એકેશ્વરવાદ (monotheism) : ‘ઈશ્વર એક અને અદ્વિતીય છે’ એવી માન્યતાનું સમર્થન કરતી વિચારસરણી. ધર્મોના ઇતિહાસની ર્દષ્ટિએ એકેશ્વરવાદ એ અનેકદેવવાદ(polytheism)નો વિરોધી વાદ છે. યહૂદી અને ઇસ્લામ ધર્મમાં એકેશ્વરવાદનું પ્રતિપાદન અનેકદેવવાદના સ્પષ્ટ ખંડન સાથે થયેલું છે. વૈદિક ધર્મમાં અનેક દેવોના અસ્તિત્વનો સ્વીકાર થયેલો છે એ હકીકતની સાથે એ પણ નોંધપાત્ર છે કે વેદમાં જે દેવની સ્તુતિ કરવામાં આવે છે તે દેવને સર્વોત્તમ અને સર્વોપરી તત્વ તરીકે વર્ણવવામાં આવે છે. આથી વેદમાં અધિદેવવાદ- (henotheism)નું પ્રતિપાદન છે એવો મત મૅક્સમૂલરે રજૂ કરેલો છે; પણ આ સંબંધી વિશેષ વિચારતાં એમ સ્પષ્ટ થાય છે કે વૈદિક અનેકદેવવાદના પાયામાં અધિદેવવાદી નહીં, પણ એકેશ્વરવાદી ર્દષ્ટિ રહેલી છે. એમ. હિરિયણ્ણા કહે છે તેમ, એકેશ્વરવાદનો પાયો વેદના શરૂઆતના મંત્રોમાં જોઈ શકાય છે; કેમ કે, વેદના કવિઓ બે દેવોના દાખલા તરીકે મિત્ર અને વરુણનાં, ને ક્યારેક વધારે દેવોનાં પણ નામ એકસાથે મૂકે છે, અને એ દેવો તે જાણે એક જ દેવ હોય એવી રીતે તેમને સંબોધે છે. આ વૃત્તિનું પરિણામ આપણે કંઈક મોડેથી રચાયેલાં સૂક્તોમાં પ્રગટ થયેલું જોઈએ છીએ. દાખલા તરીકે, ‘સત્ એક છે. એને વિપ્રો (વિદ્વાનો – જ્ઞાનીઓ) અનેક રીતે વર્ણવે છે; તેઓ તેને અગ્નિ, યમ, માતરિશ્વા વગેરે કહે છે.’ ઋગ્વેદના બીજા એક સૂક્તમાં જે ધ્રુવપદ આવે છે તેનો પણ આ જ અર્થ છે, એમાં કશી શંકા નથી. એ વચન છે : महद् देवानाम् सुरत्वमेकम् –  ‘દેવોનું પૂજનીય દેવત્વ એક જ છે.’ આમ વેદકાળના આર્યોને એમ ર્દઢ પ્રતીતિ હતી કે ‘કુદરતના વિવિધ દેખાવો ઉત્પન્ન કરનારું અંતિમ તત્વ તો એક જ છે.’ આના પરથી એ સ્પષ્ટ થાય છે કે અનેકદેવવાદ એ વિકસિત ધાર્મિક ચેતનાને જચે તેવો સિદ્ધાંત નથી. યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ, શીખ, હિંદુ, જરથોસ્તી એ તમામ ઈશ્વરવાદી ધર્મો એકેશ્વરવાદને પુરસ્કારનારા ધર્મો છે. કોઈ પણ ધર્મના સંતો કે યોગીઓને જે રહસ્યાનુભૂતિ થાય છે તેનું હાર્દ પણ ઈશ્વરના એકત્વની પ્રત્યક્ષ અનુભૂતિમાં રહેલું છે એમ સર્વમાન્ય રીતે સ્વીકારાયું છે.

