ઑડિટિંગ : હિસાબોની તપાસની કાર્યવાહી. ઑડિટિંગ એ હિસાબી ચોપડા, ખાતાં અને વાઉચરોની એવી તપાસ છે, જેથી તપાસનારને સંતોષ થાય કે તેને આપવામાં આવેલી માહિતી અને ખુલાસા તથા હિસાબી ચોપડાના આધારે તૈયાર કરેલું પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી પરિસ્થિતિ દર્શાવે છે, તેમજ ધંધાનું નફાનુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે અને જો તેમ ન હોય તો કઈ બાબતોમાં તેને અસંતોષ છે અથવા કઈ બાબતમાં પાકું સરવૈયું અયોગ્ય અને ખોટું છે. કેટલાક કિસ્સામાં આર્થિક વ્યવહાર અધિકૃત છે કે નહિ તે પણ નક્કી કરવું પડે છે. આધુનિક વિચાર મુજબ ઑડિટિંગ એ ચોપડા, વાઉચરો અને અન્ય નાણાકીય તેમજ કાયદેસર નોંધોની વૈજ્ઞાનિક અને પદ્ધતિસર તપાસ છે, જેને આધારે આર્થિક સ્થિતિ દર્શાવતા પાકા સરવૈયાની ચકાસણી કરીને તેના ઉપર અહેવાલ રજૂ કરી શકાય છે.

ઑડિટ શબ્દ મૂળ લૅટિન શબ્દ Audire એટલે સાંભળવું તે પરથી આવેલો છે. શરૂઆતમાં હિસાબનીશો નિષ્ણાત વ્યક્તિને હિસાબો વાંચી સંભળાવતા હતા. ધીમે ધીમે હિસાબી ચોપડા તપાસવાની શરૂઆત થઈ.

ઑડિટની અન્ય કામગીરીમાં હિસાબોમાં થયેલી ભૂલો શોધવી અને અટકાવવી, છેતરપિંડી કે ગોટાળા શોધી કાઢવા અને અટકાવવા, કંપની ધારાની જોગવાઈઓનું પાલન થયું છે કે નહિ તેની ખાતરી કરવી, એકમના કર્મચારીઓ ઉપર નૈતિક અંકુશ રાખવો, તેમની કાર્યક્ષમતાનું પ્રમાણ વધારવું અને આવકવેરા, વેચાણવેરા વગેરે સત્તાવાળાનો વિશ્વાસ સંપાદન કરવો તે છે. ઑડિટિંગ લખાયેલા હિસાબોની તપાસ સાથે સંબંધ ધરાવે છે તેથી નામાપદ્ધતિનું ક્ષેત્ર પૂરું થયા પછી ઑડિટનું ક્ષેત્ર શરૂ થાય છે.

ઑડિટિંગ અને અન્વેષણ (investigation) વચ્ચે પણ તફાવત છે. અન્વેષણમાં ચોક્કસ હેતુ અર્થે જ હિસાબોની ઊંડાણથી તપાસ હાથ ધરાય છે. અન્વેષણમાં એક કરતાં વધુ વર્ષના ઑડિટ કરેલા હિસાબોની અને અન્ય માહિતીની વધુ ઝીણવટભરી અને કેટલીક વખત તુલનાત્મક તપાસ કરવાની હોય છે.

ઑડિટનું વર્ગીકરણ વિચારીએ તો (1) કાયદાની ર્દષ્ટિએ ફરજિયાત ઑડિટ અથવા મરજિયાત ઑડિટ, (2) સાતત્યની ર્દષ્ટિએ સતત (continuous) ઑડિટ અથવા વાર્ષિક ઑડિટ, (3) ઑડિટરની ર્દષ્ટિએ આંતરિક (internal) ઑડિટ અથવા બાહ્ય (external) ઑડિટ અને (4) કાર્યક્ષેત્રની ર્દષ્ટિએ કાર્યક્ષમતા/સંચાલકીય ઑડિટ (efficiency/management audit) અથવા પડતર (cost) ઑડિટ એમ વિવિધ પ્રકારો છે.

