાં સારો ચાલે છે.

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડે 2002-03માં રૂ. 63.55 લાખનું હાથકાગળનું ઉત્પાદન દર્શાવ્યું છે, જ્યારે 79 વ્યક્તિઓને 17.02 લાખ રૂપિયા મળ્યા હતા.

હાથછડઉદ્યોગ : આ ઉદ્યોગમાં ડાંગરમાંથી ચોખા, મમરા, પૌંઆ તથા કઠોળમાંથી દાળ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલે છે. વળી મસાલા, પાપડ, ચણા, દાળિયા, પોપકૉર્ન તેમજ બેકરીની ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉદ્યોગ ગ્રામલક્ષી હોઈ ઊંડાણનાં ગામોમાં વસતા કારીગરો તથા બહેનોને રોજી મળી શકે છે અને સ્થાનિક લોકોને શુદ્ધ, સાત્વિક આહાર પૂરો પાડી શકે છે.

હાથે છડેલા ચોખામાં મિલના ચોખા કરતાં વિટામિન તથા અન્ય તત્વો વધુ હોય છે. વળી ચોખામાં પૉલિશ ઓછી થતી હોવાથી પ્રમાણમાં માલનો ઉતારો વધુ મળે છે.

મિલના ચોખા ખાનાર કુટુંબોમાં બેરીબેરી, રિકેટ્સ, બરોળ અને કબજિયાતનાં દર્દો થવાનો સંભવ હોય છે.

ભારતની કુલ ખેતીમાં લગભગ 37 ટકા ખેતી ડાંગરની છે અને 70 ટકા લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. દેશના 30 ટકા લોકોનો તો ચોખા એ જ મુખ્ય ખોરાક છે. આ ઉદ્યોગથી બહેનોને વર્ષમાં સરેરાશ 150 દિવસ પૂરી કે આંશિક રોજી મળી શકે છે.

સારણી 5 : હાથછડના ચોખામાં ખોરાકી તત્ત્વો (ટકાવારીમાં)

ક્રમ ખોરાકી તત્વો કાચા

મિલછડ

હાથછડ ઉકાળેલા

મિલછડ

હાથછડ

છોડાં

સાથે

(1) પ્રોટીન 6.9 8.5 6.4 8.5
(2) ચરબી 0.4 0.6 0.4 0.6
(3) ખનિજ 0.5 0.7 0.8 0.9
(4) કૅલ્શિયમ 0.01 0.01 0.01 0.01
(5) ફૉસ્ફરસ 0.11 0.17 0.15 0.28
(6) લોહ 1.0 2.8 2.2 2.8
(7) વિટામિન ‘બી’

(યુનિટ દર 100 ગ્રા.)

20 20 70 90
(8) કેરોટિન 0.0 4.0 0.0 0.15

 

જે ગામોમાં ડાંગરનો પાક વધુ હોય ત્યાં એન્જિન કે વીજળીની સગવડ વડે દહાણુની (મહારાષ્ટ્ર) બનાવટના શેલર પૉલિશર ગોઠવી ચોખા પૂરા પાડી શકાય છે. રાઇસ પૉલિશરનાં નાનાં યંત્રો ખાદી-ગ્રામોદ્યોગ આયોગની સુથારી-લુહારી વર્કશૉપ, દહાણુમાંથી લોન પર પણ મળી શકે છે. આ સાધનથી છોડાં, કુશકી અને ચોખા જુદાં પડે છે. હલરની અવેજીમાં તે સાધન ઉત્તમ પુરવાર થયું છે. પોષણની દૃષ્ટિએ તેમાં પ્રોટીન, ચરબી, ફૉસ્ફરસ, લોહ તથા વિટામિન ‘બી’ વધુ હોય છે.

અનાજ અને દાળ-પ્રશોધન માટે ‘પૅડી શેલર’ (Dehusker), રાઇસ-પૉલિશર, પૌંઆ-મશીન; બેકરી માટે ભઠ્ઠી, સાધનો, રાચરચીલું, ફર્નિચર તથા ડેપો માટે લોન આદિ મદદની યોજના છે.

