આશિષખાં (જ. નવેમ્બર 1940, મૈહર) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. સરોદવાદક અને વિખ્યાત સંગીતકાર અલીઅકબરખાંના સુપુત્ર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. વિખ્યાત સરોદવાદક પિતામહ અલાઉદ્દીનખાંસાહેબ અને પિતા ઉસ્તાદ અલીઅકબરખાંની પાસે મૈહર આશ્રમમાં સંગીતપૂર્ણ વાતાવરણમાં પિતામહ અને પિતાની નિશ્રામાં તેમને સંગીતની પ્રેરણા મળતી રહી.

6 વર્ષની કુમળી વયે સંગીતતાલીમનો પ્રારંભ કરી 16 વર્ષના અવિરત નિયમબદ્ધ શિક્ષણ દરમિયાન તેમણે સરોદ ઉપરાંત અન્ય વાદ્યો અને કંઠ્યસંગીતમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરી. 1953માં પિતામહ અલાઉદ્દીનખાંસાહેબ સાથે આકાશવાણી પર સંગીતનો પોતાનો પ્રથમ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. તે જ વર્ષ દરમિયાન પિતામહ, પિતા અને પુત્રની ત્રણ પેઢીએ એકસાથે આકાશવાણી પરથી સરોદવાદનનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. 1956માં કૉલકાતામાં આયોજિત ‘તાનસેન સંગીત સંમેલન’માં પોતાની કલાનો પરિચય આપ્યો હતો. દરમિયાન પિતાની સાથે અવારનવાર સંગીતકાર્યક્રમો પણ રજૂ કરતા રહ્યા.

1958થી તેઓ કૉલકાતાની પિતાના નામ પર ચાલતી ‘અલીઅકબર કૉલેજ’માં સંગીતની તાલીમ આપે છે. 1962માં તેમણે ઉસ્તાદ અલીઅકબરખાં સાથે જાપાનની યાત્રા કરી હતી. 1964માં તેમને આકાશવાણી કલાકાર તરીકે માન્યતા મળી હતી. આકાશવાણી પરથી તેઓ અવારનવાર સરોદવાદનના કાર્યક્રમો રજૂ કરતા રહે છે. 1965માં તેમણે ‘સુરસિંગાર સંસદ’ દ્વારા આયોજિત ‘કાલના કલાકાર’ સંગીત-સંમેલનમાં પોતાનું વાદન રજૂ કર્યું હતું. 1966માં ‘સ્વામી હરિદાસ સંગીત સંમેલન’માં પણ તેમણે સરોદવાદનનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

આશિષખાંએ તપન સિંહા નિર્દેશિત બંગાળી ફિલ્મ ‘જતુગૃહ’માં સંગીતનિર્દેશન કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ કૅલિફૉર્નિયા, અમેરિકામાં પિતા અલીઅકબરખાં દ્વારા સ્થાપિત સંગીત કૉલેજમાં સંગીતનું શિક્ષણ આપી રહ્યા છે. તેમણે સ્વતંત્ર કાર્યક્રમો દ્વારા અને ફિલ્મોમાં સંગીતનિર્દેશન કરીને લોકપ્રિયતા હાંસલ કરી છે.

ચન્દ્રકાન્ત મહેતા