(1) ફરજિયાત ઑડિટ અથવા મરજિયાત ઑડિટ : ભારતીય કંપની ધારા 1956 હેઠળ કંપનીઓનું ઑડિટ, જાહેર ટ્રસ્ટ ધારા હેઠળ ધાર્મિક તથા ધર્માદા ટ્રસ્ટોનું ઑડિટ અને સહકારી મંડળીઓના ધારા હેઠળ સહકારી મંડળીઓનું ઑડિટ કરવાનું ફરજિયાત છે. વીમા કંપની, વીજળી કંપની, રિઝર્વ બૅન્ક, સ્ટેટ બૅન્ક અને ઔદ્યોગિક કૉર્પોરેશન વગેરે સંસ્થાઓ પોતપોતાના અલગ કાયદા મુજબ કાર્ય કરે છે અને આવી સંસ્થાઓના ઑડિટ માટે તેમને લગતા કાયદામાં જ જોગવાઈ હોય છે. વળી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રોના હિસાબોના ઑડિટ માટે અલગ ઑડિટ વિભાગ છે. આ વિભાગના વડાને કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (C.A.G.) કહેવામાં આવે છે. એકાકી વેપારી, ભાગીદારી પેઢી તથા અન્ય ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ જેવી કે સોલિસિટર, ડૉક્ટર, એન્જિનિયર વગેરેના ધંધારોજગારનું ઑડિટ કાયદેસર રીતે કરાવવું જરૂરી હોતું નથી. તેમના હિસાબોનું ઑડિટ સ્વૈચ્છિક, ખાનગી કે મરજિયાત ઑડિટ કહેવાય છે.

(2) સતત ઑડિટ અથવા વાર્ષિક ઑડિટ : ઑડિટર અથવા તેના કર્મચારીઓ નાણાકીય વર્ષ દરમિયાન અમુક અમુક અંતરે ઉપસ્થિત થઈને સરવાળા-બાદ્બાકી, પત્રકો, વાઉચરો અને હિસાબ વિગતવાર તપાસે તો તેવા ઑડિટને સતત ઑડિટ કહેવાય છે. નાણાકીય વર્ષના અંતે હિસાબોનું ઑડિટ હાથ ધરાય ત્યારે તેને વાર્ષિક ઑડિટ કહેવાય છે.

(3) આંતરિક ઑડિટ અથવા બાહ્ય ઑડિટ : પોતાના જ પગારદાર કર્મચારીઓ દ્વારા હિસાબોનું નિયમિત ઑડિટ કરવાની વ્યવસ્થા ખાસ કરીને બૅન્કોમાં તથા મોટાં ઔદ્યોગિક ગૃહોમાં કરવામાં આવે છે. આવી વ્યવસ્થા આંતરિક ઑડિટ તરીકે ઓળખાય છે. અલબત્ત, આંતરિક ઑડિટ ઉપરાંત બહારના ઑડિટર દ્વારા પણ ઑડિટ કરાવવાનું જરૂરી હોય છે, તેને બાહ્ય ઑડિટ કહે છે. બાહ્ય ઑડિટ બહુધા કાયદાની રૂએ ફરજિયાત છે. તેને કાનૂની ઑડિટ પણ કહી શકાય. આંતરિક ઑડિટ અને કાનૂની ઑડિટમાં કેટલોક પાયાનો તફાવત છે. આંતરિક ઑડિટર એ કંપનીનો કર્મચારી છે, તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી અને સંચાલકો તેને ગમે ત્યારે દૂર કરી શકે છે. પરંતુ કાનૂની ઑડિટર એક સ્વતંત્ર વ્યક્તિ છે અને તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જ જોઈએ. આંતરિક ઑડિટ દરેક વ્યવહાર અંગે યોગ્ય અંકુશ રાખવા માટે તથા ભૂલો અને ગોટાળા સામે રક્ષણ મેળવવા માટે અત્યંત ઉપયોગી છે.