ખાદી-ગ્રામોદ્યોગ આયોગના 1988-89ના અહેવાલ પ્રમાણે આ ઉદ્યોગમાં રૂ. 111 કરોડનું ઉત્પાદન થયું હતું અને 1.18 લાખ લોકોને રોજગારી મળી છે, જ્યારે ગુજરાતમાં તે વર્ષે રૂ. 162 લાખનું ઉત્પાદન અને 459 માણસોને રોજી મળી હતી. આ ઉદ્યોગ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, મણિપુર, બિહાર, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વધુ વિકસ્યો છે.

ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બૉર્ડ તેના અહેવાલમાં 2002-03માં 416.16 લાખ રૂપિયાનું ઉત્પાદન કર્યું હતું ત્યારે 1833 વ્યક્તિઓને રોજી મળી હતી. આ લોકોની કમાણી 2002-03માં 103.40 લાખ રૂપિયા થઈ હતી.

ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં કુટિર-ઉદ્યોગોનું આર્થિક સ્થાન ઘણું અગત્યનું છે. ઓછી મૂડી તથા અન્ય અલ્પ સાધનો દ્વારા તે ઊભા કરી શકાય છે. મહદંશે કુટુંબના સભ્યોના શ્રમથી તેમાં ઉત્પાદન થતું હોવાથી અન્ય ક્ષેત્રના એકમો કરતાં તેનું સરેરાશ ઉત્પાદનખર્ચ ઓછું હોય છે. સાદાં અને સસ્તાં ઓજારો દ્વારા પૂરક રોજગારી અને પૂરક આવકનું અગત્યનું સાધન તે પૂરું પાડે છે. તેમાં વપરાતાં સાધનોની ખરીદી તથા તૈયાર થતા માલનું વેચાણ સ્થાનિક કે આજુબાજુના વિસ્તારમાં થતું હોવાથી તેની સંચાલન-વ્યવસ્થામાં કોઈ આંટીઘૂંટી હોતી નથી; એટલું જ નહિ પરંતુ નિષ્ક્રિય અવસ્થામાં પડેલાં ઉત્પાદનનાં સાધનોને ઉત્પાદનક્ષેત્રે સક્રિય બનાવી તેનો ઇષ્ટ ઉપયોગ કરી શકાય છે. તે શ્રમપ્રધાન હોવાથી ગ્રામીણ વિસ્તારના ઘણા લોકોને તે રોજગારી પૂરી પાડે છે. તાલીમ વિનાના કે અલ્પ તાલીમ ધરાવતા શ્રમિકો દ્વારા તેમાં ઉત્પાદન મેળવવું શક્ય બને છે. તેનું ઉત્પાદન અલ્પ હોવાથી આવક અને સંપત્તિના કેન્દ્રીકરણને તે ઉત્તેજન આપતા નથી; તે ક્ષેત્રમાં ઇજારાની શક્યતાઓનો અભાવ હોય છે અને તેથી ગ્રાહકોનું શોષણ અટકાવી શકાય છે; ખેતીની ઋતુ સિવાયના સમયમાં પણ તે ખેતી સાથે સંકળાયેલા માનવશ્રમને રોજગારીની તક પૂરી પાડી શકે છે, ખેતી પરનું વસ્તીનું દબાણ ઘટાડવામાં અને તે દ્વારા ભારતમાં પ્રચ્છન્ન બેકારીની સમસ્યા હળવી કરવામાં તે ઘણો મોટો ફાળો આપી શકે છે. આવા ઉદ્યોગોના વિકાસ દ્વારા આર્થિક વિષમતા ઘટાડી શકાય છે, તેમના વિકાસ દ્વારા ગ્રામગરીબી અને ગ્રામબેકારી ઘટવાથી ગ્રામીણ પ્રજાના જીવનધોરણમાં સુધારો કરી શકાશે અને તેમ થાય તો ગ્રામ વિસ્તારની માનવશ્રમની કાર્યકુશળતામાં વધારો થતાં રાષ્ટ્રીય ઉત્પાદન અને માથાદીઠ ઉત્પાદનમાં વધારો કરી શકાય. કુટિર-ઉદ્યોગોના આ લાભોને કારણે  સ્વાધીનતા પછી અને ખાસ કરીને આર્થિક આયોજનના અત્યાર સુધીના ગાળા દરમિયાન તે ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય મારફત સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને તે દિશામાં આ ઉદ્યોગોને અનેક પ્રકારની રાહત અને છૂટછાટો આપવામાં આવી છે. કલાકૌશલ્ય માગતી વસ્તુઓ તથા જે વસ્તુઓની માગમાં વ્યક્તિગત પસંદગી સવિશેષ ભાગ ભજવે છે તેના ઉત્પાદનમાં તથા સર્જનમાં કુટિર-ઉદ્યોગનું સ્થાન અનન્ય છે.

