કામદાર-શિક્ષણ : કાર્યક્ષેત્ર, જાગરુકતા તથા વ્યક્તિગત તેમજ કૌટુંબિક વિકાસમાં મદદરૂપ એવું કામદારોને અપાતું શિક્ષણ. આવા શિક્ષણ દ્વારા કામદારોનું કાર્યકૌશલ વધારવાનો, સંઘશક્તિ પ્રત્યે તેમને સભાન કરવાનો તથા તેમનામાં સારા નાગરિકોના ગુણ કેળવવાનો હેતુ હોય છે. કામદાર-શિક્ષણનું આયોજન કરતી વેળાએ કેટલીક અગત્યની બાબતોનો અગાઉથી વિચાર કરવામાં આવે છે, જે તેની સફળતા માટે જરૂરી ગણાય છે. કામદારના અંગત વિકાસ માટેની શૈક્ષણિક તથા બૌદ્ધિક જરૂરિયાતો, કારીગરોની કાર્યક્ષમતાનો સ્તર, તેમાં સુધારો કરવાની શક્યતા તથા તે માટેના ઉપાયો, કામદારવર્ગના ન્યાયોચિત અધિકારો હાંસલ કરવા માટે ઊભા કરવામાં આવેલા સંગઠન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, સારા નાગરિક તરીકે સુખી અને સુગ્રથિત જીવન જીવવા માટેની તેમની ઝંખના વગેરે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને (International Labour Organisation, I.L.O.) વિશ્વમાં થઈ રહેલાં ઝડપી આર્થિક, તકનિકી તથા સામાજિક પરિવર્તનોના સંદર્ભમાં કામદાર-શિક્ષણની અનિવાર્યતા તથા મહત્વ પર વિશેષ ભાર મૂક્યો છે.

કામદારશિક્ષણનાં ધ્યેયો : (1) કૌટુંબિક તથા સામાજિક જવાબદારીઓના પરિપ્રેક્ષ્યમાં દરેક કામદાર પોતાની જીવનપ્રણાલી નિર્ધારિત કરવા અને તે અમલમાં મૂકવા સક્ષમ બને તેવા સંસ્કારોનું તેનામાં સિંચન કરવું, (2) કામદારવર્ગની ઉત્પાદકતા તથા કારીગરની કાર્યદક્ષતામાં સુધારો કરી તેમને દેશના આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધ કરવા, (3) પોતાના ન્યાયોચિત અધિકારો તથા ફરજો પ્રત્યે કામદારવર્ગમાં સભાનતા કેળવવી, (4) કામદારો જે આર્થિક અને તકનીકી પરિવેશમાં કામ કરે છે તે પ્રત્યે તેમની સૂઝ અને સમજ વધારવી, (5) સામૂહિક સોદા-શક્તિના અધિકારનો ઉપયોગ કરી લોકશાહી અને શાંતિપૂર્ણ પદ્ધતિ દ્વારા શ્રમજીવીવર્ગની ન્યાયોચિત માગણીઓ હાંસલ કરવાના મહત્વ પ્રત્યે તેમને જાગ્રત કરવા, (6) ઉત્પાદનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, નવી તકનીકો, અદ્યતન સાધનો તથા ઓજારોના ઉપયોગ અંગે કામદારોને પ્રત્યક્ષ તાલીમ આપવી અને (7) ઝડપી આર્થિક વિકાસના ધ્યેયના સંદર્ભમાં દેશમાં તાલીમબદ્ધ માનવશક્તિનું આયોજન કરવું.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના મંતવ્ય મુજબ કામદાર-શિક્ષણની પ્રક્રિયા અરસપરસના આદાનપ્રદાનની પદ્ધતિ પર રચાયેલી હોવી જોઈએ, જેથી કામદારોમાં નિર્ણયશક્તિ, અનુભવજ્ઞાન, કાર્યનૈપુણ્ય તથા સંસ્કારિતા (refinement) કેળવી શકાય.

