ઍકીનૉ, કૉરી (જ. 1933, તર્લેક પ્રાંત, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સનાં મહિલા રાજકારણી અને પ્રમુખ (1986’–92). આ તેમનું લાડકું નામ છે. તેમનું મૂળ નામ મૅરિયો કૉરૅઝૉન ઍકીનૉ. તેમણે ન્યૂયૉર્કથી માઉન્ટ સેંટ વિન્સન્ટ કૉલેજમાં અભ્યાસ કર્યો. તે પછી તેમણે બૅન્ગિનૉ એસ. ઍકીનૉ (1932–83) નામના નવલોહિયા રાજકારણી સાથે લગ્ન કર્યાં. બૅન્ગિનૉ ફર્ડિનાન્ડ માર્કોસનો મુખ્ય રાજકીય હરીફ બની રહ્યો. તેના પર હત્યા અને રાજદ્રોહના આરોપસર કામ ચલાવવામાં આવ્યું (1972–80) અને તેમને જેલની સજા કરવામાં આવી. અમેરિકામાં 3 વર્ષનો દેશવટો ભોગવ્યા પછી તે સ્વદેશ પાછા ફર્યા ત્યારે 1983માં મનિલા હવાઈમથક ખાતે એક લશ્કરી રક્ષકે તેમની હત્યા કરી હતી. 1986ની પ્રમુખપદની ચૂંટણી માટે સમગ્ર વિરોધપક્ષો તરફથી કૉરૅઝૉનને ઊભા રાખવામાં આવ્યાં હતાં; તેમની માર્કોસ સામે જીત થઈ હતી. પણ માર્કોસે મતપત્રકોમાં ગોટાળા અંગે આક્ષેપો કર્યા. તેમણે પોતાના પતિની ઝુંબેશ ચાલુ રાખી અને ‘લોકસત્તા’ (people’s power) માટે અહિંસક લડત આદરી, જેના પરિણામે માર્કોસને સત્તાભ્રષ્ટ થવું પડ્યું. તેમના પ્રમુખપદ દરમિયાન તે અનેક બળવાઓમાં ટકી રહ્યાં, પરંતુ 1992માં તે ફરીથી ચૂંટણી લડવા માટે ઊભાં રહ્યાં ન હતાં.

મહેશ ચોકસી