કાર્પેથિયન હારમાળા

January, 2006

કાર્પેથિયન હારમાળા : મધ્ય યુરોપના સ્લોવેકિયા, પોલૅન્ડ, યુક્રેન, મોલ્દોવા અને રુમાનિયામાંથી પસાર થતી અર્ધચન્દ્રાકાર હારમાળા. ભૌ. સ્થાન : તે 480 00’ ઉ. અ. અને 240 00’ પૂ.રે.ની આજુબાજુ વિસ્તરેલી છે, તેની લંબાઈ 1450 કિમી. જેટલી છે. તેની ઉત્તરે સ્લોવેકિયા અને પોલૅન્ડની સીમા પર મધ્ય ટાટ્રા હારમાળા આવેલી છે. કાર્પેથિયન પર્વતમાળામાંથી નીકળતી મુખ્ય નદીઓ – ડેન્યૂબ અને દનેસ્ત્ર – કાળા સમુદ્રને મળે છે. આ વિસ્તારમાં ખેતી, જંગલપેદાશો તથા પ્રવાસ આર્થિક ર્દષ્ટિએ મહત્વના ગણાય છે.

કાર્પેથિયન હારમાળાના ખડકો મુખ્યત્વે શેલ અને રેતીખડકોથી બનેલા છે. આ હારમાળા ટેથિઝ સમુદ્રના ખસી જવાના અંતિમ ચરણ(આશરે પાંચ કરોડ વર્ષ વ.પૂ.)માં તૈયાર થયેલી છે.

(1) પશ્ચિમ કાર્પેથિયન હારમાળા : વિયેના તટપ્રદેશ અને હોસ્નેડ નદી વચ્ચેના પહાડી પ્રદેશમાં મધ્યની હારમાળા 1200 મીટર કરતાં વધુ ઊંચી છે. આ પહાડોમાં સૌથી ઊંચું શિખર ગેરલાશોવ્સ્કાન (2656 મીટર) છે તેમજ આની દક્ષિણે જ્વાળામુખીઓ આવેલા છે.

(2) મધ્ય કાર્પેથિયન હારમાળા : પ્રમાણમાં સાંકડી અને નીચી આ હારમાળાના પર્વતો આશરે 100 કિમી.ના પહોળા વિસ્તારમાં ટીસકા પ્રદેશની ઉત્તર તરફ પથરાયેલા છે.

(3) પૂર્વ કાર્પેથિયન હારમાળા : બ્રાસોવ તરફ ફેલાયેલા આ પર્વતો ઉપર જંગલો વિકાસ પામ્યાં છે.

(4) દક્ષિણ કાર્પેથિયન હારમાળા : આ હારમાળા ટ્રાન્સિલવેનિયન આલ્પ્સ તરીકે પણ ઓળખાય છે. ડૅન્યૂબ પ્રદેશના 1215થી 2530 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પહાડોમાં અનેક પ્રકારનાં ખનિજો-કોલસો, લોખંડ, મીઠું, કુદરતી ગૅસ, તાંબું, ચાંદી અને સોનું મળે છે.

જ્યોતેન પ્ર. વ્યાસ