ભારતમાં કામદાર-શિક્ષણની જરૂરિયાત પર 1918થી ભાર મૂકવામાં આવ્યો છે. ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન (1918) તથા રૉયલ કમિશન ઑન લેબર (1927) આ બંનેના અહેવાલમાં દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં તેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું હતું અને તે માટે કેટલાંક સૂચનો પણ કરવામાં આવ્યાં હતાં. આઝાદી પછી દેશની પંચવર્ષીય યોજનાઓમાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. દા.ત., પ્રથમ પંચવર્ષીય યોજનાએ કામદારોને વધુ સારી શૈક્ષણિક સગવડો પૂરી પાડવાની ભલામણ કરી હતી. બીજી યોજનાએ ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો તથા કામદારસંગઠનોના ઔચિત્યના સંદર્ભમાં તેના પર ભાર મૂક્યો હતો. ત્રીજી યોજનાએ ઔદ્યોગિક વિકાસમાં કામદારવર્ગના પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી અને તે માટે કામદારોના વૈવિધ્યપૂર્ણ શિક્ષણની જરૂરિયાત સ્વીકારી હતી. ચોથી યોજનામાં કામદાર-શિક્ષણની ગુણવત્તા સુધારવાની, તેમાં કામદાર-સંગઠનોની વધતી ભાગીદારીની તથા વ્યાપક સાક્ષરતા-અભિયાનની તરફેણ કરાઈ હતી.

1958માં ભારતમાં કામદાર-શિક્ષણની યોજનાના શ્રીગણેશ થયા હતા, જેનું સંચાલન સેન્ટ્રલ બોર્ડ ઑવ્ વર્કર્સ એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બોર્ડમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ ઉપરાંત મજૂરમંડળો, માલિકોનાં સંગઠનો, વિશ્વવિદ્યાલયોના પ્રતિનિધિઓ તથા કામદાર-શિક્ષણને લગતા તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1958માં અમલમાં મૂકવામાં આવેલી યોજનામાં દેશના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં કામદારવર્ગના બધા જ વિભાગોના બુદ્ધિસંગત સહકાર પર, દેશમાં મજબૂત, સંગઠિત તથા પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન હોય તેવાં મજૂરમંડળો પર તથા ભવિષ્યમાં મજૂરમંડળો પોતે જ કામદાર-શિક્ષણનું સંચાલન કરે તે માટે તેમને તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ યોજનાના ત્રણ તબક્કા હતા : (1) અનુસ્નાતક પદવી તથા ઔદ્યોગિક શ્રમિકોના ક્ષેત્રનો ત્રણ વર્ષનો કાર્યાનુભવ ધરાવતા તાલીમાર્થીઓને ઉચ્ચ કક્ષાના પ્રશિક્ષકો માટેની છ માસની તાલીમ આપવી અને તેમાં સફળ થયેલા ઉમેદવારોને પ્રાદેશિક તાલીમકેન્દ્રો પર ‘કામદારશિક્ષણાધિકારી’ તરીકે નીમવા. આવા પ્રશિક્ષણ માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારોમાં મજૂરમંડળોના કાર્યકર્તાઓનો ઠીકઠીક પ્રમાણમાં સમાવેશ કરવાની નીતિ સ્વીકારવામાં આવી હતી. (2) ખાસ પસંદ કરવામાં આવેલા તાલીમાર્થીઓને ‘કામદાર-શિક્ષકો’ (worker teachers) માટેનું પ્રશિક્ષણ આપવું, જે ભવિષ્યમાં તેમને સોંપવામાં આવેલાં પ્રશિક્ષણ-કેન્દ્રો પર બીજાઓને ત્રણ માસનું પૂર્ણ સમયનું પ્રશિક્ષણ આપી શકે. (3) કામદાર-શિક્ષકોનું પ્રશિક્ષણ પામેલા શિક્ષકો પોતાનાં કેન્દ્રો પરના ઔદ્યોગિક એકમોના કામદારોમાંના સામાન્ય કામદારોને તેમના કામના સ્થળે કામદાર-શિક્ષણને લગતું પ્રશિક્ષણ આપે તેનું આયોજન.

કામદાર-શિક્ષણ માટેનું કેન્દ્રીય સંચાલક મંડળ વર્કર્સ કમિટીના સભ્યો, જૉઇન્ટ મૅનેજમેન્ટ કાઉન્સિલ્સ પરના સભ્યો, મજૂરમંડળોના હોદ્દેદારો તથા બુદ્ધિજીવી કર્મચારીઓ માટે ટૂંકા ગાળાના પ્રશિક્ષણ કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.

ભારતમાં કામદાર-શિક્ષણ માટેના કાર્યક્રમો માટે ખર્ચાતાં નાણાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.

મીનુ ગોવિંદ

જુગલકિશોર વ્યાસ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે