આર્બોવિષાણુ (arbovirus) : સંધિપાદો(arthropods)માં વિકાસ પામતા અને તેમની મારફત વહન કરાતા (arthropod-borne – સંક્ષિપ્ત arbo છે) વિષાણુઓ. આ સમૂહમાં લગભગ 250 વિષાણુઓ છે. આ વિષાણુઓ એવા ચેપકારકો છે, જેમની વિશિષ્ટતા તેમનું અતિ સૂક્ષ્મ કદ અને રાસાયણિક સરળતા છે. આ વિષાણુઓનો ફેલાવો મચ્છર અને બીજી લોહી ચૂસનારી જિંગોડી (ticks) જેવી જીવાતો મારફત થાય છે. આ વિષાણુઓ તેમના વાહકને નુકસાન કરતા નથી, પણ પ્રાણીશરીરમાં દાખલ થઈ પ્રમસ્તિષ્કશોથ (encephalitis), પીળો તાવ (yellow fever, સૅન્ડફ્લાય મારફત), ટૂંટિયું (dengue) વગેરે રોગો ઉત્પન્ન કરે છે.

આર્બોવિષાણુઓ ગોળાકાર અને આવરણ(envelope)યુક્ત હોય છે. તેમનો વ્યાસ 30થી 100 નૅનોમીટર (1 નૅનોમીટર = 109 મીટર) અને તેમાં અગત્યના ઘટક તરીકે આર. એન. એ. હોય છે, જેનો અણુભાર 2 × 106 જેટલો હોય છે. આ વિષાણુઓ ઈથર, ફૉર્મલીન, અલ્ટ્રાવાયૉલેટ કિરણો તથા ગરમી(600 સે. ઉપર)થી નિષ્ક્રિય બને છે.

તેમની વૃદ્ધિ પ્રયોગશાળાનાં પ્રાણીઓમાં, ગર્ભયુક્ત મરઘીનાં ઈંડાંમાં તથા પેશી-સંવર્ધન(tissue-culture)માં કરી શકાય છે. આ વિષાણુઓનું સંવેશન (inoculation) પુન: પુન: કરવાથી પ્રયોગશાળાનાં પ્રાણીઓના શરીરમાં પ્રતિપિંડ (antibodies) ઉત્પન્ન કરી શકાય છે. આવા પ્રતિપિંડની બનેલી રસી મૂકવાથી રોગમુક્તિ શક્ય બને છે.

આ વિષાણુઓ શરીરમાં પ્રવેશ પામ્યા પછી 5 થી 21 દિવસમાં માથાનો દુ:ખાવો, શરદી, ઊબકા જેવાં ચિહનો દેખાય છે. સારવારથી રોગમુક્ત બનેલ માનવીમાં માનસિક નબળાઈ, સંવેદનાનો અભાવ, અપસ્માર અને પક્ષાઘાત જેવી અસરો રહેવા પામે છે.

રમણભાઈ પટેલ