(4) કાર્યક્ષમતા ઑડિટ/સંચાલકીય ઑડિટ અથવા પડતર ઑડિટ : (ક) કાર્યક્ષમતા ઑડિટ અને સંચાલકીય ઑડિટ વચ્ચે સૂક્ષ્મ ભેદ હોવા છતાં તે શબ્દપ્રયોગ સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. કાર્યક્ષમતા/સંચાલકીય ઑડિટ એટલે કેટલી કાર્યક્ષમતાથી સંચાલકીય યોજનાઓ અને નીતિઓનો અમલ થાય છે તેની ચકાસણી. વસ્તુલક્ષી વિશ્લેષણ, અવલોકન, ભલામણો અને સંબંધિત ટીકાઓ દ્વારા સંચાલનની દરેક સપાટીએ જવાબદારીઓ અસરકારક રીતે પૂરી કરવામાં મદદ કરવાનો સર્વગ્રાહી હેતુ કાર્યક્ષમતા ઑડિટનો હોય છે. ઉપયોગમાં લીધેલાં સાધનો સામે સંચાલક કેટલાં પરિણામ મેળવી શકે છે તેની આ ઑડિટ ચકાસણી કરે છે. કાર્યક્ષમતા ઑડિટ સાથે ઔચિત્ય ઑડિટ પણ સંકળાયેલું છે. બિનસરકારી સંસ્થાઓના વેપારી વ્યવહારોના ઑડિટમાં સામાન્ય રીતે ઔચિત્યનો વિચાર કરવામાં આવતો નથી. પરંતુ સરકારી ઑડિટમાં ઔચિત્યનો અવશ્ય વિચાર કરવામાં આવે છે. સરકારી સંચાલકોનાં જુદાં જુદાં પગલાં અને નિર્ણયો શાણપણભર્યાં અને જાહેર હિતમાં છે કે નહિ અને વર્તણૂકનાં ધોરણો સાથે સુસંગત છે કે કેમ તેની ઑડિટર ચકાસણી કરે છે. વળી આયોજનનો અમલ ઝડપથી, કાર્યક્ષમતાથી અને કરકસરથી થાય તે અંગેના માર્ગો પણ શક્ય હોય તો ઑડિટર દર્શાવે છે.

() પડતર ઑડિટ : પડતરના હિસાબોની તપાસ એટલે પડતર ઑડિટ. તે દ્વારા ઉત્પાદનના ખર્ચા ઉપર અંકુશ રાખવા અને વેચાણકિંમત નક્કી કરવા માટે વિશ્વાસપાત્ર માહિતીની ખાતરી મળે છે. માલસામાન, મજૂરી ખર્ચ, પરોક્ષ ખર્ચ, ઘસારો, મૂડીખર્ચ અને ઉત્પાદનશક્તિની ચકાસણી કરીને પડતર કિંમત નક્કી કરાય છે. ભારતીય કંપની ધારાની જોગવાઈ મુજબ પડતર હિસાબોનું ઑડિટ કરનાર વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કૉસ્ટ એકાઉન્ટન્ટ હોવી જરૂરી છે. સરકારે કૉસ્ટ ઑડિટ (રિપૉર્ટ) રૂલ્સ, 1968 બહાર પાડ્યા છે. તદનુસાર ભારત સરકાર જે ઉદ્યોગ અંગે જાહેરનામું બહાર પાડે તે ઉદ્યોગે પડતરના હિસાબો રાખવા પડે છે અને મુકરર તારીખથી ત્રણ માસની અંદર નક્કી કરેલા પરિશિષ્ટમાં સાચી માહિતી પૂરી પાડવી પડે છે. વળી પડતરના હિસાબો અને તે અંગેનું રેકર્ડ ઉત્પાદનના પડતરનો સાચો અને વાજબી ખ્યાલ રજૂ કરે છે કે નહિ તે ઑડિટરે આપેલા અહેવાલમાં જણાવવું આવશ્યક ગણાય છે.

ઑડિટ કાર્યવ્યવસ્થા : ઑડિટરની નિમણૂક જોઇન્ટ સ્ટૉક કંપનીએ કાયદેસર કરી છે કે તેમ તેની ઑડિટરે ચકાસણી કરી લેવી જોઈએ. એકાકી વેપારી અથવા ભાગીદારી પેઢીએ કરેલી નિમણૂક અંગેની શરતો લેખિત મેળવી લેવી જોઈએ. ઑડિટ કામ શરૂ કરતાં અગાઉ કાર્યની વિગતવાર વહેંચણી, કાર્યની રૂપરેખા અને કયું કામ કોણે, ક્યારે અને કેટલા સમયમાં પૂરું કરવાનું છે તે અંગે માર્ગદર્શન આપતી સૂચિને ઑડિટ કાર્યક્રમ કે ઑડિટ પ્રોગ્રામ કહેવામાં આવે છે. ઑડિટ મદદનીશની યોગ્યતાના પ્રમાણમાં કામની વહેંચણી થાય છે, કાર્યની એકસૂત્રતા જળવાય છે અને દરેક કર્મચારીની જવાબદારી નક્કી કરી શકાય છે. ઑડિટ કાર્યમાં વાઉચિંગ, ચકાસણી, મૂલ્યાંકન, સરવાળા-બાદબાકી, ખતવણી વગેરે કામ કરવાનાં હોય છે. ઑડિટ કરતી વખતે ઑડિટરને જે જે માહિતીની કે ખુલાસાની જરૂર પડે અથવા જે જે ત્રુટિઓ તેની નજરમાં આવે તે દરેકની નોંધ કરવામાં આવે છે. તેને ઑડિટ નોટ્સ કહેવામાં આવે છે. ઑડિટ દરમિયાન કયા કયા ખુલાસા માગ્યા અને તે આપવામાં આવ્યા કે કેમ અને આપવામાં આવેલા ખુલાસા સંતોષકારક છે કે કેમ; ખોવાઈ ગયેલા કાગળો અને નહિ મળેલા વાઉચરો શોધીને રજૂ કરવામાં આવ્યાં કે કેમ, શોધી કાઢેલી ભૂલો સુધારવામાં આવી કે કેમ; સ્ટૉકનું મૂલ્યાંકન અને શંકાસ્પદ લેણાં સામેની જોગવાઈ કેવી રીતે કરવામાં આવી છે, દેવાદારો, લેણદારો, બૅન્ક વગેરે સાથે કરવામાં આવેલા પત્રવ્યવહાર ઉપર નોંધ; રોકાણ જામીનગીરીઓ અને અન્ય દસ્તાવેજો જેમની પાસે રહેલા હોય તેમના એકરારપત્ર વગેરે માહિતીનો ઑડિટ નોટ્સમાં સમાવેશ કરવાથી ઑડિટરના હાથમાં એક કીમતી દસ્તાવેજ ઉપલબ્ધ થાય છે.

વાઉચિંગ : વાઉચિંગ એટલે હિસાબી ચોપડામાં લખેલી નોંધને સાધનિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા જેવા કે ભરતિયું, કેશમેમો, બિલ, પાવતીનાં અડધિયાં, રસીદ, પાસબુક, ચેકનાં અડધિયાં, બૅન્કસ્લિપ, દસ્તાવેજો, સર્ટિફિકેટો, સ્ટેટમેન્ટો, મિનિટ બુક, ઠરાવો, પત્રવ્યવહાર વગેરે સાથે સરખાવીને ચકાસણી કરવી તે. વાઉચરો, અનુક્રમ નંબર પાડીને ગોઠવ્યાં છે કે કેમ, વાઉચર અસીલના નામનું છે કે કેમ, વાઉચરની રકમ અને હિસાબી ચોપડામાં લખેલી રકમ સરખી છે કે કેમ, વાઉચર પ્રમાણે થયેલો ખર્ચ અસીલના જવાબદાર અધિકારીએ મંજૂર કરેલો છે કે કેમ, રૂ. 500 ઉપરની રસીદ ઉપર રેવન્યૂ સ્ટૅમ્પ લગાડેલો છે કે કેમ વગેરે મુદ્દાઓ વાઉચિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા પડે છે.

