ઉપેન્દ્રાચાર્ય

January, 2004

ઉપેન્દ્રાચાર્ય (જ. 1885, વડોદરા; અ. 1937, ભરૂચ) : શ્રેયસ્સાધક અધિકારી વર્ગના દ્વિતીય આચાર્ય જે પ્રથમ આચાર્ય શ્રી મન્નૃસિંહાચાર્યના સુપુત્ર અને સાધક સાહિત્યકાર હતા. માતાનું નામ રુક્મિણીદેવી. અમદાવાદ-વડોદરામાં પ્રાથમિક શિક્ષણ. તેમનું ઘડતર અગ્રગણ્ય વિદ્વાન સાધકો ‘વિશ્વવંદ્ય’ છોટાલાલ જીવણલાલ માસ્તર, કૌશિકરામ મહેતા વગેરે દ્વારા થયું હતું.

શ્રી ઉપેન્દ્રાચાર્યે પિતાશ્રીના મૂળ આધ્યાત્મિક કાર્યને સાચવીને અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેને વીસમી સદીનો સ્પર્શ આપ્યો હતો. ‘ચારિત્ર્યમંદિર’ (1925) નામના આદર્શ છાત્રાલયની સ્થાપના કરી. શ્રે.સા.અ.વ.નાં ‘મહાકાલ’ અને ‘પ્રાત:કાલ’ માસિકો ઉપરાંત ‘બાળકોના બંધુ’ (1912), ‘દંપતીમિત્ર’ (1912) અને ‘શ્રેયસ્સાધક’ (1934) માસિકો શરૂ કરેલાં. સાધકોના સર્વદેશીય વિકાસના હેતુથી વિવિધ રસાત્મક અને કલાત્મક ઉત્સવોનું આયોજન કરેલું. સાધન સમારંભ, સિદ્ધસમાજ, સિદ્ધેશ્વરસમાજ જેવા આધ્યાત્મિક કાર્યક્રમોની સાથે તે વર્ગના મહાનુભાવોના જન્મજયંતીના ઉત્સવો પણ યોજાતા. ‘રસદર્શન’ના રાત્રીકાર્યક્રમમાં ત્રિખંડી નાટ્યમંચની રચના તથા બાલગીતો, મંડલાકાર અને કીર્તનાકાર ગરબા, સંવાદનાટકો વગેરે દ્વારા કલાના માધ્યમે આધ્યાત્મિક તત્વને સમજવા-સમજાવવા, પામવાનો ઉપક્રમ રાખેલો. તેમનું લગ્ન ગુજરાતના આદ્યવિવેચક નવલરામ પંડ્યાનાં વિદુષી દોહિત્રી જયંતીદેવી સાથે થયેલું. તેમનો પણ આ પ્રવૃત્તિઓમાં મહત્વનો ફાળો હતો.

‘શ્રી ઉપેન્દ્રગિરામૃત’ પ્રથમ-દ્વિતીય પરિવાહ(1910, 1938)માં માયાનું સ્વરૂપ સમજાવનારાં અને બ્રહ્માનુભૂતિની ખુમારીને વ્યક્ત કરનારાં 800 ઉપરાંત પદો છે. ‘શ્રીસુદામાખ્યાન’ (1928) અને ‘શ્રી શુકજનકાખ્યાન’માં અતિખ્યાત કથાવસ્તુને નવ્ય સંદર્ભે મૂકવાનો પ્રયત્ન દેખાય છે. ‘માતૃહૃદયવેદન’ (1932) ભગિની ભારતીદેવીને નિવાપાંજલિરૂપ કરુણપ્રશસ્તિ છે. ‘દિવ્યમૂર્તિ’ (1912) વાર્તામાં સામાન્ય માનવી કેવી રીતે મહાત્મા બની શકે તેનો રસિક વૃત્તાંત આપ્યો છે. ‘શ્રી સદબોધમન્દાર’ પ્રથમ-દ્વિતીય ગુચ્છ(1937, 1941)માં ઉપેન્દ્રાચાર્યના વિવિધ પત્રોનો સંગ્રહ છે. ‘વિદ્યુતલેખા’ (1940) અને ‘નિત્યસંદેશ’ના લઘુલેખોમાં તથા ‘શ્રેયસસાધન’ ભાગ 1-2 (1978, 1985)ના લાંબા ગંભીર લેખોમાં તેમની રોચક ગદ્યશૈલીનો પરિચય મળે છે. ‘શ્રી વિશ્વવંદ્ય વિભૂતિ વૈભવ’(1939)માં શ્રી ઉપેન્દ્રાચાર્યે અને શ્રી જયંતીદેવીએ વર્ગના પટ્ટશિષ્ય છોટાલાલ માસ્તર ‘વિશ્વવંદ્ય’ને ગદ્ય-પદ્યમાં અંજલિઓ આપેલી છે. ‘રસદર્શન’ના પ્રથમ ગુચ્છ અને દ્વિતીય ગુચ્છ(1986)માં વિવિધ ઉત્સવો પ્રસંગે રજૂ થયેલાં અભિનેય ગીતો, ગરબા અને સંવાદનાટકો સંગ્રહેલાં છે. આ સર્વમાં ઉપેન્દ્રાચાર્યની કવિ, નાટ્યકાર, વાર્તાકાર અને ગદ્યકારની પ્રતિભાનાં દર્શન થાય છે.

લવકુમાર દેસાઈ