કુટિર-ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારો તથા ખાસ સ્થપાયેલાં મંડળોની છે. કેન્દ્ર સરકારની જવાબદારી તકનીકી શિક્ષણ પૂરું પાડવું, સંશોધનને પ્રોત્સાહન આપવું, ભાડા-ખરીદ પદ્ધતિ દ્વારા તે ઉદ્યોગો માટે યંત્ર તથા ઓજારો જેવાં અન્ય સાધનોની ખરીદીની ગોઠવણ કરવી, સવલત પૂરી પાડવી અને તેમાં ઉત્પન્ન થતી વસ્તુઓનો પ્રચાર કરવો એટલા પૂરતી મર્યાદિત રાખવામાં આવી છે.

સારણી 6 : ભારતના ગ્રામોદ્યોગો (2002–03) (લાખ રૂપિયામાં)

ક્રમ ઉદ્યોગો ઉત્પાદન વેચાણ રોજગારી

(લાખ સંખ્યામાં)

ઉપાર્જન
(1) ખનિજ-આધારિત ઉદ્યોગ 1,25,684 15,12,424 10.35 52,146
(2) વન-આધારિત ઉદ્યોગ 073797 085101 04.11 20,242
(3) બહુલક તથા રસાયણ-ઉદ્યોગ

(Poly & Chem. Industry)

1,37,224 1,99,486 08.61 64,162
(4) કૃષિઆધારિત અને ખાદ્ય ઉદ્યોગ 2,18,970 2,75,948 21.91 82,580
(5) હાથકાગળ અને રેસા-ઉદ્યોગ 039693 050133 03.48 13094
(6) ગ્રામીણ યાંત્રિકી તથા જૈવ ટેકનિકલ ઉદ્યોગ 1,57,880 138283 06.85 47047
(7) સેવા ઉદ્યોગ (Service) 059,378 061196 02.56 28272
(8) કુલ 8,12,630 961571 57.87 307543

સારણી 7 : ગુજરાત રાજ્યના ગ્રામોદ્યોગો (2002–03) (લાખ રૂપિયામાં)

ક્રમ ઉદ્યોગો ઉત્પાદન વેચાણ રોજગારી

(હજારમાં)

ઉપાર્જન
(1) ખનિજ-આધારિત ઉદ્યોગ 06,685 10,133 17 1,422
(2) વન-આધારિત ઉદ્યોગ 0.3320 04,629 02 0342
(3) બહુલક તથા રાસાયણિક ઉદ્યોગ

(Poly & Chem. Industry)

07,306 13,192 06 1,739
(4) કૃષિઆધારિત અને ખાદ્ય-ઉદ્યોગ 12,370 19,403 12 2,477
(5) હાથકાગળ અને રેસા-ઉદ્યોગ 02,238 03,513 02 0387
(6) ગ્રામીણ યાંત્રિકી તથા જૈવ ટેકનિકલ ઉદ્યોગ 08,403 09,127 12 1,264
(7) સેવા-ઉદ્યોગ (Service) 03,856 03,829 20 0730
(8) કુલ 44,177 63,825 71 8,361

 

અંબાલાલ પટેલ