મિલકતો અને દેવાંની ચકાસણી અને મૂલ્યાંકન : પાકા સરવૈયાની તારીખે સરવૈયામાં બતાવેલી મિલકતો ખરેખર અસ્તિત્વમાં છે કે કેમ, તે ગીરોથી મુક્ત છે કે કેમ, તેમનું મૂલ્યાંકન યોગ્ય સિદ્ધાંત અનુસાર કરવામાં આવ્યું છે કે કેમ, ધંધાનાં બધાં દેવાં ચોપડે દર્શાવવામાં આવેલાં છે કે કેમ, ધંધા સાથે સંબંધ નહિ ધરાવતી મિલકતો અને દેવાં પાકા સરવૈયામાં દર્શાવેલાં છે કે કેમ એ તપાસીને ઑડિટરે અનેક બાબતોની કાળજી રાખવી પડે છે.

મિલકતની મૂળ કિંમત, તેને લગતો ઘસારો, તે બિનઉપયોગી થાય ત્યારે તેની ઊપજવાપાત્ર કિંમત અને તે મિલકત કાલગ્રસ્ત (obsolete) થવાની શક્યતા વગેરે પરિબળો મિલકતના મૂલ્યાંકનમાં ગણતરીમાં લેવાય છે. મિલકતોનું મૂલ્યાંકન કરવાનું કામ ઑડિટરનું નથી, પરંતુ મિલકતોનું માલિકે કરેલું મૂલ્યાંકન સિદ્ધાંત અનુસાર કરવામાં આવ્યું ન હોય અને આડેધડ કરવામાં આવ્યું હોય તો ઑડિટરે પોતાના ઑડિટ રિપૉર્ટમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. તેવી જ રીતે દેવાદારો પાસેથી શકમંદ લેણાં સામે ઘાલખાધ અનામતની જોગવાઈ ન કરી હોય અથવા અપૂરતી કરી હોય તો તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. માલના સ્ટૉકમાં કાચો માલ, અર્ધતૈયાર માલ અને તૈયાર માલ એમ ત્રણ પ્રકારો હોય છે. જો વાસ્તવિક કિંમત કરતાં સ્ટૉકની કિંમત વધારે આંકવામાં આવે તો નફામાં કૃત્રિમ વધારો થાય છે અને ઓછી આંકવામાં આવે તો નફો ઓછો થાય છે. સ્ટૉકની મૂળકિંમત કે બજારકિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમત પ્રમાણે સ્ટૉકનું મૂલ્યાંકન કરવામાં આવે તો નફામાં વર્ષોવર્ષ મોટો તફાવત જણાતો નથી. ઑડિટરે પોતાની ફરજ બજાવવા અને જવાબદારી ઓછી કરવા માલની પ્રત્યક્ષ ગણતરી વખતે હાજર રહેવું જોઈએ. સ્ટૉક અંગે જવાબદાર અધિકારીનું પ્રમાણપત્ર મેળવી લેવું જોઈએ.

ડિબેન્ચર, તારણવાળી કે તારણ વગરની લોન બૅન્ક ઑવરડ્રાફ્ટ, બાંધી મુદતની થાપણ, લેણદારો, દેવી હૂંડી (bill payable), કરવેરાની જવાબદારી વગેરે ધંધાનાં દેવાં (liabilities) છે. ઑડિટરે આ સર્વેનાં વિગતવાર અને ઝીણવટભર્યાં ચકાસણી અને મૂલ્યાંકન કરવાં જોઈએ.

એકાકી વેપારીના હિસાબનું ઑડિટ : વેપારીના હિસાબનું ઑડિટ કેવળ મરજિયાત છે. વેપારી પોતે હિસાબ તરફ પૂરતું ધ્યાન આપી શક્યો ન હોય તો એકાઉન્ટન્ટે રાખેલા હિસાબ બરાબર છે કે કેમ તેની ખાતરી થવા માટે હિસાબ ઑડિટ કરવા પ્રેરાય છે.

ભાગીદારી પેઢીના હિસાબનું ઑડિટ : ભાગીદારી પેઢીના હિસાબનું ઑડિટ પણ કેવળ મરજિયાત છે. ચાલુ પેઢીમાં નવો ભાગીદાર લેવાનો હોય કે કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થવાનો હોય તો ઑડિટ થયેલા હિસાબ વિશ્વાસપાત્ર ગણાય છે. ઑડિટરે ભાગીદારી લેખની દરેક કલમનો અભ્યાસ કરીને તે દરેકનો સંપૂર્ણ અમલ થયો છે કે કેમ તે ખાસ જોવું જોઈએ.