‘ઈશ્વર એક અને અદ્વિતીય છે’ એવી માન્યતા કે એકેશ્વરવાદ તાર્કિક ર્દષ્ટિએ અનિવાર્ય છે એવો મત સંત એન્સેલ્મે ઈશ્વરના અસ્તિત્વ માટેની સત્તામૂલક સાબિતી આપીને રજૂ કરેલો છે. એન્સેલ્મના મત પ્રમાણે ‘ઈશ્વર એટલે એવું તત્ત્વ કે જેનાથી ઉચ્ચતર તત્વ કલ્પી શકાય નહીં.’ એન્સેલ્મના મત પ્રમાણે ઈશ્વરની પૂર્ણતા અંગેના આ ખ્યાલ પરથી જ ઈશ્વરનું અસ્તિત્વ અને એકત્વ સિદ્ધ થઈ જાય છે. એકેશ્વરવાદને અનુમોદન આપીને તેના પ્રસ્થાનમાં નોંધપાત્ર પ્રદાન કરનારા તત્વચિંતકોમાં ઍરિસ્ટૉટલ(Unmoved Mover)થી માંડીને વ્હાઇટહેડ (Deity) સુધીના પાશ્ચાત્ય તત્વચિંતકો અને શ્વેતાશ્વતર ઉપનિષદ (मायां तु प्रकृतिं विद्धि मायिनं तु महेश्वरम् । ના ઋષિથી માંડીને શ્રી અરવિંદ (સચ્ચિદાનંદ સ્વરૂપ) સુધીના ભારતીય ચિંતકોમાંના સંખ્યાબંધ સમર્થ તત્વચિંતકોનો સમાવેશ થાય છે.

ધાર્મિક શ્રદ્ધા અને અનુભૂતિના પરમ વિષયરૂપ અને તાર્કિક રીતે જેનું અસ્તિત્વ અને એકત્વ અનિવાર્ય છે એવા ઈશ્વરનું સ્વરૂપ કેવું છે ? આ પ્રશ્નનો એકેશ્વરવાદીઓ જે જવાબ આપે છે તે સંક્ષેપમાં આ પ્રમાણે છે : ઈશ્વર જગતનું તાત્વિક અધિષ્ઠાન કે અંતિમ આધારભૂત તત્વ છે. જગતના તમામ જડ પદાર્થો અને ચેતનજીવોનું અસ્તિત્વ અને તેમની ક્રિયા ઈશ્વરની અંતર્યામી શક્તિ પર અવલંબે છે. ઈશ્વર જગતમાં અંતર્યામી હોવા છતાં જગતનાં નૈતિક અનિષ્ટો અને ભૌતિક દુ:ખો તેમજ વિકારોથી ઈશ્વર સંપૂર્ણપણે પર છે. ‘તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય વસતો’ એ પંક્તિમાં ઈશ્વરના અંતસ્ત્વ (immanence) અને પરત્વ (transcendence) બન્નેનો નિર્દેશ થયેલો છે. સર્વના કારણરૂપ ઈશ્વર નથી. તે પોતે જ પોતાનું કારણ છે અથવા તેનું અસ્તિત્વ સનાતન રીતે સ્વતંત્ર છે. ઈશ્વર જગતનો તાત્વિક આધાર હોવા ઉપરાંત નૈતિક શાસક પણ છે. જગતના નિયંતા તરીકે ઈશ્વરે જગતના દરેક આત્માને સંકલ્પસ્વાતંત્ર્ય આપ્યું છે અને પોતાના સંકલ્પસ્વાતંત્ર્યથી કરેલાં કર્મનું યોગ્ય ફળ દરેક આત્માને મળે તેવી આ ઈશ્વરશાસિત વ્યવસ્થા જગતમાં છે. ઈશ્વર કર્મફળપ્રદાતા છે એનો અર્થ એ નહિ કે તે માત્ર તટસ્થ ન્યાયાધીશ છે. ઈશ્વર કૃપાળુ પણ છે. હૃદયથી પસ્તાવો કરી પ્રાર્થના કરનારનાં પાપ અધમોદ્ધારક ઈશ્વર બાળી નાંખે છે. વળી તે અતિશય દયાળુ હોવાથી ધર્મરક્ષણ માટે જગતમાં અવતાર પણ ધારણ કરે છે. ઈશ્વરનાં જન્મ, કર્મ અને વ્યક્તિત્વ દિવ્ય કે અલૌકિક હોવાથી ગીતામાં તેને પુરુષ નહીં પણ પુરુષોત્તમ કહેવામાં આવેલ છે. ઈશ્વરનો સાક્ષાત્કાર એ ઉત્તમોત્તમ સિદ્ધિ (summum bonum) છે, કારણ કે ઈશ્વરસ્વરૂપમાં જે આનંદ છે તે અનુપમ, સનાતન અને નિરંતર  વર્ધમાન છે.

સૃષ્ટિમાં અરાજકતા નહીં, પણ નિયમ અને શાસનની એકરૂપતા દેખાય છે. તેનો અર્થ એ કે ભગવાન એક જ છે. સૃષ્ટિના શાસનની એકરૂપતાને અનુલક્ષીને મહાભારતકાર પણ કહે છે કે एको शास्ता न द्वितीयोडस्ति  शास्त ।

જ. આ. યાજ્ઞિક