ઉરવાર પાર (1975) : ગુરુમુખસિંગ મુસાફિર લિખિત પંજાબી વાર્તાસંગ્રહ. આ કૃતિ માટે લેખકને ભારતીય સાહિત્ય અકાદમી તરફથી 1978ના વર્ષનો એવૉર્ડ અપાયો હતો.

‘ઉવાર પાર’ 24 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓનું ઉષ્માપૂર્ણ અને માનવીય પાત્રચિત્રણ, સામાજિક તથા નૈતિક સંબંધોનું સમભાવભર્યું નિરૂપણ તથા તેમાં ગૂંથાયેલ સૌમ્ય કટાક્ષ તથા હાસ્યવૃત્તિને કારણે આ ગ્રંથ પંજાબી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ભોગવે છે. આ વાર્તાઓના વ્યાપક રીતે 3 ભાગ પાડી શકાય : માનવજીવન તથા રહેણીકરણીનાં રાજકીય, સામાજિક તથા આર્થિક પાસાં. આ વાર્તાઓમાં તેમની ઉત્કૃષ્ટ સર્જકતા આવિષ્કાર પામી છે. મુસાફિર પોતે કવિ પણ હતા આથી તેમણે આ વાર્તાઓમાં પોતાની કવિતાની પંક્તિઓનો પણ અવારનવાર ઉપયોગ કર્યો છે. પરિણામે આ વાર્તાસંગ્રહ એક મનોહર ગુલદસ્તા જેવી સુંદરતા અને મહેક ધરાવે છે.

વાર્તાઓ મોટેભાગે મનોવૈજ્ઞાનિક છે અને એમાં બાહ્ય ઘટનાઓની પાત્રોના માનસ પર કેવી પ્રતિક્રિયા થાય છે તે દર્શાવ્યું છે. એમાં સામાજિક સમસ્યાઓ જેવી કે દહેજ, સંયુક્ત કુટુંબ, નવી અને જૂની પેઢીઓ વચ્ચેની ખાઈ, દાંપત્યજીવનના સંઘર્ષો, વૃદ્ધોની એકલતા, રાજકીય પરિપાર્શ્વમાં ભ્રષ્ટાચાર, કોમી વિખવાદ, ભારતની વિભાજનજનિત સમસ્યાઓ, ચૂંટણીમાં થતી ગેરરીતિઓ, બદલાતી જીવનર્દષ્ટિ – એ સર્વેનું વિશદ તથા યથાર્થ નિરૂપણ થયું છે. વાર્તાની શૈલીમાં ડાયરી, આત્મકથન, પૂર્વદીપ્તિ, પત્રો, ચેતનાપ્રવાહ એમ પ્રચુર વૈવિધ્ય છે. વાર્તાઓનો હિન્દીમાં તથા અંગ્રેજીમાં અનુવાદ થયો છે.

ચન્દ્રકાન્ત મહેતા