જાહેર ટ્રસ્ટના હિસાબનું ઑડિટ : ધાર્મિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, કેળવણી સંસ્થાઓ, ક્લબો, હૉસ્પિટલો વગેરે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ નોંધાયેલાં હોવાં જોઈએ. તેની આવક રૂ. 500થી વધુ હોય તો તેના હિસાબો ફરજિયાત પબ્લિક ટ્રસ્ટ ઑફિસમાં મોકલવાના હોય છે. ઑડિટરે સંસ્થા બંધારણ પ્રમાણે કામ કરે છે કે નહિ તથા નોંધણી (registration) કરાવતી વખતે જે જે મિલકતો જાહેર કરવામાં આવેલી હોય તે દરેક મિલકત ચોપડે દર્શાવેલી છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઈએ. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી મિલકતમાં જે ફેરફાર થયા હોય તે ફેરફાર પબ્લિક ટ્રસ્ટ ઑફિસમાં નોંધાવ્યા છે કે કેમ અને ટ્રસ્ટીઓએ વખતોવખત કરેલા ઠરાવોનો અમલ બરાબર થયો છે કે કેમ તે પણ જોવું જોઈએ.

લિમિટેડ કંપનીના હિસાબનું ઑડિટ : જાહેર કે ખાનગી કંપનીએ પોતાના હિસાબ દર વર્ષે ઑડિટ કરાવવાનું ફરજિયાત છે. 1956ના ભારતીય કંપની ધારામાં ઑડિટરની સત્તા જવાબદારી તથા ફરજો નિશ્ચિત કરેલી છે. કંપનીના કાયદા મુજબ શૅરહોલ્ડરને કંપનીના વહીવટમાં પ્રત્યક્ષ ભાગ લેવાનો અને તેના હિસાબ તપાસવાનો હક નથી. તેથી વ્યવસ્થાપકોએ પોતાને મળેલી સત્તાનો અને કંપનીનાં નાણાંનો દુરુપયોગ કર્યો નથી તે જાણવા માટે શૅરહોલ્ડરો દ્વારા ઑડિટરની નિમણૂક થાય છે. આમ ઑડિટર શૅરહોલ્ડરોને જવાબદાર છે. કંપનીના હિસાબો તપાસ્યા પછી ઑડિટર અભિપ્રાય દર્શાવતું પોતાનું નિવેદન શૅરહોલ્ડરો માટે તૈયાર કરે છે. તેને ઑડિટરનો રિપૉર્ટ કહેવામાં આવે છે. કંપની ધારાની કલમ 227 (3) મુજબ ઑડિટરના અહેવાલમાં વિવિધ બાબતો જણાવવી જરૂરી છે. બેદરકારી (negligence) અને કર્તવ્યભંગ(misfeasance)ના કારણે થતું નુકસાન ભરપાઈ કરી આપવાની ઑડિટરની દીવાની જવાબદારી છે. કંપની ધારા હેઠળ ઑડિટર ફોજદારી રાહે પણ જવાબદાર ઠરે છે. કંપનીએ બહાર પાડેલા વિજ્ઞાપનપત્રમાં ઑડિટરે ખોટું નિવેદન કર્યું હોય તો કલમ 63 પ્રમાણે, સરકારે નીમેલા ઇન્સ્પેક્ટરને ઑડિટર જરૂરી માહિતી પૂરી ન પાડે તો, કલમ 240 પ્રમાણે, કંપનીના હિસાબી ચોપડા, રજિસ્ટર તથા અન્ય દસ્તાવેજનો બીજાને છેતરવાના હેતુથી નાશ કરે, બગાડ કરે કે તેમાં ખોટી અને દગાભરી નોંધ કરે તો ઑડિટર કંપનીનો એક અધિકારી છે તેમ ગણીને કલમ 539 પ્રમાણે અને સોગંદપૂર્વકની તપાસ વખતે ઑડિટર જાણીબૂઝીને ખોટી સાક્ષી પુરાવે તો કલમ 629 પ્રમાણે સજા અને/અથવા દંડને પાત્ર થાય છે.

જયન્તિલાલ પો. જાની