કાંગારુ : કરાટે અને કૂદકા મારનારું ઑસ્ટ્રેલિયન ચેમ્પિયન પ્રાણી; સસ્તન વર્ગનું, માસુપિયાલા શ્રેણી અને મૅક્રોપોડિડો કુળનું પ્રાણી. કાંગારુ જેવા શિશુધાની ધરાવનાર પ્રાણીનું શાસ્ત્રીય નામ Macropus giganeicus છે. તે નૈર્ઋત્ય ઑસ્ટ્રેલિયા અને ટાસ્માનિયા ટાપુના અંતભાગમાં આવેલાં મેદાનો, તૃણપ્રદેશો અને ખુલ્લાં જંગલોમાં વાસ કરે છે. ખ્યાતનામ પ્રાણીસંગ્રહાલયોમાં તેનું જતન કરવામાં આવે છે. દુનિયાના બીજા એકેય દેશમાં તે જોવા મળતાં નથી.

સાહસિક પ્રવાસી, કૅપ્ટન જેમ્સ કૂકને 1770માં પ્રથમ વાર આકસ્મિક રીતે ઑસ્ટ્રેલિયાના એન્ડવર નદીના કિનારે પહોંચવાનું થયું. ત્યાં તેમણે સ્થાનિક આદિવાસી પાસેથી આ પ્રાણીની જાણકારી માગી ત્યારે જવાબ મળ્યો : કાંગારુ. સાદી ઑસ્ટ્રેલિયન ભાષામાં ‘કાંગારુ’ શબ્દનો અનુવાદ ‘તમને સમજ આપવી મુશ્કેલ છે’ એવો થાય છે. દોઢથી બે મીટર જેટલી ઊંચાઈવાળા આ પ્રાણીનું વજન 90 કિગ્રા. હોય છે. જ્યારે કાંગારુના બચ્ચાની સગર્ભાવસ્થા 33 દિવસની અને જન્મ વખતે તેનું વજન 0.8 ગ્રામ જેટલું હોય છે. આમ નવજાત અપરિપક્વ બચ્ચું ચાર મહિના સુધી માતાની કોથળીમાં રહી તેની સ્તનગ્રંથિઓ દ્વારા પોષણ મેળવે છે.

કાંગારુ

કાંગારુના પાછલા પગ લાંબા અને શક્તિશાળી હોય છે, જ્યારે આગલા પગ ઘણા ટૂંકા અને પૂંછડી લાંબી અને સ્નાયુબદ્ધ હોય છે. કાંગારુને ઝડપથી દોડવાની અદભુત શક્તિ કુદરતે આપી છે, જેમાં કાંગારુની આદત તેના પાછલા બે પગે છલાંગો મારવાની છે, જ્યારે તેના આગલા પગ જમીનને અડકતા નથી. તેની 6′ થી 8′ લાંબી અને 20 રતલ વજન ધરાવતી પૂંછડી તેના શરીરનું સમતોલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કાંગારુ લગભગ 42¢ લાંબો કૂદકો મારે છે. જ્યારે તેનો હાઇજમ્પ 9¢ જેટલી હોય છે. ઑસ્ટ્રેલિયા ખંડનો મોટો ભાગ ઉજ્જડ રીતે રેતાળ છે, જ્યારે કેટલોક ભાગ વગડાનો બનેલો છે. કાંગારુનો ખોરાક કૂંણાં, લીલાં પાંદડાં, સૂકા છોડ કે ડાળખાંનો બનેલો છે. કાષ્ઠ-દ્રવ્યથી ભરપૂર ઘાસ તેનો મુખ્ય ખોરાક છે. આ વનસ્પતિમાં રહેલા સેલ્યુલોઝનું પાચન તે સહજીવી બૅક્ટેરિયા તેમજ પ્રજીવ પ્રાણી દ્વારા કરે છે. આમ કાંગારુ બીજાં પ્રાણીઓ ન ખાઈ શકે તેવો ખોરાક ખાઈ પોતાનું જીવન જીવે છે.

કોઈ પણ ઋતુમાં પ્રજોત્પાદન કરી શકે છે. માદા કાંગારુ વર્ષમાં એક જ વાર પ્રજોત્પાદન કરે છે. સામાન્ય રીતે ફક્ત એક જ બચ્ચાને જન્મ આપે છે. ક્યારેક બે કે ત્રણ બચ્ચાંને પણ જન્મ આપે છે. પ્રસવ બાદ સંતાન શરીરમાંથી બહાર આવીને શિશુધાની તરફ જાય છે. શિશુધાની તરફ જઈ શકે તે માટે માતા બાળકને અનુકૂળતા કરી આપે છે. શિશુધાની તરફ ખસવામાં સહેજ પણ ભૂલ થાય તો શિશુ તરત જ જમીન પર પડીને મૃત્યુ પામે છે.

કાંગારુની આયુમર્યાદા આશરે 15 વર્ષની ગણાય છે. કાંગારુની કેટલીક જાતો છે. વૃક્ષ-કાંગારુનાં પાછલાં ઉપાંગો સામાન્ય કાંગારુના જેટલાં લાંબાં હોતાં નથી. તેના પગનું તળિયું ખરબચડું અને કણિકામય હોવાથી તે પ્રાણીને ઝાડ પર ચડવા માટે સારી એવી પકડ પૂરી પાડે છે. ભૂખરું કાંગારુ ઝાડીઝાંખરાં અને ખુલ્લા મેદાનમાં રહે છે. ઉદર-કાંગારુ સસલાના કદનું પ્રાણી હોય છે અને તે સપાટ મેદાનમાં વસે છે. પશ્ચિમ ઑસ્ટ્રેલિયાનાં વતની લાલ કાંગારુ સુંવાળી ફરવાળી ચામડી ધરાવે છે. આ કાંગારુ રંગે રતૂમડાં કે વાદળી-ભૂખરાં હોય છે.

કેટલાંક વૅલેબી એકલાં અને બીજાં કેટલાંક સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. વૅલેબીના કેટલાક પ્રકાર હોય છે. સપાટ મેદાનમાં રહેનારા પ્રાણીને સસલું-વૅલેબી કહે છે, જ્યારે ખડકાળ પ્રદેશમાં રહેનારને ખડક-વૅલેબી કહે છે. અન્ય જાતોમાં પેટ્રોગલ, નખ-પૂંછડી (nail-tail) અને રેશમ વૅલેબીનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયાના મધ્ય ટર્શરી સમયના ખડકોમાંથી મહાકાય કાંગારુના જીવાશ્મો મળી આવ્યા છે. પહેલાંના જમાનામાં કાંગારુના માંસનો ઉપયોગ ખોરાક તરીકે થતો હતો, આજે તેનાં ચામડાંનો ઉપયોગ થાય છે.

કાંગારુના દુશ્મનમાં અજગર, ગરુડ, માણસ, જંગલી કૂતરા અને સૌથી વધુ ખતરનાક અને જીવલેણ દુશ્મન દુષ્કાળ છે. શિકારી કૂતરા તેમજ ડિંગો ઓલાદના કૂતરાઓ કાંગારુના દુશ્મન છે અને તેની સાથેની લડાઈ જાપાનની કરાટે રીતિની હોય છે.

યોગેશ મણિલાલ દલાલ

નટવર ગ. પટેલ